જૂનાગઢ : ગત મધ્ય રાત્રે જૂનાગઢના દાતાર રોડ પર રહેતા ચંદુ સોલંકી નામના યુવાનની કાળવા ચોકમાં કેટલાક વ્યક્તિઓ સાથે વાહન વ્યવસ્થિત ચલાવવા બાબતે માથાકૂટ થઈ હતી. ત્યારબાદ સમગ્ર મામલો રાત્રીના બે થી ત્રણ વાગ્યાની આસપાસ અપહરણમાં પરિવર્તિત થયો હતો.
મધ્યરાતે યુવાનનું અપહરણ : રાત્રે 11 વાગ્યા બાદ જૂનાગઢના ચંદુ સોલંકીને ગોંડલના ગણેશ જાડેજા નામના વ્યક્તિ સાથે વાહન ચલાવવાને લઈને માથાકૂટ થઈ હતી. ત્યારબાદ ગણેશ જાડેજા અને અન્ય આઠથી દસ લોકો રાત્રીના બે-ત્રણ વાગ્યાના અરસામાં ફરી એક વખત દાતાર રોડ પર આવી પહોંચ્યા હતા. જ્યાં ચંદુ સોલંકીનું કારમાં અપહરણ કરીને ગોંડલ નજીકના કોઈ વિસ્તારમાં લઈ ગયા હતા.
નજીવી બાબતે કયું અપહરણ : વાહન યોગ્ય ચલાવવા જેવી સામાન્ય બાબતે ફરિયાદી ચંદુ સોલંકીને ગોંડલ તરફના ગણેશ જાડેજા અને તેની સાથે રહેલા અન્ય 10 વ્યક્તિઓ પૈકી કારમાં સવાર એક વ્યક્તિએ પોતે પોલીસ તરીકે ઓળખ આપીને ચંદુ સોલંકીને કારમાં જ મૂઢ માર માર્યો હતો. ત્યારબાદ તેને ગોંડલ નજીકના કોઈ વિસ્તારમાં રાત્રીના સમયે લઈ જવામાં આવ્યો અને અહીં પણ તેને માર મારી અને જાતિ પ્રત્યે અપમાનિત કરીને ધમકી આપી હતી.
યુવકને નિર્વસ્ત્ર કરી માર માર્યો : આરોપીઓએ યુવકને નિર્વસ્ત્ર કરીને મૂઢ માર માર્યો હતો. બાદમાં યુવકને જૂનાગઢ પર મૂકી ગયા હતા. આ મામલે ભોગ બનનાર યુવકે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે અપહરણ અને મૂઢ માર મારવાના કિસ્સામાં આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલામાં જૂનાગઢ એ ડિવિઝન પોલીસ મથકના PSI વી. જે. સાવજ તપાસ ચલાવી રહ્યા છે.