જૂનાગઢ : આજે કેથોલિક ધર્મમાં ખૂબ જ મહત્વ ધરાવતો ગુડ ફ્રાઈડેનો તહેવાર છે. જૂનાગઢમાં આવેલા કેથોલિક ચર્ચમાં ગુડ ફ્રાઈડેની ઉજવણી કરવામાં આવી હતી. આજે દિવસ દરમિયાન ચર્ચમાં વિવિધ આયોજન પણ કરવામાં આવ્યા છે. ભગવાન ઈસુને જે રીતે યાતના આપીને ક્રોસ પર ચડાવવામાં આવ્યા હતા,તે પ્રસંગનું પણ આબેહૂબ નિરૂપણ કરીને ગુડ ફ્રાઈડેની ઉજવણી કરી હતી.
કેથોલિક ધર્મનો પર્વ ગુડ ફ્રાઇડે : સમગ્ર વિશ્વમાં વસતા કેથોલિક સંપ્રદાયના ચર્ચમાં આજે ગુડ ફ્રાઇડેનો તહેવાર ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. જૂનાગઢમાં આવેલા કેથોલિક ચર્ચમાં પણ વહેલી સવારથી ગુડ ફ્રાઇડેની ઉજવણી કરવાની શરૂઆત થઈ છે. આજે દિવસ દરમિયાન ચર્ચમાં અને કેથોલિક ધર્મના પરિવારોમાં પણ ભગવાન ઈસુ ખ્રિસ્તના આ પ્રસંગને લઈને પણ ખૂબ જ આસ્થાપૂર્વક ઉજવણી કરવામાં આવશે.
ગુડ ફ્રાઈડેનું મહત્વ : આજનો દિવસ કેથોલિક ધર્મના પ્રત્યેક વ્યક્તિ માટે ધર્મની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. જેરુસલેમમાં આજના દિવસે શાસકો દ્વારા ભગવાન ઈસુ ખ્રિસ્તને અનેક યાતનાઓ આપીને ક્રોસ પર ચડાવવામાં આવ્યા હતા. તે પ્રસંગને કેથોલિક ધર્મના લોકો સમગ્ર વિશ્વમાં ગુડ ફ્રાઇડેના તહેવાર તરીકે યાદ કરે છે.
ધાર્મિક ઈતિહાસ : ભગવાન ઈસુ ખ્રિસ્તને જેરુસલેમના કાલવારી પર્વત પર આજના દિવસે ખૂબ જ યાતનાઓ આપવામાં આવી હતી. જે પ્રસંગનું આબેહૂબ નિરૂપણ આજે જૂનાગઢના કેથોલિક ચર્ચમાં કરવામાં આવ્યું હતું. જેરુસલેમના શાસકો દ્વારા ભગવાને ઈસુ ખ્રિસ્તને કાલવારી પર્વત પર 10 જગ્યાએ ખૂબ જ યાતનાઓ આપવામાં આવી હતી. ત્યારબાદ તેમને લાકડાના ક્રોસ પર ખીલા મારીને જીવતા જડી દેવામાં આવ્યા હતા. જ્યાં સુધી ભગવાન ઈસુ ખ્રિસ્તનું મોત ન થાય ત્યાં સુધી તેમને ક્રોસ પર જડેલા રાખવામાં આવ્યા હતા.
ભગવાન ઈસુનો સ્વર્ગવાસ : કેથોલિક ધર્મ અનુસાર આજના દિવસે બપોરે ત્રણ વાગ્યે ભગવાન ઈસુ ખ્રિસ્તનું લાકડાના ક્રોસ પર મોત થતા તેને નીચે ઉતારી કબ્રસ્તાનમાં દફન કરવામાં આવ્યા હતા. જે જગ્યા પર ભગવાન ઈસુ ખ્રિસ્તનો લાકડાનો ક્રોસ જડવામાં આવ્યો હતો, તે જગ્યા ફાટી ગઈ હતી. જે આજે પણ જેરુસલેમમાં જોવા મળે છે. ભગવાન ઈસુ ખ્રિસ્તને જે કાંટાનો મુગટ પહેરાવવામાં આવ્યો હતો, તે મુગટ આજે પણ જેરુસલેમમાં સચવાયેલો જોવા મળે છે.