કચ્છ: નવરાત્રિના સમયમાં ખેલૈયા યુવતીઓ ડિઝાઇનર આઉટફીટ પહેરવાનું વધારે પસંદ કરતી હોય છે. ત્યારે 20 વર્ષ જૂની કચ્છની પોતાની બ્રાન્ડ આંગન ઓફ કચ્છના કચ્છી કળા સાથેના ડિઝાઇનર ચણીયા ચોળી, મલ્ટી પેચવર્ક સ્કર્ટ, લોંગ કુર્તી, શોર્ટ કુર્તી, મીરર વર્ક બ્લાઉઝ, વિવિધ ટ્રેડિશનલ કુર્તી તેમજ મેન્સ કુર્તા અને જેકેટની વિવિધ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે અને વિદેશમાં પણ આ ડિઝાઇનર આઉટફિટની માંગ રહેતી હોય છે.
'આંગન ઓફ કચ્છ' દ્વારા કચ્છી કળામાં વિવિધ વેરાઈટીઝ: નવરાત્રિના નોરતાને માત્ર ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ગરબા રસિકોએ પણ વિવિધ રીતે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે ખેલૈયાઓને હાલમાં ચાલી રહેલા ટ્રેન્ડ મુજબ દરેક જનરેશનના લોકોને અવનવી વેરાઈટીઝ મળી રહે તે માટે કચ્છી બ્રાન્ડ 'આંગન ઓફ કચ્છ' દ્વારા વિવિધ વેરાઈટીઝમાં કચ્છી કળા સાથેના વસ્ત્રો ડિઝાઇન કરવામાં આવ્યા છે. જે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
'આંગન ઓફ કચ્છ' દ્વારા વૈશ્વિક સ્તરે પ્રસ્તુત: 'આંગન ઓફ કચ્છ' છેલ્લા 20 વર્ષથી મોટા પાયે કાર્યરત છે. 'આંગન ઓફ કચ્છ' બ્રાન્ડના ફાઉન્ડર નિકિતા નાવલેકરે જણાવ્યું હતું કે, 'આંગન ઓફ કચ્છ' એક એથનિક કલોથીંગ બ્રાન્ડ છે. જે કચ્છની કળાઓને વૈશ્વિક સ્તરે પ્રસ્તુત કરે છે. કચ્છ પોતાની કળાઓ માટે ખૂબ જ પ્રખ્યાત છે. નવરાત્રિ સમયે ભરતકામ, મીરર વર્ક કે કોઈ પણ કળાનું નામ આવે તો કચ્છનું નામ મોખરે હોય છે. નવરાત્રિ તો કચ્છની સીઝન જ કહેવાય. કચ્છી કળા દ્વારા તૈયાર કરવામાં આવેલ ચણીયા ચોળી, ભરતકામ અને મીરર વર્ક કરેલા બ્લાઉઝ વગેરે ટ્રેન્ડમાં રહેતા હોય છે.
લોકોને કમ્ફર્ટેબલ રહે તેવા કપડા પર કચ્છી વર્ક: 'આંગન ઓફ કચ્છ' એ કચ્છનો જ સ્ટોર છે. જ્યાં મટીરીયલ પણ કચ્છનું જ બને છે. જ્યાં તેના પર ભરતકામ પણ કચ્છમાં થાય છે. એક આઉટફીટનું તમામ વર્ક કચ્છમાં જ થાય છે. જે કચ્છથી બહાર વિશ્વભરમાં પહોંચે છે. 'આંગન ઓફ કચ્છ' માં કોટનના કપડા પર વિવિધ કળા કરવામાં આવે છે. જેથી આજના ગરમીભર્યા વાતાવરણમાં પણ લોકો કમ્ફર્ટેબલ અનુભવ કરે. લોકોને કમ્ફર્ટેબલ ફીલ થાય તેવા કોટનના કપડા પર વિવિધ કટ કરીને તેના પર કચ્છી એમ્બ્રોઇડરીનું વર્ક કરીને ટ્રેન્ડ મુજબ લોકોને કલેક્શન જોવા મળી રહ્યું છે.
450 જેટલા આર્ટિસ્ટ મેળવે છે રોજગારી: આજે 'આંગન ઓફ કચ્છ' સાથે કચ્છના ગામડાંની 400થી વધુ મહિલા કારીગરો કે જેઓ રબારી ભરતકામ, આહિર ભરતકામ, મુત્વા ભરતકામ, જત ભરતકામ કરતા હોય છે તેઓ સંકળાયેલા છે. તો ખત્રી સમુદાયના કારીગરો કે જેઓ ડાયિંગ અને બ્લોક પ્રિન્ટનું કામ કરી રહ્યા છે. તેવા પણ 30 જેટલા આર્ટિસ્ટ સંકળાયેલા છે. કુલ મળીને 450 જેટલા કચ્છના આર્ટિસ્ટ આંગન ઓફ કચ્છ સાથે જોડાયેલા છે અને તેઓ પણ ખૂબ સારી રીતે રોજગારી મેળવી રહ્યા છે.
ગુજરાતમાં 4 સ્થળોએ સ્ટોર: 'આંગન ઓફ કચ્છ' મુખ્યત્વે આ બ્રાન્ડ કચ્છી કળાઓને ઉજાગર કરે છે અને તેમાં વિવિધ કસ્ટમાઈઝેશન તેમજ વિવિધ પેચ વર્ક દ્વારા ડિઝાઇનર આઉટ ફીટ બનાવે છે. જેમાં અજરખ બ્લોક પ્રિન્ટના કાપડ તેમજ કોટનનાં કાપડ પર કચ્છી ભરતકામ, આહિર ભરતકામ, મીરર વર્ક, મુત્વા ભરતકામ વર્ક કરવામાં આવતું હોય છે. ગુજરાતમાં ભુજ, અમદાવાદ, સુરત અને બરોડા ખાતે તેમના સ્ટોર્સ છે અને આગામી સમયમાં તેઓ મહારાષ્ટ્ર, પુને અને દુબઈમાં પોતાનું સ્ટોર શરૂ કરશે.
800 થી 9000 રૂપિયા સુધીની ચણીયાચોળી: 'આંગન ઓફ કચ્છ' ના નવરાત્રિના કલેકશનમાં શોર્ટ એન્ડ લોંગ કુર્તી, જેકેટ, કોર્ડ સેટ, ચણિયા ચોળી, દુપટ્ટા, મેન્સ વેર વગેરે મળી રહે છે. જેમાં વિવિધ આર્ટ અને વેરાયટી મુજબ આઉટફિટના ભાવ નક્કી થતાં હોય છે. સામાન્ય રીતે 1500થી 2500 રૂપિયા સુધીમાં સારામાં સારા ડીઝાઈન અને ગુણવતાની વસ્તુ લોકો મેળવી શકે છે. આમ તો 800 રૂપિયાથી લઈને 9000 રૂપિયા સુધીની વિવિધ પ્રોડક્ટ્સ અહીં મળી રહે છે. પરંતુ 'આંગન ઓફ કચ્છ' ની એક્સક્લુઝીવ પ્રોડક્ટ્સ 3000 રૂપિયા સુધીમાં પણ લોકોને મળી રહે છે.
વિદેશના લોકો કેવા પ્રકારના કપડા ખરીદે છે: ગ્લોબલ માર્કેટ અંગે વાતચીત કરતા જણાવ્યું હતું કે, વિદેશમાં વસતા લોકો તહેવારો પર જ આ પ્રકારના કપડાં પહેરતા હોય છે. ત્યાંના લોકો એ રીતે કપડાંની ખરીદી કરતા હોય છે. જેમને તેઓ સરળતાથી સાચવી શકે. વિદેશના લોકો સ્ટોલ, ચણીયા ચોળી, જેકેટ અને પર્સ જેવી પ્રોડક્ટ્સ વધુ લેવાનું પસંદ કરતા હોય છે. 'આંગન ઓફ કચ્છ' દુબઈ, ન્યુ ઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં કે જ્યાં ભારતીયો વધારે માત્રામાં રહે છે ત્યાં કચ્છી કળામાંથી બનાવેલ નવરાત્રિના પરંપરાગત વસ્ત્રો અને તેના કાપડની ગુણવત્તાના આધારે સારી માંગ રહેતી હોય છે.
આ પણ વાંચો: