સુરત: કડોદરા ખાતે આવેલ ઐશ્વર્યા મિલમાં આવકવેરા વિભાગે દરોડા પાડયા હતા. વહેલી સવારથી જ આવક વેરાની ટીમે ઐશ્વર્યા મિલ ઉપરાંત તેમની સાથે સંકળાયેલા ત્રણ ધંધાર્થીઓને ત્યાં પણ એક સાથે છાપો મારીને કાર્યવાહી શરૂ કરી હતી.આ દરોડાથી મિલ માલિકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.
મિલ માલિકોમાં ખળભળાટ: ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થતાં જ આવક વેરા વિભાગ સક્રિય થઈ ગયું છે. સુરત આવક વેરા વિભાગની ડિરેકટોરેટ ઓફ ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા ગુરુવારે સવારે ઐશ્વર્યા ડાઇંગ એન્ડ પ્રોસેસિંગ મિલમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આવક વેરા વિભાગના દરોડાથી અન્ય મિલ માલિકોમાં પણ ખળભળાટ મચી ગયો હતો.
અન્ય વ્યવસાયકારોને ત્યાં દરોડા: ઐશ્વર્યા મિલ એ રમેશચંદ્ર ડુમસીયાની માલિકીની મિલ છે. ઐશ્વર્યા મિલના તમામ વ્યવસાયો પર કાર્યવાહી ચાલી રહી છે. આ ગૃપ સાથે સંકળાયેલા કોલસાના વેપારી ઉપરાંત મોરબીના સિરામીક વેપારીને ત્યાં પણ આવકવેરા અધિકારીઓની ટીમ ત્યાં પહોંચી કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.
12 સ્થળો પર એક સાથે દરોડા: આવક વેરા વિભાગના 50 જેટલા કર્મચારીઓ દ્વારા 12 જેટલી જગ્યાઓ પર એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમ્યાન મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો મળવાની શકયતા છે. મોટાપાયે ઓપરેશન હાથ ધરવામાં આવતા સુરત શહેરના વેપારીઓ અને મિલ માલિકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો હતો.સુરત જિલ્લાના કડોદરા ખાતે આવેલી ઐશ્વર્યા મિલમાં આવક વેરા વિભાગના દરોડાથી વેપારીઓ અને મિલમાલિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ દરોડામાં મોટા પ્રમાણમાં બેહિસાબી વ્યવહારો સામે આવે તેવી શકયતા નકારી શકાય તેમ નથી.