ખેડા : કોંગ્રેસ ઉમેદવાર કાળુસિંહ ડાભીના ચૂંટણી પ્રચાર માટે યોજાયેલી કાર રેલીમાં મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકરો જોડાયા હતા. જેને લઇને કોંગ્રેસ ઉમેદવાર કાળુસિંહ ડાભીએ જણાવ્યું હતું કે મોંઘવારી,બેરોજગારી તેમજ ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓથી પ્રજા ત્રસ્ત બની છે ત્યારે અમે આ મુદ્દાઓને લઈ જનતા વચ્ચે જઈ રહ્યા છીએ. કાળુસિંહ ડાભીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસની ભવ્ય જીત થશે.
કાર રેલી કાઢી ગામડાં ખૂદ્યાં : જિલ્લા કોંગ્રેસ સમિતિથી કોંગ્રેસ ઉમેદવાર કાળુસિંહ ડાભીની કાર રેલીનું પ્રસ્થાન જિલ્લા કોંગ્રેસ સમિતિથી રેલીએ કારના કાફલા સાથે પ્રસ્થાન કર્યુ હતું.જે રેલી નડિયાદ શહેર અને ત્યાર બાદ ટુંડેલ, ડુમરાલ, પીપળાતા, કેરીઆવી, આખડોલ, વલેટવા, વડતાલ, નરસંડા, રાજનગર, કણજરી, ભૂમેલ, ઉત્તરસંડા, ગુતાલ અને પીપલગ ગામમાં ફરી હતી. આ તકે કાળુસિંહ ડાભીએ કોંગ્રેસને જીતાડવા મતદારોને અપીલ કરી હતી.
જીતનો વિશ્વાસ : કોંગ્રેસ ઉમેદવાર કાળુસિંહ ડાભીએ ખેડા લોકસભા બેઠક બે અઢી લાખ વોટથી અમે જીતીશું તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કાળુસિંહ ડાભીએ જણાવ્યુ હતું કે મતદારોનું ચારે બાજુ વાતાવરણ સરસ રીતે બની ગયુ છે. અમે ધોળકા ગયા માતર, મહેમદાવાદ ગયા અમારું કપડવંજ હોય અમારું દસ્ક્રોઈ હોય કોઈ વિધાનસભા વિસ્તારમાં અમે માઈનસ થવાના નથી. આ બેઠક બે અઢી લાખ વોટથી આ વખતે અમે જીતવાના છીએ. કાર્યકરોમાં એટલો બધો ઉત્સાહ છે.
ભાજપવાળાની ગાડી કોઈ ગામડે પેસવા નથી દેતા. મોટા ભાગે તમે જુઓ તો તેમનું બોર્ડ પણ કોઈ મારવા નથી દેતા. તેમની પત્રિકા પણ નથી વહેંચવા દેતા. અમારા કાર્યકરો એટલા ઉત્સાહમાં છે અને ગ્રામીણ વિસ્તારમાં રાત્રે બાર વાગ્યા સુધી પ્રચાર કરતા હોય છે. આજે નડીયાદ શહેર અને નડીયાદના જે 14 જેટલા ગામોના વિસ્તારમાં અમે ફરવાના છીએ. મતદારોને અમે રૂબરૂ અમારા કાર્યકરો અમારા આગેવાનો સાથે મળી અમે મતદારો પાસે જવાના છીએ. આ નડીયાદમાં પહેલીવાર એવું બનશે કે આ બેઠક પર અમે પ્લસ થઈ જવાના. એક વોટ પણ ક્ષત્રિયોનો ભાજપમાં પડવાનો નથી. બધા વોટ કોંગ્રેસમાં પડવાના છે. કેમકે રૂપાલાજીએ જે નિવેદન કર્યુ બધા ક્ષત્રિયો નારાજ છે. એમણે આવુ નિવેદન ના કરવું જોઈએ.ગામે ગામે ફળિયે ફળિયે ક્ષત્રિય યુવાનો મંદિરોમાં જઈ પ્રતિજ્ઞા લઈ રહ્યા છે કે અમે એક વોટ કોંગ્રેસને આપીશું અને બીજા સો વોટ અમારા મિત્ર મંડળ સગા સંબંધીના સો વોટ લાવીને અમે કોંગ્રેસમાં નાંખીશુ. અમારી અપેક્ષાથી વધારે લીડ આવવાની છે...કાળુસિંહ ડાભી ( કોંગ્રેસ ઉમેદવાર, ખેડા લોકસભા બેઠક )