કચ્છ: કચ્છની વર્લ્ડ હેરિટેજ સાઈટ ધોળાવીરાની આસપાસના ગામમાં લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે. ધોળાવીરાથી માત્ર 5 કિલોમીટર દૂર આવેલા ડુંગરાણી વાંઢના લોકો પીવાના પાણી માટે કૂવા પર નિર્ભર બન્યા છે. વર્ષોથી વિકાસની ગાથા ગાતી ગુજરાતની ભાજપા સરકાર દેશભરમાં ગુજરાત મોડલને પ્રમોટ કરી રહી છે ત્યારે જમીની હકીકત એ છે કે આઝાદીના આટલા વર્ષો બાદ પણ અહીંના લોકોને કૂવામાંથી પાણી સીંચવું પડી રહ્યું છે. આ ગામમાં લોકોને સરકારની કોઈ પણ યોજના હેઠળ પાણીની સુવિધા મળી રહી નથી.
ગ્રામજનો મારી રહ્યા છે પાણી માટે વલખા: સરહદી જિલ્લા કચ્છના પૂર્વીય છેડે આવેલા દુર્ગમ વિસ્તારના ખડિર બેટ પાસેના ડુંગરાણી વાંઢ ગામના લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે. આજે પણ ખડિર બેટના અનેક ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યાઓ રહેતી હોય છે. અહીંના ડુંગરાણી વાંઢમાં દાયકાઓથી લોકો પીવાના પાણી માટે કૂવા પર નિર્ભર છે અને આજે પણ અહીંની મહિલાઓ કૂવામાંથી પાણી સીંચી પોતાના પરિવારની તરસ છુપાવે છે.
200 જેટલા લોકો કૂવાના પાણી પર નિર્ભર: વર્લ્ડ હેરિટેજ સાઈટ ધોળાવીરાથી માત્ર 5 કિલોમીટરનાં અંતરે આવેલો ડુંગરાણી વાંઢ કે જ્યાં 35 જેટલા ઘરોમાં 25થી 30 જેટલા પરિવાર રહે છે અને કુલ 200 જેટલા લોકો વસવાટ કરે છે. ડુંગરાણી વાંઢમાં સવાર થાય એટલે મહિલાઓ બેલડા લઈ વાંઢથી દોઢ કિલોમીટર દૂર આવેલા કૂવા પર પાણી ભરવા જાય છે. દિવસમાં બે થી ત્રણ વખત કૂવા પર જઈ પાણી ભરી આ મહિલાઓ પોતાના પરિવાર માટે ન્હાવા , કપડાં -વાસણ ધોવા અને પીવા માટે પાણી એકઠું કરે છે. ત્યારબાદ તેઓ રસોઈનું કામ કરે છે. તો સાથે જ તેમના 200 જેટલા પશુઓ પણ કૂવા પરના પાણી પર નિર્ભર છે.
જર્જરિત કૂવામાંથી પાણી સિંચવા લોકો બન્યા મજબૂર: ઉલ્લેખનીય છે કે આજ દિવસ સુધી આ ડુંગરાણી ગામના પરિવારોને નર્મદાનું પાણી અથવા નલ સે જલ યોજના અંતર્ગત પાણી નથી મળ્યું. છેલ્લા અનેક વર્ષોથી આ ગામના લોકો જર્જરિત કૂવામાંથી પાણી સિંચવા મજબૂર છે અને કૂવો જર્જરિત હોવાના કારણે પાણી સિંચવું પણ મુશ્કેલ બન્યુ છે. આ ગામના જર્જરિત કૂવાનુ એક સંસ્થા દ્વારા સમારકામ કરી આપવામાં આવ્યું છે તો સાથે જ કૂવામાં પાણી પણ ખૂબ ઓછું આવી રહ્યુ હોવાથી સરકારની કોઈ યોજના દ્વારા ગામના લોકોને પાણી મળે તેવી માંગ લોકો કરી રહ્યા છે.
પાણીની ગામમાં ખૂબ અછત: ડુંગરાણી વાંઢના સ્થાનિક પરબતભાઈ કોલીએ જણાવ્યું હતું કે, 100 - 150 વર્ષ અગાઉ બાપ દાદાએ જે કુવા ખોદેલા તેમાંથી ગામની મહિલાઓ પાણી ભરે છે. સવારના પહેલા કૂવા પર આવીને મહિલાઓ પાણી ભરવાનું કામ કરે છે અને પછી ઘરે આવીને રસોઈનું કામ કરે છે. પાણીની ગામમાં ખૂબ અછત છે.
મહિલાઓ કૂવામાંથી સીંચે છે પાણી: સ્થાનિક મહિલા ચંપાબેને મકવાણાએ જણાવ્યું કે,ધોળાવીરાની 5 કિલોમીટર દૂર અમારું ડુંગરાણી વાંઢ આવેલું છે. પાણીની અમને ઘણી તકલીફ પડે છે. ઘરેથી એક કિલોમીટર દૂર બેડાં લઈને કૂવા પર પાણી ભરવા આવવું પડે છે જેના કારણે 2 કલાક જેટલો સમય બગડે છે. કૂવામાંથી જ ન્હાવા ધોવા માટે તેમજ પીવા માટે પાણી ભેગું કરવું પડે છે. કોઈ કૂવામાંથી પાણી ખેંચી શકે કોઈ ના ખેંચી શકે તેની પણ તકલીફ રહેતી હોય છે. પાણી ભરીને ઘરે જઈએ ત્યાર બાદ ઘરના કામ કરવાના હોય છે. 2 થી 3 બેડાં પાણી કૂવામાંથી ભરી જઈએ તેમાંથી ન્હાવું કે વાસણ અને કપડાં ધોવા, માટે ગામમાં પાણીની તંગીને કારણે બહુ તકલીફ છે.
સરકારી યોજના થકી પાણી મળે તેવી અપીલ: ધોળાવીરા ગામના સરપંચ જીલ્લુભા સોઢાએ જણાવ્યું કે, ધોળાવીરા ગ્રામ પંચાયત હેઠળનું આ ડુંગરાણી વાંઢ ગામ, જ્યાં 25 થી 30 પરિવારો રહે છે, જેમાં 150 થી 200 જેટલા લોકો છે. પહેલા પીવાના પાણીની ખૂબ તકલીફ હતી પહેલા જે કૂવો હતો તે ખૂબ જર્જરિત હતો ત્યારે સંસ્થા દ્વારા કૂવાનુ સમારકામ કરી આપવામાં આવ્યું છે. આ કૂવામાં ચોમાસા દરમિયાન તળાવમાંથી પાણી આવે છે જેના કારણે કૂવો પણ ભરાઈ જાય છે અને લોકોને પાણી મળે છે પણ ઉનાળામાં 2500 ટીડીએસનું પાણી મળે તે રીતે ગુજરાન ચલાવવું પડે છે. શિયાળા અને ચોમાસા દરમિયાન આ કૂવામાંથી પાણી મળી રહે છે પરંતુ ઉનાળામાં પાણીની ખૂબ સમસ્યા સર્જાય છે અહી કોઈ યોજના હેઠળ પણ પાણી નથી મળતું માટે સરકાર સમક્ષ આ વાંઢમાં પાણી મળે તેવી અપીલ પણ કરવામાં આવી છે.
પાઇપલાઇન મારફતે નર્મદાનું પાણી મળે તેવું આયોજન: ગુજરાત પાણી પુરવઠા બોર્ડના ચીફ એન્જિનિયર પંકજ નાગરે માહિતી આપતા જણાવ્યું હતું કે, કચ્છના ખડીર વિસ્તારના ગામો માટે તેમજ વાંઢ અને પરા વિસ્તાર માટે નવી યોજનાનું કામ ચાલી રહ્યુ છે જેમાં 38 પરા વિસ્તારને તેમાં જોડાવાની એક સુવઈ ડેમ આધારિત હેમ્લેટ કનેક્ટિવિટી યોજના છે. જે અંદાજિત 15 કરોડની યોજના છે. જેનુ 80 ટકા જેટલું કામ પૂર્ણ થયું છે અને હાલમાં પણ કામ પ્રગતિમાં છે. ખડિર વિસ્તારમાં જે પાણીની લાઈન નાખવામાં આવી હતી તેની કેપેસિટી ઓછી હતી જેના કારણે 9 જેટલા ગામોમાં પાણી પૂરતા પ્રમાણમાં મળી શકતું ન હતું. હાલમાં આ ગામોમાં બોર અને અન્ય કૂવા જેવા પાણીના સ્ત્રોત છે તો આ વિસ્તારમાં પાણી પહોંચાડવા માટે અમરાપરથી ગઢડા સુધીની લાઈનનું કામ ચાલુ છે. આગામી સમયમાં ખડીર વિસ્તારના ગામો, વાંઢો અને પરા વિસ્તારને પાઇપલાઇન મારફતે નર્મદાનું પાણી મળે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.