ભાવનગર: ભાવનગરની સીટી મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી રહી છે. વિવિધ પ્રકારના સર્ટિફિકેટ્સ અને દાખલાઓ મેળવવા માટે આકરી ગરમીમાં પણ લોકો ભીડમાં ઊભા રહીને લાભ લેવા નજરે પડતા જોવા મળે છે. જો કે મામલતદારે જણાવ્યું હતું કે લોકો માટે મંડપ સહિત પીવાના પાણીની પણ વ્યવસ્થાઓ કરી આપવામાં આવેલી છે. પરંતુ તડકામાં ઊભા રહેતા લોકોને ખ્યાલ નહીં હોય કે તે લોકો જે સર્ટીફીકેટ તે દાખલા મેળવવા માંગે છે તે ઘરે બેસીને જાતે પણ મેળવી શકે છે.
મામલતદાર કચેરીએ આકરી ગરમીમાં જામી ભીડ: ભાવનગર શહેરના વિદ્યાનગરમાં આવેલી સિટી મામલતદારની કચેરીએ છેલ્લા 15 દિવસથી મોટી સંખ્યામાં લોકોની લાઈનો જોવા મળે છે. જો કે આ લાઈનો આવકનો દાખલો, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, EWS સર્ટીફિકેટ વગેરે જેવા સર્ટિફિકેટ મેળવવા માટે લોકો આવી રહ્યા છે. સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે લોકોએ દરેક પ્રકારના સર્ટિફીકેટ અને દાખલા મેળવવા માટે આકરી ગરમીમાં પણ સિટી મામલતદારની કચેરીએ મોટી લાઈનો જોવા મળે છે. જેમાં બાળકો, પુરુષો અને મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોવા મળે છે.
એક મહિનામાં કેટલા નીકળ્યા દાખલાઓ: મામલદાર વી એન ભારાઈએ જણાવ્યું હતું કે આવેલી જનસેવા એટલે કે એક્ટિવિટી શાખા દ્વારા અલગ અલગ પ્રકારની વેબસાઈટ મારફતે અલગ અલગ પ્રકારના દાખલાઓ ઓનલાઈન અને ઓફલાઈન આપવામાં આવે છે .અરજદારોની અરજીની સાથે કાગળો આપવાથી જે અનુસંધાને એની એન્ટ્રી કરીને આજદિન સુધી એક મહિનામાં આવકના 3 હજાર દાખલા ઇશ્યુ કરી દેવામાં આવ્યા છે. નોન ક્રિમિનલ દાખલાઓ 3400 ઇશ્યુ કરવામાં આવ્યા છે. EWSના 700 જેટલા દાખલાઓ ઇશ્યુ કરવામાં આવ્યા છે.
આકરી ગરમીમાં અગાઉથી કેવી તૈયારી: સીટી મામલતદાર કચેરીમાં 40 ડિગ્રીના તાપમાનમાં લોકો લાઈનોમાં ઉભા છે. ત્યારે વ્યવસ્થાના ભાગરૂપે મામલતદારે વી એન ભારાઈએ જણાવ્યું હતું કે ગરમીના માહોલને પગલે 15 માર્ચથી અધિકારીઓની સૂચનાથી મંડપ, પાણીની વ્યવસ્થા સતત 24 કલાક છે. 20 લીટરના દરરોજના 10 થી 15 બાટલા પુરા થઈ જાય છે. ઓફિસમાં કુલર છે. મંડપ બાંધેલા છે, અને ઓફિસની ઉપર-નીચે પંખાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેને ત્યાં ઉપર નીચે બેસવું હોય તો ત્યાં પણ બેસી શકે છે.
ઘરે બેઠા દરેક વ્યક્તિ કાઢી શકે દાખલાઓ કેવી રીતે: દાખલાઓ કઢાવવા માટે તડકામાં કે ગરમીમાં શેકાવાની જરૂર નથી. ઘરે બેઠા દાખલાઓ કાઢવા માટે મામલતદાર વી એન ભારાઈએ જણાવ્યું હતું કે આપણે ગુગલમાં જઈને સરકારની ડીઝીટલ ગુજરાત વેબ પોર્ટલ પર લોકો કોઈ પણ દાખલો જાતે ઓનલાઈન ફોર્મ ભરીને મેળવી શકે છે. જેમાં અલગ અલગ જરુરી દસ્તાવેજ અપલોડ કરવાના હોય છે. તેમજ અમે તલાટી મારફતે, સર્કલ મારફતે, વોટ્સએપ મારફતે અને અન્ય વિભાગ મારફતે પ્રચાર કરતા હોય છીએ. સેવા સેતુ કાર્યક્રમ થતા હોય છે. સરકારના અન્ય પ્રોગ્રામ થતા હોય તેમાં બધાને જાણ કરતા હોય છે અને આ જાહેરાતને થતું હોય છે. અમારી પૂર્વ પશ્ચિમ બે ઝોનમાં પણ સેવા શરૂ કરવામાં આવી છે.