સુરત: જિલ્લામાં એક કરુણ અકસ્માતની ઘટના સામે આવી છે. પાલ-ઉમરા બ્રિજ પર 120ની સ્પીડે કાર ચલાવી 14 વર્ષના તરૂણે એક નિર્દોષ બાઇકસવારનો ભોગ લીધો છે, જ્યારે અન્ય બેની હાલત ગંભીર છે. પાલ પોલીસે તરૂણનાં નિવેદનો લીધાં છે. 'કાર કોણે શીખવી તેવું પૂછતાં તેણે જાતે શીખ્યો' હોવાનું રટણ કર્યું હતું. પોલીસે પૂછયું કે શીખવા માટે કાર ક્યાંથી લાવ્યો તેનો જવાબ આપી શક્યો ન હતો.
તરુણ કોઇને કહ્યા વિના કાર લઇને ગયો: જો કે, તરૂણના પિતા અથવા ભાઈએ જ તેને કાર શીખવી હોવાની પોલીસને આશંકા છે. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, તરૂણની માતા અને નાની બહેન રાત્રે સૂતા હતા. ત્યારે કોઈને પણ કહ્યા વગર કાર લઈને નીકળી ગયો હતો. સૌથી પહેલાં તે રાંદેર વિસ્તારની મસ્જિદ પાસે ગયો હતો. જ્યાંથી તેણે 3 મિત્રોને કારમાં બેસાડીને ચારેય મિત્રો વેસુ વિસ્તારમાં આંટો મારવા માટે નીકળ્યા હતા.
કારે બાઇક સવાર 2 યુવકોને ફંગોળ્યા: તરુણ તેના મિત્રો સાથે કારમાં પાલ- ઉમરા બ્રિજ પર પહોંચ્યા ત્યારે બ્રિજ ખાલી હોવાથી તે કારને 120ની સ્પીડ પર ચલાવવા ગયો અને એક રિક્ષાને ઓવરટેક કરવામાં કાર ડિવાઇડર કૂદાવીને સામેના ટ્રેક પર જતી રહી હતી. જેમાં બાઇક પર જઈ રહેલા 2 યુવકોને ઉડાવી દીધા હતા. જેમાં અડાજણ રહેતા ચિંતન માલવિયાનું મોત નિપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા ચિંતનભાઈના મિત્ર પાર્થ મહેતાને પણ ગંભીર ઈજાઓ થઈ હતી. જો કે, બ્રિજ પર રિક્ષા ખેરખર હતી કે કેમ તે જાણવા માટે પોલીસે સીસીટીવી કેમેરાની તપાસ શરૂ કરી છે.
14 વર્ષીય તરુણને પણ થઇ ઇજા: કારચાલક તરુણે રસ્તામાં પાલના એક પંપ પર પેટ્રોલ પુરાવ્યું હતું, જેના ફૂટેજ મળ્યા છે. તેના પિતા વિશાખાપટ્ટનમમાં ઈમ્પોર્ટ- એક્સપોર્ટનો વેપાર કરે છે. જ્યારે ભાઈ ઓનલાઇન શૂઝનો વેપાર કરે છે. જે દિલ્હી ગયો છે. બંને આવ્યા બાદ નિવેદનો લેવાશે. તરૂણની સાથે કારમાં બેઠેલા મિત્રની હાલત ગંભીર છે. તરુણને હાથ, કમર તેમજ પાંસળીમાં ઈજા છે અને રાંદેરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જો કે, અકસ્માત બાદ કાર છોડી ભાગી છૂટેલા 2 તરૂણો હજુ સુધી મળ્યા નથી. ઉલ્લેખનીય છે કે, અડાજણ આલિશાન એન્કલેવ ખાતે રહેતા 44 વર્ષીય ચિંતન માલવિયા અને તેમનો પાડોશી મિત્ર પાર્થ મહેતા બુધવારે મધરાતે બાઈક પર ગણેશ આગમન યાત્રા જોવા નીકળ્યા હતા.
આ પણ વાંચો: