કચ્છ : કચ્છ મોરબી લોકસભા બેઠક પરના 1568 મતદારોએ ગુરુવારે હોમ વોટિંગ કર્યું હતું. દિવ્યાંગો અને 85 + વર્ષની વયના મતદારોએ હોમ વોટિંગ કરીને પોતાની ફરજ નિભાવી હતી. કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શનમાં 107 જેટલી ટીમોએ હોમ વોટિંગ કરાવવામાં મદદ કરી હતી. તો જિલ્લામાં 85+ કેટેગરીના 1197 મતદારો તથા 371 PWD મતદારોએ મતદાન કર્યું હતું.
કુલ 1711 મતદારોના ફોર્મ પ્રાપ્ત થયા : લોકસભા સામાન્ય ચૂંટણી-2024 હેઠળ 85 વર્ષથી ઉપરની ઉંમરના વરિષ્ઠ નાગરિકો તથા દિવ્યાંગ મતદારો ઘર બેઠા પોતાના મતાધિકારનો ઉ૫યોગ કરી શકે તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે માર્ગદર્શિકા મુજબ કચ્છ સંસદીય મતદાર વિભાગમાં બી.એલ.ઓ. દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી હતી. જે મુજબ કચ્છના-મોરબીના અલગ અલગ મતદાર વિભાગમાંથી 85 વર્ષથી વધુ ઉંમરની કેટેગરીના 1296 મતદારો તથા 415 PWD મતદારો સહિત કુલ 1711 મતદારોના ફોર્મ પ્રાપ્ત થયા હતાં.
107 જેટલી ટીમો : આજ રોજ ચૂંટણી તંત્રના કર્મચારીઓ દ્વારા 1711 મતદારોના ઘરે જઈને વોટિંગ કરાવવા કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા કુલ 107 જેટલી પોલીંગ ટીમો, માઈક્રો ઓબ્ઝર્વર, પોલીસ તથા વીડિયોગ્રાફર સહિત અધિકારીઓ સાથે ઘરે જઈને 25 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી મતદાન કરાવવાની કામગીરી હાથ ઘરવામાં આવી છે.
પ્રથમ દિવસે 1568 મતદારોએ મતદાન કર્યું : આજરોજ જિલ્લામાં 85થી વધુ ઉંમર ધરાવતા તથા PWD મતદારો દ્વારા હોમ વોટિંગ કરવામાં આવ્યું હતું. જે પૈકી 85થી વધુ ઉંમરની કેટેગરીના 1197 મતદારો તથા 371 PWD મતદારો સહિત કુલ 1568 મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું.