સુરત: જિલ્લામાં બે દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાં પણ સતત વરસાદ વરસતા જિલ્લાની નદીઓની જળ સપાટી વધી રહી છે. ત્યારે બારડોલીમાંથી પસાર થતી મીંઢોળા નદીમાં પણ પાણી વધતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યું હતું. આ ઉપરાંત પૂર્ણા નદીની સપાટી વધવાની શક્યતાને લઈ તંત્ર દ્વારા મહુવાના નીચાણવાળા વિસ્તારના લોકોને સુરક્ષિત જગ્યાએ ખસી જવા સૂચના આપવામાં આવી છે.
સુરત તાપી જિલ્લામાં બે દિવસથી વરસાદ: સુરત અને તાપી જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. સુરત જિલ્લાના બારડોલી, મહુવા અને પલસાણા તાલુકા પણ વરસાદમાં તરબોળ થઈ ગયા છે. બારડોલીમાં ગત સાંજે 6થી રવિવારે સાંજે 4 વાગ્યા સુધી બે ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે મહુવામાં બે ઇંચ અને પલસાણામાં પોણા ચાર ઇંચ વરસાદ પડ્યો છે.
ઉપરવાસમાં વરસાદથી નદીઓ જળસપાટી વધી: ઉપરવાસમાં એટલે કે તાપી અને ડાંગ જિલ્લામાં પણ સતત વરસાદ થઈ રહ્યો હોય તેની અસર જિલ્લાની નદીઓ પર જોવા મળી રહી છે. તાપીના સોનગઢ અને અજુબાજુના વિસ્તારમાં થયેલા વરસાદને કારણે મીંઢોળા નદીનું જળસ્તર વધી ગયું છે. જેને કારણે બારડોલીથી ત્રણ વલ્લા જતા માર્ગનો લો લેવલ બ્રિજ બંધ કરી દેવો પડ્યો છે. એટલું જ નહીં મીંઢોળા નદીના કિનારે આવેલા કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસી જતા લોકો સ્વયંભૂ સ્થળાંતર કર્યું છે.
સુરક્ષિત જગ્યાએ ખસી જવા સૂચના: પૂર્ણા નદીની જળ સપાટીમાં પણ વધારો થઈ રહ્યો છે. ડાંગ જિલ્લામાં પડી રહેલા વરસાદને કારણે પૂર્ણા નદીમાં પાણીનો આવરો સતત ચાલુ છે. આથી વહીવટી તંત્ર દ્વારા નદી કિનારાના નીચાણવાળા વિસ્તાર આ રહેતા લોકોને તેમના કિંમતી સામાન સાથે ઊંચાઈ વાળી સુરક્ષિત જગ્યાએ ખસી જવા સૂચના આપવામાં આવી છે. આ માટે તંત્ર દ્વારા વિસ્તારમાં જીપ ફેરવી માઈકથી સૂચના આપી છે.