ગીર સોમનાથ : ગઈ કાલે કોંગ્રેસે ગુજરાતની ત્રણ લોકસભા બેઠકના ઉમેદવારોની જાહેરાત કરી છે. જેમાં જૂનાગઢ લોકસભા બેઠક પરથી કોંગ્રેસે હીરાભાઈ જોટવાને ઉમેદવાર બનાવ્યા છે. કોંગ્રેસ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આજે વહેલી સવારે હીરાભાઈ જોટવાની સાથે કોંગ્રેસના કાર્યકરો સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે પહોંચ્યા હતાં.
સોમનાથ મહાદેવના લીધાં આશીર્વાદ : અહીંથી હીરાભાઈ જોટવાએ સોમનાથદાદાના દર્શન કરીને વિધિવત રીતે આવનારી લોકસભાની સામાન્ય ચૂંટણીના પ્રચારની શરૂઆત કરી હતી. સોમનાથ આસપાસ નાના છૂટક વેપારીઓ અને અહી રહેતા લોકોને મળીને તેમની મુશ્કેલીઓ જાણીને તેમને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવાર બનાવ્યાં છે ત્યારે તેમના તરફેણમાં મતદાન કરવાની અપીલ સાથે હીરાભાઈ જોટવાએ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે.
ચૂંટણી પ્રચારમાં એકમાત્ર માનવતાવાદ : સોમનાથ મહાદેવના દર્શન કરીને કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાએ ચૂંટણી પ્રચારનો વિધિવત પ્રારંભ કર્યો છે ત્યારે જાહેર માધ્યમો સાથેની વાતચીતમાં હીરાભાઈ જોટવાએ જણાવ્યું હતું કે તેઓ પાર્ટી અને જૂનાગઢ લોકસભા બેઠકના મતદારોનો ખૂબ જ અંતઃકરણ પૂર્વક આભાર માને છે ઘણા વર્ષો પછી માનવતાવાદને તક મળે તે માટે ઉમેદવારની પસંદગી કરી છે. જેથી તેઓ પાર્ટીના હાઇકમાન્ડના પણ ખૂબ જ આભારી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ પોતે માનવતાવાદમાં માને છે કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મમાં સમાનતાના ધોરણે વિશ્વાસ ધરાવતા હીરાભાઈ આગામી લોકસભાની ચૂંટણી માનવતા વાદના ધોરણે લડવાની ઈચ્છા સોમનાથના ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે માધ્યમમો સમક્ષ વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે જૂનાગઢ લોકસભાના મતદારો પર તેમને સંપૂર્ણ ભરોસો છે. માત્ર વાતો નહીં પરંતુ વાસ્તવિકતાની સાથે ચૂંટણી જંગમાં તેઓ ચાલી નીકળ્યા છે. ત્યારે જૂનાગઢ લોકસભાના મતદારોના આશીર્વાદ થકી સાંસદ બનાવશે તેવો ભરોસો પણ હીરાભાઈ જોટવાએ વ્યક્ત કર્યો છે.