જુનાગઢ: જુનાગઢ, પોરબંદર અને રાજકોટ જિલ્લામાં પડેલા વરસાદને કારણે ફરી એક વખત ઘેડમાં પૂરનું પાણી પ્રવેશી રહ્યું છે. જેને કારણે નિચાણ વાળા ગામોમાં ફરી એક વખત ચિંતાનું વાતાવરણ ઊભું થયું છે. ત્રણ દશકા જુની આ સમસ્યા કેન્દ્ર અને રાજ્યની સરકાર ઉકેલે તેવી ગામના સરપંચો પણ માંગ કરી રહ્યા છે.
ચોમાસામાં બીજી વખત ઘેડમાં આવ્યું પુર
જુનાગઢ પોરબંદર અને રાજકોટ જિલ્લામાં પાછલા 24 કલાકથી પડી રહેલા વરસાદને કારણે જુનાગઢ અને પોરબંદર જિલ્લાનો ઘેડ વિસ્તાર ફરી એક વખત વરસાદી પુરમાં ફસાતો જોવા મળી રહ્યો છે. ગઈ કાલથી અતિ ભારે વરસાદ પડ્યો છે. જેને કારણે ભાદર અને ઓઝત નદીમાં આવેલા વરસાદી પૂરનું પાણી જુનાગઢ જિલ્લાના મરમઠ દેશીંગા વેકરીયા સરાડીયા કટોલા સહિત ઘેડના ગામોમાં આજથી પૂરના પાણીનો પ્રવેશ શરૂ થયો છે. ઘેડ વિસ્તારના ગામોમાં આ વર્ષે ચોમાસા દરમિયાન સતત બીજી વખત પૂરની સ્થિતિ ઊભી થઈ છે.
ગામના સરપંચોએ સમસ્યાના ઉકેલની કરી માંગ
આજે માણાવદર તાલુકાના ઘેડના ગામોમાં ભાદર અને ઓજત નદીનું પાણી ફરી વળ્યું છે. હજુ પણ હવામાન વિભાગે જુનાગઢ પોરબંદર અને સોમનાથ જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે, ત્યારે માંગરોળ કેશોદ વંથલી કુતિયાણા તાલુકાના બાકી રહેતા ઘેડના ગામોમાં પણ વરસાદી પૂરનું પાણી ફરી વળે તેવી શક્યતાઓ ઊભી થઈ છે. ચોમાસા દરમિયાન પૂરનું પાણી ખેતીના પાકો અને જમીનને પુષ્કળ પ્રમાણમાં નુકસાન કરે છે. જેને કારણે પાછલા ત્રણ દસકાથી ઘેડને અજગારી ભરડો લઈને ચોમાસા દરમિયાન સામે આવતી વરસાદી પૂરની પરિસ્થિતિનું હવે રાજ્ય અને કેન્દ્રની સરકાર કોઈ નક્કર નિરાકરણ લાવે તેવી અસરગ્રસ્ત ગામોના સરપંચો પણ હવે માંગ કરી રહ્યા છે.