અમદાવાદ : "સરકારી નોકરી" દરેક ભારતીય યુવાનોની જેમ ગુજરાતી યુવાનનું પણ લાઈફ ડ્રીમ હોય છે. ગુજરાતમાં સરકારી નોકરી ઈચ્છુક યુવાનો મહેનત કરે છે, ઘર છોડી સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી કરે છે. પરંતુ પરીક્ષાના આગલા દિવસે અથવા પરીક્ષા બાદ પેપર લીક થયાનું સામે આવતા પરીક્ષા રદ્દ થાય છે. આ સાથે એક યુવાન સહિત તેના પરિવારના સપનાને પૂર્ણ થવામાં અનિશ્ચિત સમયનું ગાબડુ પડે છે.
ઉજળા ભવિષ્યની આશા : ગુજરાતમાં લાખો યુવાનો પોતાનું વતન છોડી સરકારી નોકરી મેળવવાની આશા સાથે તૈયારી કરવા અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, વલ્લભ વિદ્યાનગરમાં સ્થળાંતર કરે છે. કોંક્રીટના જંગલ સમા મહાનગરોમાં પીજીમાં રહેવા-જમવાના અને કોચિંગ ક્લાસમાં લાખો રૂપિયાના ભરે છે. કેટલાક તો સરકારી નોકરી મેળવવા પોતાની જમીન-મિલકત વેચીને શહેરમાં આવી તૈયારી કરતા હોવાના દાખલા સામે આવ્યા છે. ગુજરાતમાં સલામત અને સારા વેતન સાથે સ્વમાન અપાવતી સરકારી નોકરી લગ્ન કરવા માટે મહત્વની સાબિત થાય છે.
અંધકારમય વર્તમાન : એટલે માતા-પિતા લાખો રૂપિયાનું દેવું કરીને પણ પોતાના સંતાનોને પરંપરાગત શિક્ષણની સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવે છે. કમનસીબે ગ્લોબલ ગુજરાત કે વાઈબ્રન્ટ ગુજરાત ગણાતા ગુજરાતમાં છેલ્લા એક દસકામાં 15 થી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લીક થતા લાખો યુવાનો નિરાશ થયા છે. અંતે સરકારે ગુજરાત સ્ટેટ લો-કમિશનનો રિપોર્ટ બહાર આવતા પેપર લીકના મામલે કડક પગલાં ભરવા કાયદો પસાર કર્યો છે.
ગુજરાતમાં પેપર લીકની પરંપરા : ગુજરાત ભલે વેપારી રાજ્ય તરીકે વિશ્વમાં પ્રસિદ્ધિ ધરાવે છે. પણ આજના મોંઘવારી અને શૈક્ષણિક બેકારીના જમાનામાં સંતાનોને સરકારી નોકરી અપાવવા માતા-પિતા પોતાની મિલકત પણ વેચી દે છે. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે કર્મચારીઓની ભરતી માટે લેવાતી વિવિધ પરીક્ષામાં પેપર લીક થવાની ઘટના હવે જાણે એક પરંપરા બની ગઈ છે, જે નીચે દર્શાવેલા આંકડા સાબિત કરે છે. જુઓ ગુજરાતમાં છેલ્લા એક દાયકામાં મોટી પેપર લીકની ઘટનાઓ
વર્ષ | સ્પર્ધાત્મક પરીક્ષા |
2014 | GPSC - ચીફ ઓફિસર |
2015 | તલાટી ભરતી પરીક્ષા (GPSSB) |
2016 | જિલ્લા પંચાયત અને તલાટી, મુખ્ય સેવિકા પેપર |
2018 | ટાટ-શિક્ષક ભરતી |
2018 | વન રક્ષક ભરતી, મુખ્ય સેવિકા ભરતી |
2018 | LRD - લોકરક્ષક દળ, નાયબ ચિટનીસ |
2019 | બિન સચિવાલય ક્લાર્ક |
2021 | હેડ કલાર્ક, DGVCL વિદ્યુત સહાયક |
2022 | વન સંરક્ષક પેપર |
2023 | જૂનિયર ક્લાર્ક પેપર લીક |
પેપર લીકના કારમા પરિણામ : લોકસભા ચૂંટણીના વર્ષ 2014 માં ગુજરાત પેપર લીકની મોટી ઘટના પ્રકાશમાં આવી હતી. વર્ષ 2014 માં GPSC (GUJARAT PUBLIC SERVICE COMMISSION) દ્વારા આયોજિત ચીફ ઓફિસરનું પેપર ફૂટતા સમગ્ર દેશમાં તેનો પડઘો પડ્યો હતો. ત્યારબાદ મોટી પેપર લીકની ઘટના તલાટી ભરતી પરીક્ષામાં બની, જેમાં વર્ષ 2015 અને 2016 એમ સળંગ બે વર્ષ તલાટીનું પેપર ફૂટ્યું હતું. જેના કારણે ગુજરાતના ગ્રામીણ યુવાનોમાં રોષ ફાટી નીકળ્યો, તેનો પડઘો વર્ષ 2017 વિધાનસભા ચૂંટણીના પરિણામો પર પડ્યો હતો. કોંગ્રેસ પક્ષે સરકારી પરીક્ષામાં પેપર લીકનો મુદ્દો ચગાવ્યો, જેના કારણે ભાજપ 99 બેઠક સુધી સમેટાયું હતું. વર્ષ 2018 માં ગુજરાતમાં ટાટ-શિક્ષકોની ભરતી પરીક્ષામાં પેપર લીક થતા રાજ્ય સરકારની ખૂબ ટીકા થઈ હતી.
પેપર લીકની પરંપરા : વર્ષ 2018 માં જ મુખ્ય સેવિકાની ભરતી પરીક્ષા અને નાયબ ચિટનીસની ભરતી પરીક્ષાના પેપર લીક બાદ રાજ્યમાં જાણે સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લીક થવા એ પરંપરા બની છે એવા વિપક્ષના આક્ષેપનો સરકાર પાસે કોઈ પ્રત્યુત્તર નહતો. બિન-સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા તત્કાલીન મુખ્યપ્રધાન વિજય રૂપાણી સામે મોટો વિરોધ થયો હતો. જેની નોંધ પક્ષની અંદર પણ લેવાઈ હતી. 2021 માં હેડ કલાર્ક, 2021 માં DGVCL વિદ્યુત સહાયક સહિત અનેક સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લીક થયા બાદ રદ્દ થયેલી પરીક્ષા ફરીથી લેવાઈ હતી. એક અંદાજ પ્રમાણે વિવિધ પરીક્ષાના પેપર લીક થવાથી છેલ્લા એક દશકામાં રાજ્યના એક કરોડ યુવાનોને ફરીથી પરીક્ષા આપવી પડી અને આર્થિક, સામાજિક અને માનસિક તાણનો ભોગ બન્યા છે.
પેપર ફૂટ્યા-સપના તૂટ્યા : હાલ રાજ્યમાં પરીક્ષા રદ્દ કરવા મામલે રાજકોટ PGVCL કચેરી ખાતે અનેક વિદ્યુત સહાયક ઉમેદવારો છેલ્લા સાત દિવસથી ધરણા-પ્રદર્શન કરી રહ્યા છે. એક તરફ મોદી સરકાર યુવાનોને રોજી માંગનાર તરીકે નહીં, પણ રોજી નિર્માતા તરીકે વૈશ્વિક સ્તરે આલેખે છે. ત્યારે સરકારી વિભાગમાં નિમણૂક માટે લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર અને તેની વિશ્વનીયતા રાજ્ય સરકાર માટે મોટો પડકાર બનતો જાય છે. સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લીક થવાથી યુવાનોમાં હતાશા વધે છે, એ સમાજ માટે પણ એર્લામ છે.
સ્ટેટ લો કમિશનનો રિપોર્ટ અને કાયદો : ગુજરાતમાં છેલ્લા એક દાયકાથી એકાદ સ્પદ્યાત્મક પરીક્ષાને બાદ કરતા મોટાભાગની પરીક્ષાના પેપર લીક થતા રહ્યા છે. જેના કારણે મહેનતુ અને સમાજમાં કંઈક કરનાર યુવાન નિરાશ થયા છે. વારંવાર પેપર લીક થવાના કારણે વર્ષ 2022 માં ગુજરાત સ્ટેટ લો કમિશને એક રિપોર્ટ તૈયાર કર્યો હતો. ગુજરાત સ્ટેટ લૉ કમિશનના રિપોર્ટની વિગતો પ્રકાશિત થતા ગુજરાત સરકારની પરીક્ષા લેવાની પદ્ધતિ અને પેપર સલામતી વ્યવસ્થા અંગે અનેક પ્રશ્નો ઉભા થયા હતા. એમ.બી. શાહના વડપણ હેઠળ તૈયાર થયેલ ગુજરાત સ્ટેટ લો-કમિશનના રિપોર્ટમાં પેપર લીક અંગે વિશેષ કાયદો ઘડવા અને દોષિતોને દંડ અંગે સૂચન કર્યા હતા.
પેપર લીક કરનારની ખેર નથી : ગુજરાત સરકાર છેલ્લા એક દસકાથી પેપર લીકની ઘટનાઓથી વિવાદમાં રહી છે. રાજ્ય સરકારે પેપર લીક કરનાર ગુનેગારને કડક સજા ફટકારવા કાયદો ઘડ્યો છે. ગુજરાત સરકારે 6, માર્ચ 2023 ના રોજ ગુજરાત જાહેર પરીક્ષા બિલ રજુ કરીને તેના સુધારા સાથે પેપર લીકની બદીઓને નિયંત્રિત કરવા કડક કાયદો અમલી કર્યો છે. આ ગુજરાત જાહેર પરીક્ષા કાયદા મુજબ રાજ્યમાં પેપર લીકના સીધા ગુનેગારોને ત્રણથી 10 વર્ષની સજાની જોગવાઈ કરી છે. સાથે ગુનેગાર પાસેથી રુ. 1 લાખથી રુ. 1 કરોડ સુધીના દંડની જોગવાઈ નિર્ધારિત કરી છે. પેપર લીકના મામલામાં ગુનેગારને જામીન નથી મળતા. પરીક્ષા પહેલા પેપર ખરીદનાર પરીક્ષાર્થીને પણ બેથી દસ વર્ષની જેલની સજાની જોગવાઈ ગુજરાત સરકારના કાયદામાં છે.