જૂનાગઢ: જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે જિલ્લા પંચાયતના પ્રમુખના બંગલામાં પંચાયત માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા જે કામ કરવામાં આવ્યું છે. તેના ઉપર સવાલો ઊભા કર્યા છે. જિલ્લા પંચાયતના પ્રમુખના સરકારી બંગલામાં 8 લાખ કરતા વધારે રુપિયાનું રિનોવેશન કામ થયું છે.
પરંતુ બંગલો આજે પણ ખંડેર હાલતમાં જોવા મળે છે. જેને લઈને ખુદ શાસક ભાજપ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુકેશ કણસાગરાએ સવાલો ઊભા કરીને જૂનાગઢ પંચાયતના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે.
ઉપપ્રમુખે લગાવ્યા ગંભીર આરોપ: જૂનાગઢ જિલ્લા પંચાયતના રાજકારણમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુકેશ કણસાગરાએ જિલ્લા પંચાયત હસ્તકના માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર અને તેમના વિભાગ દ્વારા જે રીતે ભ્રષ્ટાચારનું કામ કરવામાં આવી રહ્યું છે. તેને ઉજાગર કરીને એક્ઝિક્યુટિવ એન્જિનિયર વિરુદ્ધ મોરચો ખોલતા જૂનાગઢ જિલ્લા પંચાયતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. પાછલા કેટલાક મહિનાથી જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુંમરના બિલખા રોડ ઉપર આવેલા પંચવટી સરકારી બંગલોમાં અંદાજિત 8 લાખ 95 હજાર વધારે રકમનું સમારકામ કરવામાં આવ્યું છે. જેનું બિલ પણ ચૂકવી દેવામાં આવ્યું છે.
ખર્ચ કર્યો હોવા છતાં બંગલો ખંડેર હાલતમાં: રુ. 8 લાખથી વધારે રકમનો ખર્ચ કર્યો હોવા છતાં આજે બંગલો ખંડેર હાલતમાં જોવા મળી રહ્યો છે. જેના કારણે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુકેશ કણસાગરાએ એ જ એક્ઝિક્યુટિવ એન્જિનિયર અભિષેક ગોહિલ સામે ખૂબ જ ગંભીર આક્ષેપો કરીને જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર અભિષેક ગોહિલને સરકારમાં પરત મોકલવાની માંગણી કરી છે.
જિલ્લા પંચાયતના પ્રમુખે વાતનો કર્યો સ્વીકાર: સમગ્ર મામલાને લઈને ETV BHARAT એ જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુંમરનો ટેલીફોનિક સંપર્ક કર્યો હતો. હરેશ ઠુંમરે ETV BHARAT સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, જે રીતે પંચાયતના ઉપપ્રમુખ દ્વારા તેમના સરકારી બંગલામાં રિનોવેશન કરવાને લઈને સવાલો ઊભા કર્યા છે. તેમાં તથ્યતા સામે આવી છે. જેટલી રકમનો ખર્ચ બંગલાના રિનોવેશન માટે કરવામાં આવ્યો છે તે મુજબનું કામ થયું નથી અને બંગલો આજે પણ ખંડેર હાલતમાં જોવા મળે છે.
એક્ઝિક્યુટિવ એન્જિનિયર રજા પર: જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુકેશ કણસાગરાએ એક્ઝિક્યુટિવ એન્જિનિયર પર સવાલો ઊભા કર્યા છે. ત્યારે બીજી તરફ જૂનાગઢ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર અભિષેક ગોહિલનો ગઇકાલથી ETV BHARAT સંપર્ક કરી રહ્યું છે. પરંતુ તેઓ ફોન ઉઠાવતા નથી. જેને લઈને સમગ્ર મામલામાં તેમનો કોઈ પ્રતિભાવ મળી શક્યો નથી. જિલ્લા પંચાયતમાં સ્થળ તપાસ કરતા એક્ઝિક્યુટિવ એન્જિનિયર આગામી અઠવાડિયા સુધી રજા પર હોવાની વિગતો પણ સામે આવી છે.
વિજાનંદ રાઠોડ પ્રમુખ તરીકે પૂર્ણકાલીન હતા: જૂનાગઢ જિલ્લા પંચાયતના જે તે સમયના પૂર્વ પ્રમુખ વિજાનંદ રાઠોડ જિલ્લા પંચાયત બંગલોમાં પૂર્ણ સમય માટે રહેતા પ્રમુખ હતા. તેમના ગયા બાદ જિલ્લા પંચાયત પ્રમુખનો બિલખા રોડ ઉપર આવેલો પંચવટી બંગલો દર વર્ષે પ્રમુખ થવાની સાથે જ તેમનું નેમ પ્લેટ બંગલાની બહાર લગાવવામાં આવે છે. પરંતુ વર્ષ 1990 બાદ મોટે ભાગે જિલ્લા પંચાયતના કોઈ પણ પ્રમુખ સરકારી બંગલોમાં પૂર્ણ સમય માટે રહેવા આવ્યા હોય તેવી ઘટના બની નથી. ત્યારે હવે આ વખતે નવા ચૂંટાયેલા પ્રમુખ હરેશ ઠુંમર માટે બંગલામાં રિનોવેશન કરાવવામાં આવ્યું હતું. હવે ખુદ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ મુકેશ કણસાગરા સવાલો ઊભા કરી રહ્યા છે.
આ પણ વાંચો: