જુનાગઢ: આગામી ચોમાસાની ઋતુ સારી અને સાર્વત્રિક હોવાનો મત જૂનાગઢના દેશી આગાહીકાર રમણીકભાઈ વામજાએ વ્યક્ત કર્યો છે આગામી ચોમાસાની ઋતુ દરમિયાન 50 થી 55 ઈચ વરસાદની સાથે તમામ નક્ષત્રોમાં સારો વરસાદ થાય ભાદરવા મહિનામાં સાપ અને વીંછીના ઉપદ્રવની વચ્ચે આગામી વર્ષ રાજા અને પ્રજા માટે કસોટી કારક હોવાનું જણાવ્યું છે.
આગામી ચોમાસુ સાર્વત્રિક અને સર્વત્ર વરસાદ વાળું: આગામી ચોમાસાની ઋતુને લઈને જૂનાગઢના દેશી આગાહીકાર રમણીકભાઈ વામજાએ વર્ષ દરમિયાન કુદરતમાંથી મળતા સંકેતો જેવા કે, આકાશી કસ આકાશની ચિતરી શરદ પૂનમના દિવસે ભેજનું પ્રમાણ હોળીની ઝાળ અખાત્રીજનો પવન તેમજ કુદરતમાંથી મળતા અન્ય સંકેતો અનુસાર આવનારી ચોમાસાની ઋતુ વરસાદની દ્રષ્ટિએ સર્વોત્તમ હોવાનું જણાવ્યું છે. રમણીકભાઈ વામેજાના મત અનુસાર 15 જુનની આસપાસ સમગ્ર ગુજરાતમાં ચોમાસુ બેસી જવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. અને ભીમ અગિયારસના દિવસે મોટા ભાગના જિલ્લાઓમાં ચોમાસુ પાકનું વાવેતર પૂર્ણ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.
હોળીની ઝાળનો વર્તારો: આ વર્ષે હોળીની ઝાળ અને તે દિવસે પવનની સ્થિતિ બાદ ચોમાસાના વરસાદનો વરતારો વ્યક્ત કરાયો છે. આ વર્ષે હોળીના દિવસે પવનની દિશા પશ્ચિમથી પૂર્વ અને વાયવ્યથી અગ્નિ દિશામાં જોવા મળી હતી, જેને ચોમાસાની ઋતુ માટે ખૂબ જ સારી માનવામાં આવે છે. વધુમાં હોળીની ઝાળ આકાશ તરફ જતી હોવાથી આવનારુ વર્ષ રાજા અને પ્રજા માટે કસોટી કારક હોવાનું પણ અનુમાન વ્યક્ત કરાયું છે. આ સિવાય ભાદરવા મહિનામાં સાપ અને વીંછીનો ઉપદ્રવ પણ વિશેષ પ્રમાણમાં વધી શકવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.
50 થી 55 ઇંચ વરસાદ: રમણીકભાઈ વામજાના નિદર્શન અનુસાર, આ વર્ષે 50 થી 55 ઇંચ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. વધુમાં કૃતિકા નક્ષત્રમાં કમોસમી વરસાદ થયો છે, જેને ચોમાસાના ચાર મહિના માટે ખૂબ સારો માનવામાં આવે છે. 24મી તારીખથી રોહિણી નક્ષત્ર બેસી રહ્યુ છે, જેમાં પણ ગાજવીજ સાથે વરસાદ થવાનુ અનુમાન વ્યક્ત કરાયુ છે. 15 જૂનથી 20 જૂનના આસપાસ સમગ્ર ગુજરાતમાં ચોમાસુ બેસી જશે અને ભીમ અગિયારસના દિવસે મોટાભાગના વિસ્તારોમાં ચોમાસુ વાવણી પૂર્ણ થાય તેવી શક્યતા દર્શાવી છે. વધુમાં 27 જૂનથી આદ્રા નક્ષત્રમાં સાર્વત્રિક વરસાદ થશે. આ વર્ષનું ચોમાસું પાછલા વર્ષોની સરખામણીએ લાંબુ ચાલશે અને હાથીયા નક્ષત્રમાં પણ ખૂબ વરસાદની શક્યતા જોવાઈ રહી છે. જેને કારણે નવરાત્રીમાં અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી. વેરાવળ વિસ્તારમાં જુલાઈ માસમાં અતિ ભારે વરસાદ પડવાને કારણે અતિવૃષ્ટિની શક્યતાઓ પણ જોવાઈ રહી છે. આ વર્ષે ગરમીની સાથે વરસાદનું પણ પ્રમાણ પુષ્કળ રહેવાની શક્યતા દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકાર રમણીકભાઈ વામજાએ વ્યક્ત કરી છે.