ખેડા : મહુધા તાલુકાના મિરઝાપુરના ઝાલાપુરા ગામને બારોબાર વેચી દેવામાં આવ્યું છે. જેનો દસ્તાવેજ પણ બની ગયો છે. સરકારી મિલકત અને સમગ્ર સર્વે નંબર સાથે આખા ગામનો વેચાણ દસ્તાવેજ કરી વેચાણ કરવાનો કિસ્સો બહાર આવ્યો છે.
આખેઆખું ગામ વેચાઈ ગયું : મહુધા તાલુકાના મિર્ઝાપુર તાબે આવેલ ઝાલાપુરાના સર્વે નંબર 162 માં સરકારી પ્રાથમિક શાળા, 4 મંદિર, 22 આવાસો સહિત 48 થી વધુ મકાનો આવેલા છે. જે બારોબાર વેચી મારવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.
400 ગ્રામજનોનું શું ? આ જગ્યામાં છેલ્લા 1975 થી પરિવારો પોતાના મકાનોમાં રહે છે. ગામમાં 400 થી વધુ વસ્તી આવેલ છે. 1997 માં આ જમીનમાં પ્રાથમિક શાળા પણ બનાવવામાં આવી હતી. સર્વે 162 માં 22 સરકારી આવાસો સહિત 48 મકાન, પ્રાથમિક શાળા, 4 મંદિર, 4 સીસી રસ્તા અને ત્રણ જેટલા પાણીના બોર પણ છે.
ગ્રામજનોનો આક્ષેપ : ગ્રામજનોના જણાવ્યા મુજબ 50 વર્ષ પહેલા પાંચ રૂપિયાના સ્ટેમ્પ ઉપર ગ્રામજનોના વડીલોએ જમીન વેચાણ રાખી હતી. જેનો કબજો, ભોગવટો અને માલિકી હક પણ ગ્રામજનોનો છે .ત્યારે ડાકોર મહુધા રોડ પર કરોડો રૂપિયાની જમીનનો અધિકારીઓની મિલીભગતથી ભૂમાફિયાઓએ બારોબાર ખેલ પાડી દીધો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.
કોર્ટમાં દાવો પેન્ડિંગ : જુના માલિકના વારસદારોએ પેઢીનામું કરી ખોટો દસ્તાવેજ બનાવી બારોબાર જમીનનું વેચાણ કર્યું હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. ખેતીલાયક જમીન બતાવી ખોટા પુરાવા રજૂ કરી દસ્તાવેજ બનાવાયો છે. જેની વેચાણ દસ્તાવેજ બાદ પાકી નોંધ પણ પડી ગઈ છે. ગ્રામજનોએ મહુધા કોર્ટમાં 2023માં દાવો પણ કર્યો હતો, જે પેન્ડિંગ છે.
આમરણાંત ઉપવાસની ચીમકી ઉચ્ચારી : આ બાબતે મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ ગ્રામજનોએ મહુધા મામલતદાર તેમજ ખેડા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. સાથે જ વહેલી તકે કોઈ યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આમરણાંત ઉપવાસ પર બેસવાનું નક્કી કર્યું હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.
જિલ્લા તંત્ર સમક્ષ રજૂઆત : આ બાબતે ગામના પૂર્વ સરપંચ રઈજીભાઈએ જણાવ્યું કે, આ જમીન અમારા વડીલોએ રાખેલી, તે કાયદેસર રીતે અમારા વડીલોના નામે થઈ ગયેલી. અમારો કબજો છે 7/12, 8 અ છે. આ જમીનમાં 45 જેટલા મકાન, ચાર મંદિર, પ્રાથમિક શાળા અને રસ્તાઓ છે. તેમ છતાં આ લોકોએ અધિકારીઓ સાથે મિલીભગતથી ષડયંત્ર રચ્યું છે. જે દસ્તાવેજ કરેલ છે તે તદ્દન ખોટો છે. જે પુરાવા સાથે અમે મામલતદાર અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે.
તાલુકા મામલતદારનો જવાબ : આ બાબતે મહુધા મામલતદાર પ્રતિક ભુરિયાએ જણાવ્યુ હતું કે, ઝાલાપુરા ગામના લોકોએ આ વિશે મને આવેદનપત્ર આપ્યુ છે. જે સ્વીકાર્યું છે અને ઉપર એની જાણ કરી છે. જે પ્રમાણે ઉપરથી સૂચન આવશે, તે પ્રમાણે તપાસ થશે.