નવસારી: જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા જનજીવન ખોરવાયું છે . નવસારીમાં છેલ્લા બે કલાકમાં પોણા ત્રણ ઇંચ થી વધુ વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાઈ ગયું હતું. જેને પરિણામે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. ખાસ કરીને પાણીમાં વાહનનો બંધ થવાની પરિસ્થિતિ જોવા મળી હતી. ભારે વરસાદથી શહેરના વિસ્તારો જેવા કે ચાર પુલ કુંભારવાડ, ગોલવાડ, ગ્રીડ, મંકોડિયા, જૂનાથાણા લુનસીકુઈ જેવા વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા. મોસમના આ વરસાદમાં જ શહેરમાં અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાતા પાલિકાની પ્રી મોનસુન કામગીરીની પોલ છતી થઈ છે.
પાલિકાએ ગંભીરતાથી સમસ્યાનો હલ લાવવો: કુંભારવાડ વિસ્તારના સ્થાનિક હેમંત મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, 'દર વર્ષે અમારા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે જ્યાં પાલિકા લાખોના ખર્ચે પ્રી મોનસુનની કામગીરી કરે છે, પરંતુ પાણીની સમસ્યાનું નિરાકરણ થતું નથી જેને પાલિકાએ ગંભીરતાથી લઈને પાણી ભરાવાની સમસ્યાનો હલ લાવવો જોઈએ.
ડાંગરના પાક માટે ખૂબ સારું: ઉપરાંત નવસારીમાં સતત ત્રીજો દિવસ છે અને સતત વરસાદ વરસી રહ્યો છે. જોકે ઠેર ઠેર રસ્તા વાંચે પાણી ભરી રહ્યી છે પણ જગતનો તાત એટલે કે ખેડૂતો ખૂબ ખુશ છે. કારણ કે, હાલ જે વરસાદ પડી રહ્યો છે તે ડાંગરના પાક માટે ખૂબ સારું છે આમ વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતો ડાંગરની ખેતીમાં જોતરાયા છે.
ખેડૂત સારો એવો પાક લઈ શકે: નવસારી જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પિનાકીન પટેલે જણાવ્યું હતું કે, 'આ વર્ષે વરસાદનું આગમન ઘણું મોડું થયું છે જેને કારણે ખેડૂત ચિંતામાં હતો. કારણ કે ડાંગરનું ધરૂવાર્યું પણ તૈયાર હતું અને વરસાદ ખેડૂતને હાથ તાળી આપતો હતો, અને હાલ જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તે ડાંગર પકડતા ખેડૂતો માટે ઘણો ફાયદાકારક છે તેથી આ વખતે ડાંગરનો પાક સારો એવો ખેડૂત લઈ શકશે.'