ખેડા: જિલ્લાના સેવાલિયા મહારાજના મુવાડા નવી ચેકપોસ્ટ ખાતેથી 50 કિલો ગાંજાના જથ્થા સાથે બે ઈસમોને સેવાલિયા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. વાહન ચેકિંગ દરમિયાન કારમાં લઈ જવાતો 50 કિલો ગાંજાનો જથ્થો તેમજ કાર અને મોબાઈલ સહિત કુલ રૂપિયા 7,10,000 નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે.
પોલીસે કાર ચાલક ગોધરાના રફાકતહુસેન મોહંમદ હુસેન શેખ અને હિંમતનગરના જીસાન રઈશઉદ્દીન શેખને ઝડપી પાડ્યા હતા. જ્યારે એક અન્ય શખ્સ હિંમતનગરનો અશફાક હુસેન જાકીર હુસેન શેખ ગોધરાથી ફરાર થઈ ગયો હતો. પોલિસે સમગ્ર મામલે ત્રણ ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આમ, માદક પદાર્થનો મોટો જથ્થો ઝડપી યુવાનોને નશાના રવાડે ચઢાવવાના ગોરખધંધાનો પર્દાફાશ કરવામાં પોલીસને સફળતા મળી છે.
મહારાષ્ટ્રના નંદુરબારથી ગાંજો લાવ્યાનો ખુલાસો: ઝડપાયેલા બંને આરોપીઓની પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ગાંજો મહારાષ્ટ્રના નંદુરબારથી લાવીને હિંમતનગર ખાતે લઈ જવાતો હોવાનો ખુલાસો થયો છે. આરોપી બંને ઈસમોને હિંમતનગરના રહેવાસી અશફાક હુસેન જાકીર હુસેન શેખ નામના ઈસમે મહારાષ્ટ્ર ખાતે રહેતા તેના પરિચિત પાસેથી ગાંજો લઈને આપ્યો હોવાની માહિતી મળી છે. તમને જણાવી દઈએ કે, આ ત્રણેય ઈસમો કારમાં સાથે જ હતા, પરંતુ અશફાક હુસેન જાકીર હુસેન શેખ ગોધરા નજીકથી કોઈ અન્ય વાહનમાં જતો રહ્યો હતો.
આ બાબતે ડીવાયએસપી બી.આર. વાજપેયીએ જણાવ્યું હતું કે, સેવાલિયા પોલિસ સ્ટેશન ખાતે આવેલ મહારાજના મુવાડા ચેકપોસ્ટ ખાતે પોલિસ કર્મચારીઓ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન કાર નંબર જીજે 02 BP 4417 ની ચેકિંગ દરમિયાન શંકાસ્પદ માદક પદાર્થ હોવાની પોલિસને જાણ થઈ હતી. પરિણામે પોલીસે તાત્કાલિક નાર્કોટિક્સ એક્ટ મુજબની મેન્ડેટરી પ્રાવિઝન્સનું પાલન કરતાં કાર્યવાહી શરૂ કરી હતી.
સરકારી પંચો અને એફએસએલ અધિકારીને બોલાવી આ સમગ્ર ઝડપાયેલ મુદ્દામાલની તપાસ કરતાં ગાંજાની બેગો હોવાનું ફલિત થયું હતું. પોલીસે ગાડીના ડ્રાયવર ગોધરાના રહેવાસી રફાકત હુસેન મહંમદ હુસેન શેખ અને છાપરિયા હિંમતનગરના રહેવાસી જીસાન રઈશઉદ્દીન શેખને ઝડપી લીધા હતા. વાહનમાં 25 જેટલી બેગમાં 50 કિલો માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે આ સંદર્ભે એનડીપીએસ એક્ટની કલમ 8C, 20B અને 29 અન્વયે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, આ ગાંજાનો જથ્થો હિંમતનગરનો રહેવાસી અશ્ફાક હુસેન જાકીર હુસેન શેખે તેના પરિચિત નંદુરબાર મહારાષ્ટ્ર ખાતે રહેતા વ્યક્તિ પાસેથી મેળવ્યો હતો અને તેઓ આ મુદ્દામલને હિંમતનગર લઈ જઈ રહ્યા હતા. આ ત્રણેય આરોપી સાથે જ હતા, પરંતુ અશ્ફાક હુસેન ગોધરા નજીકથી કોઈ અન્ય વાહનમાં જતો રહ્યો હતો. પોલિસે આ તમામ આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
નાર્કોટિક્સ પદાર્થ વિશે વધુ માહિતી મેળવવા માટે પોલીસ આરોપીઓની રિમાન્ડ મેળવશે અને તપાસ કરશે. તમને જણાવી દઈએ કે, 5 લાખના 50 કિલો ગાંજા તેમજ ગાડી સહિત રૂપિયા 7,10,000 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.
આ પણ વાંચો: