રાજકોટ: જિલ્લાના ધોરાજીના ફોરેસ્ટ અધિકારી દ્વારા છેલ્લા ઘણા સમયથી વૃક્ષોનું છેદન કરતાં તેમજ લાકડાઓની ગેરકાયદેસર હેરાફેરી કરતા વ્યક્તિઓ ઉપર તવાઇ કરવામાં આવી રહી છે.
આ કામગીરીમાં વધુ એક રેડ કરી અને વૃક્ષનું કટીંગ કરી ગેરકાયદેસર હેરાફેરી ચલાવનારા 2 વ્યક્તિઓને 2 વાહનો સાથે ઝડપી લાકડાનો મોટો જથ્થો કબ્જે કરી લેવામાં આવ્યો છે. ત્યારે ઝડપાયેલા બંને વ્યક્તિઓ સામે ધોરાજી ફોરેસ્ટ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ મામલે તપાસના ધમધમાટ પણ શરૂ કર્યા છે.
ફોરેસ્ટ વિભાગ દ્વારા 2 વ્યક્તિઓની અટકાયત: આ અંગેની માહિતી આપતા ધોરાજીના રેન્જ ફોરેસ્ટ અધિકારી નિહારિકા પંડ્યાએ જણાવ્યું છે કે, ધોરાજી તાલુકાના છત્રાસા ગામે દેશી બાવળનું કટીંગ ચાલી રહ્યું હોવાની અને ગેરકાયદેસર રીતે કટીંગ અને લાકડાની ચોરી અંગેની બાતમી મળી હતી.
જે બાદ રાત્રિ દરમિયાન બાતમી અને હકીકતના આધારે વોચ ગોઠવી તપાસ હાથ ધરતા છત્રાસા રોડ સાઈડ વિસ્તારમાંથી દેશી બાવળનું કટીંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન ફોરેસ્ટ ટીમ દ્વારા 2 વ્યક્તિઓ તેમજ 2 વાહનોને ઝડપી લેવાયા છે. તેમજ આ વૃક્ષ કટીંગ અને ચોરીની બાબતમાં અન્ય વ્યક્તિઓ ફરાર થઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે.
ફોરેસ્ટ વિભાગ દ્વારા મુદ્દામાલ કબ્જે કરાયો: ધોરાજી તાલુકાના છત્રાસા ગામે રોડ સાઈડ પર ગેરકાયદેસર બાવળના ચાલી રહેલા કટીંગ ઉપર ફોરેસ્ટ વિભાગે રેડ કરી 2 વ્યક્તિઓને કુલ 157 મણ લાકડાના જથ્થા તેમજ 1 બોલેરો અને 1 રીક્ષા ગાડીને કબજે કરી અંદાજે કુલ રુ. 05.17 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને તેમની સાથે 2 વ્યક્તિઓની પણ અટકાયત કરી હતી. સમગ્ર બાબતે ઝડપાયેલા વ્યક્તિઓની પૂછપરછ શરૂ કરી છે. જે વ્યક્તિઓ નાસી ગયા છે. તેમને પકડવા માટે કામગીરી શરુ કરી છે.
આ પણ વાંચો: