પાટણ: પાટણ શહેરમાં મોદી સમાજની ત્રણ દિકરીઓએ પોતાના પિતાની પ્રથમ પૂણ્યતિથિ નિમિતે માતાના સહયોગથી સમાજની 200 જેટલી 9 થી 15 વર્ષની દીકરીઓને સર્વાઇકલ કેન્સરથી સુરક્ષિત કરવા માટે સર્વાઇકલ કેન્સર વિરોધી રસી આપવામાં આવી હતી.
આ અંગે તમામ સમાજોએ તેમની રીતે આગળ આવવું જોઈએ. સ્વ.બંસીલાલ મોદીની પુણ્યતિથિ નિમિત્તે પરિવાર દ્વારા સમાજના હિતલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગં.સ્વ.રમીલાબેન બંસીલાલ મોદીની પ્રેરણાથી દીકરીઓમાં ગર્ભાશયના મુખનું કેન્સર ન થાય તે માટે આજે સમાજની 200જેટલી દીકરીઓને સર્વાઈકલ કેન્સલની રસી આપવામાં આવી છે. જેમાં ત્રણ દિકરીઓ કિરણબેન પુલકીતભાઈ મોદી, વિરલબેન અલ્પેશભાઈ મોદી અને હેતલબેન કિશોરભાઈ મોદીએ રસ લઇને આ સમગ્ર આયોજન કરાવ્યું હતું.
વિરલબેન મોદીએ જણાવ્યું હતું કે, અમે અમારા સમાજની 200થી વધુ દીકરીઓને સર્વાઈકલ કેન્સલની રસી આપી છે. આ રીતે અમે અમારા પપ્પાને શ્રધાંજલિ આપીએ છીએ. આ રસીકરણ કેમ્પમાં અંદાજે 5 લાખનો ખર્ચ થશે .જો આમાંથી એક પણ દીકરી સર્વાઈકલ કેન્સલથી બચી જાય તો સાચા અર્થમાં શ્રધાંજલિ ગણાશે.
વધુમાં તેમણે જણાવ્યુ કે, હાલમાં ભારતદેશમાં સર્વાઈકલ કેન્સલનું પ્રમાણ વધ્યું છે. ત્યારે અમારા પિતાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આજે અમે સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવા માટે સર્વાઈકલ કેન્સલ વિરોધી રસી આપવાનો કાર્યક્રમ યોજ્યો છે. જેમાં સમાજની 200 જેટલી દીકરીઓને સર્વાઈકલ કેન્સલની રસી આપી સુરક્ષિત કરાઈ છે. અમારો ઉદેશ સમાજમાં આનો એવરનેસ લાવવાનો છે.
રસી લેનાર જિયા મોદીએ જણાવ્યું હતું કે, આજે મારા નાની, મારા મમ્મી, અને માસીએ સાથે મળી મારા નાનાની પુણ્યતિથિ નિમિતે અમારા સમાજની 200 જેટલી દીકરીઓને સર્વાઈકલ વેકસીનેસનની રસી આપવાનો કાર્યક્રમ ગોઠવ્યો છે. જેમાં મેં પણ સર્વાઈકલની રસી લીધી છે અને સમાજની અન્ય 200 જેટલી દીકરીઓને પણ રસી અપાઈ છે. આમ અમે અમારા નાનાને શ્રદ્ધાજલી આપી છે.
રસી લેનાર દીકરી કસીસીએ જણાવ્યું હતું કે, આજે મેં પણ રસી લઈ અમારા દાદાને શ્રદ્ધાંજલિ આપી છે.