વલસાડ: જિલ્લામાં ગરીબોને ગુણવત્તાયુક્ત આરોગ્યલક્ષી સેવાનો લાભ મળે એ હેતુથી સરકાર દ્વારા આયુષ્યમાન ભારત કાર્ડ યોજના બનાવવામાં આવી હતી. જેમાં અનેક બીમારીની સારવાર નિઃશુલ્ક ઉપલબ્ધ છે. પરંતુ તેમ છતાં પણ જિલ્લાની 16 હોસ્પિટલ પૈકી એવી 6 હોસ્પિટલ છે. જેમના દ્વારા દર્દીઓ પાસે આયુષ્યમાન કાર્ડ હોવા છતાં પણ ચાર્જના નામે લાખો રૂપિયા લીધા હતા. દર્દીના સ્વજનો દ્વારા આપવામાં આવેલી 6 ફરિયાદ મળતાં તમામને પૈસા પરત હોસ્પિટલ પાસે અપાવવામાં આવ્યા છે.
16 ખાનગી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડથી સારવાર: વલસાડ જિલ્લામાં બહુધા આદિવાસી વિસ્તારના લોકોને આરોગ્યલક્ષી ગુણવત્તાયુક્ત સારવાર મળે તે માટે સરકાર દ્વારા આયુષ્યમાન ભારત યોજના 2018થી અમલમાં મૂકવામાં આવી છે. જેને અનુલક્ષીને વલસાડ અને વાપીની મળીને કુલ 16 જેટલી ખાનગી હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ કેસલેસ સારવાર ઉપલબ્ધ છે.
દર્દીઓ પાસે વધારાનો ચાર્જ વસૂલ: સરકાર દ્વારા જરૂરિયાતમંદ લોકોને આરોગ્યલક્ષી ગુણવત્તાયુક્ત સારવાર મળે તેવા ઉમદા હેતુ સાથે આયુષ્યમાન ભારત કાર્ડ યોજના અમલમાં મુકાય છે. પરંતુ વલસાડ જિલ્લામાં હજુ પણ એવી કેટલીક ખાનગી હોસ્પિટલ છે જે આયુષ્યમાન ભારત કાર્ડ લઈને આવનારા દર્દીઓને સારવાર તો આપે છે, પરંતુ તેમની પાસે વધારાના ચાર્જના નામે પણ રૂપિયા વસૂલ કરે છે. જેવા પણ અનેક કિસ્સાઓ અને ફરિયાદો CDHO સમક્ષ આવી છે.
2023-24 માં 6 ફરિયાદો આવી: CDHO ડોક્ટર કે. પી. પટેલે જણાવ્યું કે, વલસાડ જિલ્લામાં કુલ 16 હોસ્પિટલમાં આયુષ્યમાન ભારત કાર્ડ ઉપયોગમાં આવે છે. જેમાં તદ્દન નિઃશુલ્ક સારવાર આપવાની હોય છે. પરંતુ કેટલીક ખાનગી હોસ્પિટલના સંચાલકો સારવાર લેવા આવનારા લોકો પાસે આયુષ્યમાન ભારત કાર્ડ હોવા છતાં પણ તેમની પાસે વધારાનો ચાર્જના રૂપિયા વસૂલ કરી લેતા હોય છે. દર્દીઓ પાસેથી રુ. 2,65,884 વધારાનો ચાર્જ લેવાયો છે. આવી વર્ષ 2023-24 દરમિયાન કુલ 6 જેટલી ફરિયાદો અમારી પાસે આવી હતી.
ફરિયાદ બાદ તાત્કાલિક દંડ કરાયો: આરોગ્ય વિભાગના ચીફ હેલ્થ ઓફિસરને મળેલી 6 જેટલી ગંભીર ફરિયાદોને ધ્યાને લેતા તેમણે સ્ટીયરિંગ કમિટીનું ધ્યાન દોરી તાત્કાલિક તમામ હોસ્પિટલની મીટીંગ બોલાવી હતી અને જે હોસ્પિટલ સામે ફરિયાદ હતી, એ તમામની સામે અલગ અલગ દંડ ફટકારવામાં આવ્યો હતો. જેમાં કુલ રૂપિયા 2,65,884 જેટલો દંડ તેમની પાસે વસૂલી લેવામાં આવ્યો હતો.
નામો આપવાની આરોગ્ય અધિકારીએ કેમ ના પાડી?: ETV BHARAT દ્વારા જ્યારે વલસાડ જિલ્લા આરોગ્ય અધિકારી પાસે જે 6 હોસ્પિટલને નોટિસ આપવામાં આવી છે. તે હોસ્પિટલના નામ માંગવામાં આવ્યા ત્યારે આરોગ્ય અધિકારીએ આ 6 હોસ્પિટલના નામ આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. જેની પાછળનું કારણ તેમણે જણાવ્યું કે, જો આ નામ આપવામાં આવશે. તો તેમનું આરોગ્ય વિભાગ બદનામ થશે. તેવું જણાવ્યું હતું. આમ યેનકેન પ્રકારે આવી ખાનગી હોસ્પિટલના નામ જાહેર ન કરીને આરોગ્ય વિભાગ દ્વારા પડદો પાડી દેવામાં આવ્યો છે. લોકો સાથે ગંભીર ચેડા કરતી આવી હોસ્પિટલ્સની બદનામીની આરોગ્ય વિભાગને શું પડી હોવી જોઈએ?
જિલ્લામાં કેટલા આયુષ્માન ભારત કાર્ડ ઇશ્યૂ કરાયા: વલસાડ જિલ્લામાં કુલ 11,01,406 આયુષ્માન ભારત કાર્ડ ઇશ્યૂ કરવાનો લક્ષ્યાંકની સામે આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધીમાં જિલ્લામાં 80,09,70 જેટલા આયુષ્માન કાર્ડ લોકોને બનાવી આપવામાં આવ્યા છે જિલ્લામાં આયુષ્યમાન કાર્ડની 72% જેટલી કામગીરી પૂર્ણ થઈ છે.
શું છે આયુષ્યમાન ભારત કાર્ડ: આયુષ્યમાન ભારત યોજના ભારત સરકારની એક મહત્વાકાંક્ષી આરોગ્ય યોજના છે. જેનો પ્રારંભ 2018માં થયો હતું. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના ગરીબ અને નબળા વર્ગને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ મળે આ યોજના મુખ્યત્વે બે ભાગોમાં વહેંચાઈ છે:
- હેલ્થ અને વેલનેસ સેન્ટર્સ (HWC): આ યોજના હેઠળ સરકાર 1.5 લાખ હેલ્થ અને વેલનેસ સેન્ટર્સની સ્થાપના કરવાની છે. જે પ્રાથમિક આરોગ્ય સેવાઓ માટે સુવિધાઓ પૂરી પાડશે. તે જેમાં રોગની તપાસ, સારા પોષણ અને ફિઝીયોથેરાપી જેવી સેવાઓ સામેલ છે.
- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY): આ યોજના હેઠળ ગરીબ પરિવારોને દર વર્ષે રૂ. 5 લાખ સુધીનો આરોગ્ય ઇન્સ્યોરન્સ કવર મળે છે. આ યોજના ભારતના લગભગ 50 કરોડ નાગરિકોને કવર કરે છે. જે દેશના 10 કરોડથી વધુ કુટુંબોને મદદરૂપ બને છે.
કયા કયા રોગોની સારવાર મળી શકે છે?
આયુષ્માન ભારત યોજનામાં વિવિધ પ્રકારના ગંભીર અને ક્રોનિક રોગોનો સમાવેશ કરવામાં આવ્યો છે,
- હૃદય સંબંધિત રોગો: હાર્ટ એટેક, બાયપાસ સર્જરી, એન્જિઓપ્લાસ્ટી વગેરે જેવા હૃદયના રોગો.
- કેન્સર: કેન્સરના વિવિધ પ્રકારો, જેમ કે બ્રીસ્ટ કેન્સર, ઓરલ કેન્સર, સર્વાઈકલ કેન્સર વગેરેની સારવાર.
- મૂત્રપિંડ અને યકૃત રોગો: કિડની અને લિવર ટ્રાન્સપ્લાન્ટ, ડાયાલિસિસ, અને અન્ય સંકળાયેલા રોગો.
- મૂળ મજ્જા અને મગજના રોગો: મસ્તિષ્ક સર્જરી, ન્યુરલ ડીસોર્ડર, મગજની ગાંઠ અને સ્પાઈનલ સર્જરી.
- અસ્થિ અને જોડાના રોગો: હિપ રિપ્લેસમેન્ટ, ઘૂંટણની સર્જરી, ઓર્થોપેડિક સમસ્યાઓ.
- મહિલા અને બાળ સુખાકારી: ડિલિવરી, ન્યૂન વજન બાળકોની સારવાર, પ્રસૂતિ અને અનુસંધાન સબંધી રોગો.
- અન્ય: મલ્ટિપલ સ્ક્લેરોસિસ, ડાયાબિટીસના જટિલતાવાળા કેસ, એપેન્ડિસિટિસ, ઇન્ફેક્શન, બર્ન્સ વગેરે.
આ યોજનાથી નાગરિકોને ખાસ કરીને અત્યંત ગરીબીમાં જીવતા લોકોને મહત્ત્વનો લાભ થાય છે. આરોગ્ય પર થતા ખર્ચને ઘટાડીને આ યોજના ગરીબી હળવી બનાવવામાં મદદરૂપ થાય છે.
આ પણ વાંચો: