જુનાગઢ : આગામી દિવસોમાં લોકસભા ચૂંટણીની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા થઈ શકે છે. ત્યારે ચૂંટણી પૂર્વેની રાજકીય ગતિવિધિઓ સતત જોવા મળી રહી છે. લોકસભાની ચૂંટણીમાં મોટે ભાગે લોકોના મતોથી સાંસદ સભ્યો ચૂંટતા હોય છે. જેથી ચૂંટણી પ્રચારના મુદ્દાઓ પણ લોકોને સ્પર્શતા હોય તે પ્રકારે રાજકીય પક્ષો પોતાનો ચૂંટણી ઢંઢેરો પણ જાહેર કરતા હોય છે. ત્યારે આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈને જુનાગઢ લોકસભા મતવિસ્તારના મતદારોએ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચારમાં લોકોના મુદ્દાઓને પ્રાધાન્ય આપે અને સરકાર બનવાની સ્થિતિમાં તેનું અમલીકરણ થાય તે પ્રકારે ચૂંટણી પ્રચારની રણનીતિ તમામ રાજકીય પક્ષો અપનાવે તેવી માંગ જુનાગઢ લોકસભા બેઠકના મતદારો કરી રહ્યા છે.
રાજકીય પક્ષોના ચૂંટણી મુદ્દાઓ : આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીઓ ભાજપ મોદી અને મંદિરની સાથે સીએએને ચૂંટણી મુદ્દો બનાવીને ચૂંટણી જંગમાં ઉતરતી જોવા મળશે. આ સિવાય ભાજપ વિકાસના મુદ્દાને લઈને પણ ચૂંટણી જંગમાં જોવા મળશે. તે જ પ્રકારે ચૂંટણી ઢંઢેરામાં પણ તેની જાહેરાત કરવામાં આવી શકે છે. વધુમાં કોંગ્રેસ સામાન્ય લોકોના મુદ્દાઓને સ્પર્શીને તેનો ચૂંટણી ઢંઢેરો બનાવી શકે છે. જેમાં યુવાનોને રોજગારી મહિલા સશક્તિકરણ સતત વધતી મોંઘવારી પર કાબુ ખેડૂતોને કૃષિ જણશોના યોગ્ય અને પોષણક્ષમ ભાવો સારી આરોગ્ય સુવિધાની સાથે પ્રત્યેક વ્યક્તિને ગુણવત્તા યુક્ત વિનામૂલ્યે સરકારી શિક્ષણ મળી રહે તે પ્રકારની જોગવાઈ કોંગ્રેસ તેના ચૂંટણી ઢંઢેરામાં કરી શકે છે.
મતદારોની રાજકીય પક્ષો સામે માંગ : જુનાગઢ લોકસભા બેઠકમાં આવતા મતદારો તેમને સ્પર્શતા મુદ્દાઓ ચૂંટણી ઢંઢેરો અને આવનારી ચૂંટણીમાં પ્રચાર માધ્યમથી તેને અમલ કરવા સુધી પહોંચાડી શકાય તે માટેની રાજકીય પક્ષો જાહેરાત કરે તેવી માંગ કરી છે. ધર્મ લોકોની આસ્થાનો વિષય છે. સાથે સાથે લોકોને સારું શિક્ષણ અને આરોગ્યની સાથે સતત વધતી મોંઘવારીમાંથી પણ મુક્તિ મળે તે માટેનું આયોજન ચૂંટણી લડતા પ્રત્યેક રાજકીય પક્ષો કરે. ચૂંટણી બાદ જે કોઈપણ રાજકીય પક્ષની સરકાર બને તેમાં ચૂંટણી પ્રચાર દરમિયાન આપવામાં આવેલા વચન વાયદાનો સંપૂર્ણપણે અમલ થાય તેવી માંગ પણ જૂનાગઢના મતદારો કરી રહ્યા છે.