ખેડા: ન માત્ર ખેડા પોલીસ પરંતુ સમગ્ર ગુજરાત પોલીસના ઈમાનદાર પોલીસકર્મીઓની શાખને દાગ લગાડે તેવો કિસ્સો સામે આવ્યો છે. ખેડામાં એલ.આઈ.બી શાખામાં ફરજ બજાવતા ભરતગીરી ગોસ્વામી નામનો ASI પાંચ લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીના છટકામાં રંગે હાથ ઝડપાયો છે.
ASIએ 40 લાખની માંગી હતી લાંચ: પાસપોર્ટ માટે પોલિસ ક્લીયરન્સ સર્ટીફિકેટ આપવા બાબતે આ લાંચિયા પોલીસકર્મીએ 40 લાખ રૂપિયાની માંગણી કરી હતી.બાદમાં પાંચ લાખ નક્કી થયા હતા. જે ફરિયાદી આપવા ન ઈચ્છતા હોય તેથી આ બાબતે એસીબીને જાણ કરી હતી. તેથી અમદાવાદ એસીબી દ્વારા છટકું ગોઠવી ASIને લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યો હતો.
શા માટે માંગી હતી લાંચ: ખેડા જિલ્લાના એક ગામમાં રહેતા પરિવારનો પુત્ર વર્ષોથી અમેરીકામાં રહે છે. જ્યાં તેમનો પાસપોર્ટ ગુમ થઇ ગયેલ હોવાથી નવો પાસપોર્ટ કઢાવવા માટે ભારતીય એમ્બેસીમાં અરજી કરી હતી. યુવક ખેડા જીલ્લાનો મૂળ વતની હોવાથી અમેરીકાની ભારતીય એમ્બેસીમાંથી પોલીસ ક્લિયરન્સ સર્ટીફિકેટ અંગે ઈન્કવાયરી નડીયાદ એસપી ઓફિસ ખાતે આવી હતી.જે પીસીસી આપવા બાબતે એસપી ઓફિસની એલઆઈબી શાખામાં ફરજ બજાવતા એએસઆઈ ભરતગીરી ઈશ્વરગીરી ગોસ્વામીએ યુવકના પિતા પાસે 40 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી અને અંતે 5 લાખ રૂપિયામાં એએસઆઈ સંમત થયાં હતાં.
લાંચિયા પોલીસકર્મી વિરૂદ્ધ કાર્યવાહી: ફરીયાદી લાંચ આપવા માંગતા ના હોઇ તેમના દ્વારા એસીબીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જ્યાં તેમણે સમગ્ર હકીકત જણાવી ફરીયાદ આપી હતી. જેને લઈ એસીબી દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યુ હતું. આ છટકા દરમિયાન આરોપી ભરતગીરી ગોસ્વામીને રૂ.5 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી એએસઆઈ વિરૂદ્ધ અમદાવાદ એસીબી દ્વારા ગુનો નોંધી વધુ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.