છોટા ઉદેપુર: જિલ્લામાં કુકરદા ગામનો દિવાસાનો તહેવાર સૌથી પ્રખ્યાત બન્યો છે. દર વર્ષે દિવાસાનાં તહેવારના બે મહિના પહેલા મહિલાઓ દ્વારા વસ્ત્રોની થીમ નક્કી કરી આખા ગામની મહિલાઓ એક જ પ્રકારના વસ્ત્રો ધારણ કરી પરંપરા મુજબ પિહવાંનાં સૂર સાથે નાચગાન કરી દિવાસાનાં તહેવારને ઉજવવામાં આવે છે. ગત વર્ષે લાલ કલરનાં વસ્ત્રોની થીમ હતી. જયારે આ વર્ષે ભૂરા રંગનાં વસ્ત્રોની થીમ નકકી કરવામાં આવતાં ગામની એક હજાર જેટલી મહીલાઓ આ વર્ષે ભૂરા રંગનાં વસ્ત્રોની થીમનાં વસ્ત્રો ધારણ કરી પરંપરા મૂજબ વિશ્વ આદિવાસી દિવસ અને દિવાસાનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો.
દિવાસાનાં તહેવારનું અનેરું મહત્ત્વ: આદિવાસીઓનાં મોટા ભાગના તહેવાર ઋતુઓ સાથે સંકળાયેલા હોય છે. અને હોળી સિવાયનાં દરેક તહેવારો ગામની અનુકુળતા મુજબ જુદાં જુદાં ગામમાં જુદાં જુદાં દિવસે તહેવારો ઉજવાતા હોય છે. એમાં પણ દિવાસાનાં તહેવારનું અનેરું મહત્ત્વ ધરાવે છે. અને દિવાસાનો તહેવાર પ્રકૃત્તિ પૂંજા સાથે સંકળાયેલો તહેવાર છે. વરસાદ વરસ્યા બાદ ખેતરોમાં અનાજ સારી રીતે ઉગી નીકળે એમાં નકામું ઉગી નીકળેલું હોય એ ઘાસનું નિંદામણ દીવાસાનાં તહેવારની ઊજવણી બાદ કરવામાં આવતું હોય છે.
પિહવાંનાં શૂર સાથે આખી રાત નાચગાન: છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા ગામની વર્ષો જૂની પરંપરા મુજબ પ્રકૃતિનાં ગીતો સાથે ગરબા ગાઈને ઉજવવામાં આવે છે. આ કુકરદા ગામમાં ભીલ જ્ઞાતિના લોકો પોતાની પરંપરા મુજબ દિવાસાનો તહેવાર ત્રણ દિવસ ઉજવવામાં આવે છે. પહેલા દિવસ ઘાયનું, બીજા દિવસ દેવોને પૂજવવામાં આવે છે, અને ત્રીજા દિવસે તહેવાર હોય છે. તહેવારના દિવસે ગામની તમામ મહિલાઓ એકજ પ્રકારના વસ્ત્રોમાં સજ્જ થઈ પિહવાંનાં શૂર સાથે આખી રાત નાચગાન કરતાં હોય છે.
મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સહિતનાં લોકો તહેવાર જોવા આવ્યા: વર્ષોથી આ ગામની મહીલાઓ એક જ પ્રકારનાં વસ્ત્રો ધારણ કરી ઉજવતા હોય છે, અને દર વર્ષે મહીલાઓ વસ્ત્રોની થીમ બદલતી હોવાનાં કારણે આ ગામનો દિવાસો પ્રખ્યાત બનતા મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સહિતનાં લોકો મોટી સંખ્યામાં આ તહેવારને જોવા ઉમટી પડતાં હોય છે.
આ અંગે કુકરદા ગામનાં સરપંચ અંબાલાલ ભીલ જણાવ્યું હતું કે, 'નસવાડી તાલુકામાં અમારું કુકરદા ગામ સૌથી મોટું ગામ છે. આ વર્ષે અમારાં ગામની એક હજાર જેટલી મહિલાઓ એક જ પ્રકારનાં વસ્ત્રો સિવડાવ્યા છે, અને પુરુષો પણ હવે એકજ પ્રકારના વસ્ત્રો ધારણ કરી દિવાસાનો તહેવાર ઉજવવામાં આવે છે. વર્ષોથી અમારા ગામનો દિવાસાનો તહેવાર ઉજવવાની પરંપરા સચવાયેલી છે.'