કચ્છ: લોકસભા ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો મળ્યો છે. કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રવકતા દીપક ડાંગર અને તેમની સાથે કચ્છ જીલ્લા NSUI પ્રમુખે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. તો સાથે જ કચ્છ યુથ કોંગ્રેસના મહામંત્રી દ્વારા પણ રાજીનામું આપવામાં આવ્યું છે. વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા યુવા નેતાઓએ રાજીનામા આપતા કચ્છ જિલ્લા કોંગ્રસને મોટો ઝટકો લાગ્યો છે.
કચ્છ કોંગ્રેસના પ્રવક્તાનું રાજીનામું: કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા દીપક ડાંગરે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાને પોતાનું રાજીનામું આપ્યું છે અને જણાવ્યું હતું કે છેલ્લા 17 વર્ષથી તેઓ કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા છે. વર્ષ 2006માં NSUIથી રાજકીય કારકિર્દીની તેમણે શરૂઆત કરી હતી અને વિવિધ જગ્યાએ પક્ષમાં સેવા આપી છે. આજ દિવસ સુધી પક્ષના કાર્યકર તરીકે વફાદારીથી તેમણે પોતાની ફરજ નિભાવી છે. પરંતુ હાલના સામાજિક અને રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને તેઓ કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્યપદેથી અને પ્રવક્તા પદેથી રાજીનામું આપે છે.
યુથ કોંગ્રેસના મહામંત્રી અને NSUIના પ્રમુખનું પણ રાજીનામું
કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી નિલયગીરી ગોસ્વામીએ પણ કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજીવેન્દ્ર સિંહ જાડેજાને અંગત કારણોસર મહામંત્રી પદે અને કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામુ આપતો પત્ર લખ્યો હતો. તો કચ્છ જિલ્લા NSUI ના પ્રમુખ તીર્થરાજ મકવાણાએ વિદ્યાર્થી કોંગ્રેસ એટલે કે NSUIના પ્રમુખ પદે અને કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપતો પત્ર ગુજરાત પ્રદેશ NSUI ના પ્રમુખ નરેન્દ્ર સોલંકીને લખ્યો હતો કે તેમની સાથે તેમની પૂરી ટીમે પણ રાજીનામું આપ્યું છે.
લોકસભા ચુંટણી સમયે વર્ષોથી કોંગ્રેસ પક્ષ સાથે જોડાઈને વિવિધ લડતો ચલાવતા યુવા પ્રવક્તા અને મહામંત્રી તથા વિદ્યાર્થી નેતા દ્વારા અંગત કારણોસર તેમજ સામાજિક અને રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને રાજીનામા આપીને ભાજપનો ખેસ ધારણ કરતા સમગ્ર કચ્છમાં ચર્ચા વિચારણા થવા લાગી છે.