જૂનાગઢ: ગત 13 મી ફેબ્રુઆરીના દિવસે માણાવદરમાં રહેતા અને કપાસ અને કપાસિયાના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી દિનેશ કાલરીયાએ માણાવદર પોલીસ સ્ટેશનમાં તેમને કોઈ અજાણ્યા ત્રણ બાઇક સવાર યુવાનો 9 લાખ કરતા વધુની રોકડ રકમ લૂંટીને ફરાર થઈ ગયા છે તેવી ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ તપાસના નવ દિવસ બાદ ફરિયાદી દિનેશ કાલરીયા ખુદ આરોપી સાબિત થતા જૂનાગઢ પોલીસે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરીને 9લાખ 30 હજાર રૂપિયાની જે લૂંટ થયેલી તેવી હકીકત ઉપજાવી કાઢેલ તે રોકડ રકમ પણ પોલીસે કબજે કરીને કાર્યવાહી શરૂ કરી છે.
કોર્ટ કેસમાંથી બચવા રચ્યું તરકટ
પોલીસ પકડમાં રહેલો દિનેશ કાલરીયા પર વંથલી કોર્ટમાં એક કેસ ચાલી રહ્યો છે જે ચુકાદા પર થોડા જ દિવસોમાં આવવાનો છે. તેની વચ્ચે કોર્ટનો ચુકાદો દિનેશ કાલરીયા વિરુદ્ધ આવે તેવી પૂરી શક્યતાને ધ્યાને રાખીને આરોપી દિનેશ કાલરીયાએ તેમને લૂંટવામાં આવ્યા છે તેવું ખોટું લૂંટનું નાટક ઉભુ કરીને પોલીસને પણ ગેરમાર્ગે દોરી રહ્યો હતો. સમગ્ર મામલામાં પોલીસ તપાસ દરમિયાન દિનેશ કાલરીયાની વિગતો પોલીસને ખૂબ જ શંકાસ્પદ હોવાની વિગતો મળતા પોલીસે આકરી પૂછપરછ ફરિયાદી દિનેશ કાલરીયાની કરી હતી જેમાં તેઓએ સમગ્ર લુટનું નાટક તેમના દ્વારા ઊભું કરવામાં આવ્યું છે તેવું ફલિત થતા પોલીસે તેની અટકાયત કરી છે.
આરોપી નગરપાલિકાનો પૂર્વ પ્રમુખ
પોલીસ પકડમાં રહેલો દિનેશ કાલરીયા માણાવદર નગરપાલિકાનો પૂર્વ પ્રમુખ હોવાની સાથે તે માણાવદરમાં કપાસ અને કપાસિયાના વ્યવસાય સાથે જોડાયેલું હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. દિનેશ કાલરીયા પોલીસ ફરિયાદમાં એવો ઉલ્લેખ કર્યો હતો કે તેમને માણાવદર આઈટીઆઈ અને ગૌશાળાની વચ્ચે જાંબુડા ગામના રસ્તા પર બે બાઈક સવાર યુવાન અને અન્ય એક યુવાને તેને લૂંટી લીધો છે તે મુજબની ફરિયાદ દાખલ કરી હતી. ત્યારબાદ પોલીસ તપાસમાં સમગ્ર મામલો ખોટો હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે પુરાવાને આધારે કરી તપાસ
9 લાખ 30 હજાર રૂપિયા જેટલી લુંટની ફરિયાદ નોંધાતા જૂનાગઢ પોલીસ પણ ખૂબ જ હરકતમાં આવી ગઈ હતી અને ફરિયાદી દિનેશ કાલરીયાએ જે ફરિયાદ નોંધાવી છે તે મુજબના માર્ગ પર સીસીટીવી એફએસએલ અને ડોગ સ્કોડ ની ટીમ દ્વારા તપાસ શરૂ કરાવી હતી પરંતુ ફરિયાદીએ જે ઘટના માર્ગ અને વ્યક્તિઓનો ઉલ્લેખ કર્યો છે તે એક પણ વ્યક્તિ ઘટના ઘટી તે 13 તારીખના દિવસે કોઈ પણ સીસીટીવી કે અન્ય કોઈ તપાસમાં સામે આવ્યા નહીં જેને કારણે પોલીસે ફરિયાદી દિનેશ કાલરીયા ની ઉલટ તપાસ કરતા સમગ્ર મામલો ખોટો હોવાનુ સામે આવ્યું છે. હાલ જૂનાગઢ પોલીસે પહેલા ફરિયાદી અને હાલ આરોપી બનેલા દિનેશ કાલરીયા વિરુદ્ધ પોલીસને ગેરમાર્ગે દોરવાની સાથે લુટની ખોટી ફરિયાદ નોંધાવાના ગુનામાં અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.