જૂનાગઢ: વૃદ્ધાશ્રમ આ શબ્દ સાંભળતા જ આપણે કોઈ મહિલા કે પુરુષ માટેની કોઈ વ્યવસ્થા છે તેવું ચિત્ર માનસપટ પર ઉભું થાય. જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં એક અનોખો વૃદ્ધાશ્રમ શરૂ થયો છે. જેમાં કોઈ વ્યક્તિ નહીં પરંતુ કોઈ પણ વ્યક્તિઓ દ્વારા તરછોડવામાં આવેલા બિમાર, અશક્ત અને નાદુરસ્ત બળદોને વિનામૂલ્ય રાખવામાં આવે છે. એક વર્ષ પૂર્વે માત્ર એક બળદથી શરૂ થયેલો આ બળદો માટેનો ખાસ વૃદ્ધાશ્રમ આજે 250 જેટલા બળદોની સંખ્યાએ પહોંચ્યો છે. ખાસ વાત એ છે કે તમામ ખર્ચ દાતાઓ અને સમાજસેવી યુવાનો દ્વારા ઉઠાવીને બળદોને જીવનના અંતિમ સમયમાં આશરો આપવાનું કામ કરી રહ્યા છે.
કેશોદમાં બળદો માટેનો વૃદ્ધાશ્રમ
આજથી એક વર્ષ પૂર્વે રોડ પર રખડતા બળદોની ચિંતા કરીને કેશોદના સમાજસેવી યુવાનો દ્વારા બળદ આશ્રમ શરૂ કરવામાં આવ્યો. એક બળદથી શરૂ થયેલો આ વૃદ્ધાશ્રમ આજે 250 કરતાં પણ વધુ બળદોની સંખ્યા પર પહોંચી ગયું છે જાહેર માર્ગ અને અન્ય જગ્યા પર તરછોડાયેલા બીમાર અસક્ત અને વૃદ્ધ બળદોને આ વૃદ્ધાશ્રમમાં આશરો આપીને તેને જીવનના અંતિમ સમય સુધી સાચવવાનું કામ કેશોદના સેવાભાવી યુવાનો કરી રહ્યા છે
રખડતા બળદ માટે ચિંતા
જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં માંગરોળ રોડ પર બળદોનો વૃદ્ધાશ્રમ ચાલી રહ્યો છે. કેશોદના સેવાભાવી યુવાનોને આજથી એક વર્ષ પૂર્વે રોડ પર રખડતા અશક્ત અને બીમાર બળદોની દયનીય હાલત જોઈને વિચાર આવ્યો રોડ પર રખડતી નિરાધાર ગાયો માટે આજે અનેક ગૌશાળાઓ કામ કરી રહી છે. ગૌશાળામાં રહેલી ગાયો ગૌશાળા સંચાલકોને ઉપયોગી પણ બની રહી છે. પરંતુ બળદ બીમાર, અશક્ત અને જીવનના અંતિમ સમયમાં ખેતી કામમાં પણ ઉપયોગ આવતા નથી. જેને કારણે લોકો આવા નિર્દોષ પ્રાણીને તેના જીવનના અંતિમ સમયમાં તરછોડી દેતા હોય છે. આવા 250 બળદોની ચિંતા કેશોદના યુવાનો કરી રહ્યા છે.
રોજનો 20થી 25 હજારનો ખર્ચ
આ બળદોની સારસંભળાળ પાછળ રોજનો અંદાજિત 20 થી 25 હજારનો ખર્ચ થાય છે. આ તમામ ખર્ચ દાતાઓ દ્વારા ઉઠાવવામાં આવે છે. વધુમાં આસપાસના ગામોના ખેડૂતો દ્વારા પણ બળદોના નિભાવ માટે લીલો ચારો સેવાના ભાગરૂપે મળતો રહે છે. જેને કારણે આ બળદ આશ્રમનો નિભાવ સરળ બની રહ્યો છે. અહીં ચારથી પાંચ જેટલા યુવાનો પણ કામ કરી રહ્યા છે તે પણ એકમાત્ર સેવાના ધ્યેય સાથે અહીં કામ કરે છે. બળદ આશ્રમમાં એક પણ રૂપિયાની કમાણી થતી નથી, તેની સામે પ્રતિ દિવસ 20 થી 25 હજારનો ખર્ચ થાય છે. તેમ છતાં આ બળદ આશ્રમ આજે કોઈ પણ મુશ્કેલી વગર ચાલી રહ્યો છે.
તરછોડાયેલા બળદ પાછળ ખેડૂતો જવાબદાર
તરછોડાયેલા બળદોના કિસ્સામાં મોટેભાગે ખેડૂતો જવાબદાર હોવાનું પણ સામે આવી રહ્યું છે. આધુનિક ખેતી પદ્ધતિ થઈ રહી છે. તેમાં યાંત્રિક સાધનો દિવસે દિવસે વધી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતો પાસે રહેલા બળદો તરછોડવામાં આવી રહ્યા છે, તો કેટલાક બળદોને માત્ર નિભાવ ખર્ચ માટે ખેતરમાં રાખવા પડે તેની સામે ખેડૂતો આવા બળદોને તરછોડી રહ્યા છે. જે જાહેર માર્ગો પર રખડતું ભટકતું જીવન ગુજારે છે. આવા બળદોની ચિંતા હવે કેશોદમાં થઈ રહી છે, જેને કારણે રખડતા ભટકતા બળદોને એક નવું આશ્રયસ્થાન બળદ આશ્રમના રૂપમાં માંગરોળ રોડ પર મળી ગયું છે.
આ પણ વાંચો: