કચ્છ: સરહદી જિલ્લા કચ્છના પેટાળમાં અનેક કુદરતી ખનિજ સંપત્તિનો ખજાનો રહેલો છે. ત્યારે જિલ્લામાં ઠેર ઠેર આવેલી જુદી જુદી લીઝોમાં ખનન થતું હોય છે તો ક્યારેક મંજૂરી વિના ગેરકાયદેસર પણ ખનન કરાતા ખાણ ખનિજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે પૂર્વ કચ્છમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને ગેરકાયદેસર પરિવહન કરતી 18 જેટલી ટ્રક ઝડપી પાડવામાં આવી છે. ફ્લાઈંગ સ્કવોર્ડએ ચાઈનાકલે પરિવહન કરતી ટ્રકો ઝડપી પાડી છે અને કુલ 5.40 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ગેરકાયદેસર પરિવહન બાબતે વાહન માલિકોને 54 લાખ રૂપિયાનો દંડ ફટારવામાં આવ્યો છે.
18 ટ્રકો ખાણ ખનીજ વિભાગ દ્વારા ઝડપાઈ: કચ્છ કલેકટરના આદેશ મુજબ ભચાઉ પ્રાંત અધિકારી બાલમુકુંદ સૂર્યવંશી તથા મદદનીશ નિયામક મેહુલ શાહ તથા તેમની તપાસ ટીમ દ્વારા ગત મોડી રાતે કચ્છ પૂર્વ જિલ્લાના ભચાઉ તાલુકાના લાકડીયા-આડેસર હાઇવે પર ગેરકાયદેસર ખનિજ પ્રવૃતિ અંતગર્ત વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ ડ્રાઇવ દરમ્યાન લાકડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અધિકૃત રોયલ્ટી પાસ વિના ચાઈનાકલે ખનિજ વહન કરતી એક સાથે કુલ 16 ટ્રકોને ઝડપી પાડવામાં આવી હતી.
5.40 કરોડનો મુદ્દામાલ ઝડપી 54 લાખનો દંડ: તો બીજી બાજુ ગાગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અન્ય 2 ટ્રકોને અધિકૃત રોયલ્ટી પાસ વિના ચાઈનાકલે ખનિજ વહન કરતા ઝડપી પાડવામાં આવી હતી. આમ કુલ મળી 18 ટ્રકોને ગેરકાયદે ખનિજ વહન બદલ સીઝ કરી આશરે 5.40 કરોડનો મુદ્દામાલ લાકડીયા તથા ગાગોદર પોલીસ સ્ટેશનને કસ્ટડીમાં સોંપવામાં આવી છે. તો ગેરકાયદે પરિવહન બદલ વાહન માલિકો પાસેથી કુલ મળી 54 લાખ રૂપિયાની દંડકિય વસુલાતની કામગીરી ફ્લાઇંગ સ્કવોર્ડ - કચ્છ દ્વારા હાથ ધરવામાં આવી છે.
કચ્છમાં વ્યાપક પ્રમાણમાં વિવિધ ખનીજો: કચ્છમાં બ્લેકટ્રેપ, ચાઈનાકલે, સાદી રેતી, બોલકલે, વ્હાઈટકલે, સીલીકાસેન્ડ, ગ્રેવલ, હાર્ડ મોરમ, સાદી માટી, લેટેરાઈટ, જીપ્સમ, ફાયર કલે, મારબલ, લાઈમસ્ટેાન, લિગ્નાઇટ, બેંટોનાઈટ સહિતના વગેરે જેવા અલગ અલગ પ્રકારના ખનીજોનું ખનન કરવામાં આવે છે.કરછ જિલ્લામાં વ્યાપક પ્રમાણમાં ખનિજ ચોરી થતી હોવાની ફરિયાદો અવારનવાર ખનીજ ખાતાને મળતી હોય છે.
આ પણ વાંચો: