જુનાગઢ: સમગ્ર રાજ્યના ખેડૂતો માટે સારા અને હકારાત્મક સમાચારો જૂનાગઢના દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકાર રમણીકભાઈ વામજાએ આપ્યા છે. આગામી 25 જુનથી લઈને 30 મી જુન સુધીના આ અઠવાડિયામાં સમગ્ર ગુજરાતમાં વાવણીલાયક વરસાદ થશે તેવી તેમણે આગાહી કરી છે. મગફળીના પાક માટે સૌથી સારો વરસાદ રહેવાની શક્યતા પણ રમણીકભાઈએ વ્યક્ત કરી છે.
સમગ્ર રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર: જગતનો તાત ચોમાસુ પાકોની વાવણીને લઈને હવે ચાતક નજરે મેઘરાજાની રાહ જોઈ રહ્યો છે, તેની વચ્ચે દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકાર જુનાગઢના રમણીકભાઈ વામજાએ સૌથી સારા સમાચાર આપ્યા છે. 25 જૂનથી લઈને 30 મી જુન સુધી સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક રીતે વરસાદ થયા બાદ ચોમાસુ પાકોની વાવણી પૂર્ણ થઇ જશે. હાલ તો વરસાદ આગળ ખેંચાઈ રહ્યો છે, જેને કારણે ખેડૂતોમાં ખૂબ ચિંતા જોવા મળે છે, પરંતુ આગામી એક અઠવાડિયું રાજ્યના ખેડૂતો માટે સારુ રહેવાની શક્યતા પણ રમણીકભાઈ વામજા એ વ્યક્ત કરી છે.
આદ્રા નક્ષત્રમાં વરસાદની પૂરી શક્યતા: ગઈ કાલે સાંજથી વરસાદનું સૌથી સારું નક્ષત્ર માનવામાં આવે છે, તે આદ્રામાં શરૂ થયું છે. આ નક્ષત્રનું વાહન મોર છે જેને કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવણીજોગ વરસાદ થવાની પૂરી શક્યતાઓ વ્યક્ત થાય છે. અગાઉ 14 જૂનથી 17 જૂન સુધી મૃગશીર્ષ નક્ષત્ર દરમિયાન તેનું વાહન શિયાળ હતું જેને કારણે ખૂબ જ ઓછા વિસ્તારમાં ચોમાસાની વાવણી થાય તે પ્રકારનો વરસાદ જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અમરેલી અને જામખંભાળિયા વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થયો છે, પરંતુ સમગ્ર રાજ્યમાં હજુ વાવણી જોગ વરસાદ થયો નથી.
ઈશાન ખૂણામાં વીજળી શુકન બનતી: ગઈ કાલે સાંજે આદ્રા નક્ષત્ર બેસી ગયું છે, ત્યારે આ સમયે ઇશાન ખૂણામાં વીજળીના ચમકારા જોવા મળતા હતા . દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકારો દ્વારા આદ્રા નક્ષત્રમાં ઈશાન ખૂણામાં વીજળી થાય તો તેને શુભ શુકન માનવામાં આવે છે. જેને કારણે આ નક્ષત્રમાં ખૂબ સારો અને ખાસ કરીને વાવણી લાયક વરસાદ થાય તેવી શક્યતા પણ દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકારોએ વ્યક્ત કરી છે. વધુમાં આવનારુ ચોમાસુ મગફળીના પાક માટે સર્વોત્તમ રહેશે તેવી શક્યતા પણ આગાહીકાર રમણીકભાઈ વામજાએ વ્યક્ત કરી છે. તેમણે વધુમાં આ ચોમાસા દરમિયાન ઓગસ્ટ મહિનામાં વરસાદની થોડી ખેંચ વર્તાશે પરંતુ એકંદરે ચોમાસુ ખૂબ સારું રહેવાનો વર્તારો રમણીકભાઈ વામજાએ વ્યક્ત કર્યો છે.