જૂનાગઢ: ચાર મહિના બાદ આજે ફરી એક વખત સાસણગીર સફારી પાર્ક પ્રવાસન ગતિવિધિથી ધમધમતું જોવા મળ્યું છે. સિહોના સંવવન કાળ અને ચોમાસાને કારણે દર વર્ષે 15 મી જુનથી લઈને 15મી ઓક્ટોબર સુધી સાસણ સફારી પાર્ક બંધ રાખવામાં આવે છે. જે આજે ફરી એક વખત પ્રવાસન ગતિવિધિથી ધમધમતું જોવા મળ્યો છે.
પ્રવાસન ગતિવિધિથી ધમધમતું થયું સફારી પાર્ક: ચાર મહિના બંધ રહ્યા બાદ ફરી એક વખત સાસણગીર સફારી પાર્ક પ્રવાસન ગતિવિધિથી ધમધમતું થયું છે અને ચોમાસાના ચાર મહિના માટે સાસણગીર સફારી પાર્ક તમામ પ્રવાસન ગતિવિધિઓથી બંધ રાખવામાં આવે છે. 15 મી જુને બંધ થયેલું સાસણ સફારી પાર્ક આજે 16મી ઓક્ટોબરથી વિધિવત રીતે શરૂ થયું છે. પહેલા દિવસે જ તમામ 150 પરમીટ ઓનલાઇન રજીસ્ટરથી ફૂલ જોવા મળે છે. ચાર મહિના સુધી બંધ રહેલુ સાસણ સફારી પાર્ક આજે શરૂ થતા જ દેશ-વિદેશના પ્રવાસીઓનો ઘસારો પણ વહેલી સવારે સાસણ સિંહ સદન ખાતે જોવા મળ્યો હતો.
તમામ જીપ્સી નવી રાખવામાં આવી: આજથી શરૂ થયેલા સાસણગીર સફારી પાર્કમાં પ્રતિદિવસ 150 પરમિટની તમામ વાહનો બિલકુલ નવા અને ઇકો ફ્રેન્ડલી વાતાવરણને અનુકૂળ શરૂ કરવામાં આવ્યા છે. તમામ વાહનો આજથી પ્રથમ વખત સાસણ સફારીમાં જઈ રહ્યા છે. જેથી જંગલ વિસ્તારમાં પ્રદૂષણની સમસ્યાને નિવારી શકાય વધુમાં સાસણ સિંહ સદન ખાતે પ્રવાસીઓ તેમના સફારીના અનુભવને વ્યક્ત કરી શકે તે માટે એક રજીસ્ટર પણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં પ્રવાસીઓના અનુભવને આધારે વન વિભાગ સફારી અને અન્ય પ્રવાસન ગતિવિધિમાં સુધારો વધારો કરી શકાય. તે માટે પણ એક નવી વ્યવસ્થા તમામ પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવી છે.
પહેલી સફારીમાં જ થયા સિંહ દર્શન: વહેલી સવારે 6:00 વાગે રવાના થયેલી પ્રથમ ટ્રીપમાં સિંહ દર્શન થતા પ્રવાસીઓએ સાસણ સફારી પાર્કની સિંહદર્શન સાથે શરૂઆત કરી હતી. આજે દેશ અને દુનિયાના પ્રવાસીઓ સાસણ ખાતે સફારીની રોમાંચ અનુભવવા માટે પહોંચ્યા હતા, ત્યારે સફારીની શરૂઆતના જ સમયમાં એક નર સિંહ સફારીના માર્ગ પરથી પસાર થતા પ્રવાસીઓએ સિંહ દર્શનનો રોમાંચ પણ અનુભવ્યો હતો. સાસણમાં સિંહની સાથે અન્ય વન્ય જીવ સંપદા પણ ખૂબ જ જોવા મળે છે, ત્યારે ચાર મહિના બાદ નવપલિત થયેલું જંગલ અને અલમસ્ત બનેલા જંગલના રાજા સિંહને નિહાળીને પ્રવાસીઓ ભારે રોમાંચિત બની ઉઠ્યા હતા.
પ્રવાસીઓએ વ્યક્ત કર્યો પ્રતિભાવ: આજે નવા વર્ષમાં શરૂ થયેલી સાસણ સફારી પાર્કમાં પ્રથમ વખત જ આવેલા પ્રવાસીઓએ જે રીતે સિંહ દર્શન કર્યા તેને લઈને તેઓ રોમાંચિત બની ઉઠ્યા હતા. આંધ્રપ્રદેશની પદ્માએ પ્રથમ વખત ગીર જંગલમાં સિંહ સિંહણ અને તેના બે બચ્ચાના આખા પરિવારને જોઈને ભારે રોમાંચિત થઈ ઉઠી હતી. તો બંગાળથી આવેલા કેટલાક પ્રવાસીઓ સાસણ ખાતે સિંહ દર્શનની સાથે અન્ય વન્યજીવ ઇકોલોજીને લઈને પણ ભારે ઉત્કંઠા સાથે સફારીની શરૂઆત કરી હતી. અત્યાર સુધી તેઓએ સાસણ વિશે પુસ્તકો અને અન્ય જગ્યા પર માત્ર વાંચન કર્યું હતું. પરંતુ આજે પ્રથમ વખત ગીર જંગલમાં જંગલના રાજા સિંહને જોવાની એક અનોખી તક પ્રાપ્ત થઈ છે. તેને લઈને પણ તેઓ ભારે રોમાંચિત બની રહ્યા હતા.
આ પણ વાંચો: