છોટાઉદેપુર: જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર થઇ હતી. ભારે થી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ આગાહી વચ્ચે વરસાદે વિરામ લેતા જિલ્લાની જનતાએ હાશકારો અનુભવ્યો હતો. ત્યારે જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 6433 MM વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ છોટાઉદેપુર તાલુકામાં 1352 MM, જ્યારે સૌથી ઓછો નસવાડી તાલુકામાં 943 MM વરસાદ નોંધાયો હતો જેથી જિલ્લામાં મોસમનો સરેરાશ 100 % થી વધુ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના વિરામ વચ્ચે છોટાઉદેપુરનો મહત્વનો નેશનલ હાઇવે રોડ પર ભારજ નદી પરનો પુલ તૂટી જતાં જીવના જોખમે રેલ્વે પુલ પરથી પસાર થવા લોકો મજબુર બન્યા હતા.
હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર: હવામાન વિભાગ દ્વારા છોટાઉદેપુર, નર્મદા અને સુરત જિલ્લા ને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ ગઈ કાલથી વરસાદે વિરામ લીધો છે અને આજે સુર્યનારાયણે દર્શન આપતા રાબેતા મુજબ જનજીવન ધબકતું થયું છે. છોટાઉદેપુર જિલ્લામાં ઓગસ્ટ મહિના ની 24 થી 26 તારીખ દરમિયાન વરસેલા અતિ ભારે વરસાદને લીધે સુખી ડેમના 6 ગેટ ખોલીને 15 હજાર ક્યુસેક પાણી ભારજ નદીમાં છોડવામાં આવ્યું હતું. જેણે લીધે ભારજ નદી પરનો ક્ષત્તિગ્રસ્ત પુલ 26 ઓગસ્ટ ની મોડી સાંજે તૂટી પડ્યો હતો.જેથી લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે.
ક્ષતિગ્રસ્ત પુલની બાજુ ડાયવર્ઝન ધોવાયું: પુલની બાજુમાં 2 કરોડ 28 લાખના ખર્ચે બનવવામાં આવેલું ડાયવર્ઝન પૂરના પ્રવાહમાં ધોવાઇ ગયું હતું. જેણે લઈને સિહોદ થી નેશનલ હાઈવે નંબર 56ને બંધ કરી, બોડેલીથી મોડાસર ચોકડી થઇ રંગલી ચોકડી તરફ અને સિહોદથી વાંકી ચોકડીથી ડુંગરવાંટ નું ડાયવર્ઝન આપતાં સિહોદ, સુસ્કાલ, સિહોદ વાઘવા, સહીતના 15 થી 20 ગામના લોકોને 3 કિલોમીટર દૂરના જેતપુર પાવીના બજારમાં જવા માટે 35 થી 40 કિલોમીટર ફરીને જવા મજબૂર થવું પડ્યું છે. જેને લીધે લોકોના પૈસા અને સમયનો વ્યય થાય છે. દરરોજ શાળાએ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ, કામદારો, અને લોકો પોતાના જીવને જોખમમાં મૂકીને રેલ્વે પુલ પર પગપાળા પસાર થઇ રહ્યાં છે. ત્યારે શાળામાં ભણતા નાના ભૂલકાઓને તેમના વાલીઓ ઉંચકીને શાળાએ લેવા જવા અને મૂકી જવા મજબૂર બન્યા છે.
પુલ ધોવાથી વાહન ચાલકો અને લોકો હેરાન: પુલ તૂટવાના કારણો વિશે જાણવા ETV BHARAT એ સ્થાનિક લોકો સાથે વાત કરી હતી.ત્યારે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, આ પુલ વર્ષ 1960માં આ પુલ બન્યો હતો અને વર્ષ 1990માં ભારે વરસાદ આવતા ભારજ નદીમાં ભારે પુર આવ્યું હતું અને પુલ ઉપરથી પાણી પસાર થયું હતું. ત્યારે પણ આ પુલને કોઈ નુકશાન થયું નથી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી પુલની આગળની દિશામાં ભયંકર રીતે રેત ખનન થવાથી પુલના પાયામાંથી રેતી ધોવાઇને ખેંચાઈ જવાથી પુલના પાયા કમજોર બની ગયા હતા. પુલના પાયા બેસી જવાથી પુલ ક્ષત્તિગ્રસ્ત બન્યો હતો, 1 વર્ષ આગાઉ આ પુલ બેસી જતાં પુલ પર ભારે વાહનોની અવરજવર બંધ કરવામાં આવી હતી, ભારે વાહનો માટે પુલની બાજુમાં 2 કરોડ 28 લાખના ખર્ચે 6 મહિના પહેલા જ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું. જે 10 દિવસ આગાઉ સુખી ડેમનું પાણી ભારજ નદીમાં છોડવવામાં આવતા ડાયવર્ઝન સંપૂર્ણપણે ધોવાઇ ગયું હતું.
છોટાઉદેપુર જિલ્લામાં મોસમનો 100 % વરસાદ: ભારજ નદીમાં સાંકડો વહેણ વહેતા રેલવે બ્રિજના 2 પાયામાંથી રેતી અને માટી ધોવાઇ જતાં ખુલ્લા થયા છે અને રેલવેના પુલને પણ નુકસાન થઇ રહ્યું છે. જેથી રેલ્વે પુલ અને નેશનલ હાઈવે નંબર 56 નો નવો પુલ બનાવવામાં આવશે.આ રાષ્ટ્રીય સંપત્તિને બચાવવાં બંને પુલોની આગળ એક મજબૂત ચેક ડેમ કે ચેક વોલ બનવવામાં આવે તો પુલના પાયાના ફાઉન્ડેશનમાં રેતી ભરાઇ જવાથી બંને પુલોની મજબૂતી ટકાઉ બને અને નદીના બંને કિનારાના ખેડૂતોના બોરકુવામાં પાણીના સ્તર જળવાઇ રહે. અત્યાર સુધીમાં જિલ્લામાં સૌથી વધુ વરસાદ છોટાઉદેપુર તાલુકામાં 1352 MM જ્યારે સૌથી ઓછો વરસાદ નસવાડી તાલુકામાં 943 MM નોંધાયો છે. અન્ય તાલુકાઓની વાત કરીએ તો પાવી જેતપુર તાલુકામાં 997 MM, કવાંટ તાલુકામાં 1063 MM, સંખેડા તાલુકામાં 1005 MM, બોડેલી તાલુકામાં 1073 MM મળીને જિલ્લામાં કુલ 6433 MM વરસાદ નોંધાયો હોવાનું જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલરૂમ દ્વારા જણાવાયું છે. આમ, છોટાઉદેપુર જિલ્લામાં મોસમનો કુલ 100.48 % વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો: