ભુજ: ભુજનું હૃદય સમાન હમીરસર તળાવ કચ્છીઓની લાગણીનું પ્રતિક છે. સતત ત્રીજા વર્ષે ધોધમાર વરસાદને પગલે હમીરસર તળાવ છલકાઈ ગયું છે. ત્યારે આજે ભુજના નગરપતિ રશ્મિબેન સોલંકી દ્વારા શાસ્ત્રોક્ત વિધીથી તળાવના નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. રાજાશાહી સમયનું અને 450 વર્ષ જૂનું હમીરસર તળાવ છલકાય ત્યારે રાજા દ્વારા તળાવને વધાવવામાં આવતું.
ભુજની સ્થાપના થઈ તે પછીનો ઈતિહાસ
ત્યાર બાદ આઝાદી પછી 1952માં ભુજ નગરપાલિકાની સ્થાપના થઇ અને વર્ષ 1953માં સૌપ્રથમ વખત હમિરસર તળાવ ઓગનવાની શરૂઆત થઈ અને ત્યારે પ્રથમ વખત ભુજના નગરપતિ કુન્દનલાલ ધોળકિયાએ વધાવ્યું હતું. ત્યારથી અત્યાર સુધીમાં 28મી વખત હમિરસર તળાવ ઓગન્યું છે. જે હાલના ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી ઠક્કર દ્વારા વધાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત નગરજનોને મેઘલાડુંનું જમણવાર પણ નગરપાલિકા દ્વારા કરાવવામાં આવે છે. હમીસર તળાવ ક્યારે છલકાય તેની રાહ છેલ્લાં કેટલાક દિવસોથી ભુજવાસીઓ જોઈ રહ્યા હતા. ત્યારે ગઈકાલે રાત્રે 11:15 વાગ્યાની આસપાસ તળાવ છલકાવા લાગ્યું હતું અને આજે સવારે લોકો તળાવ જોવા મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા.
તળાવ છલકાતા રજા જાહેર કરવાની પ્રથા પડી
ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી દ્વારા શ્રીફળ સહિતની સામગ્રી તળાવમાં પધરાવી શાસ્ત્રોક્ત વિધિ સાથે નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. આ સમયે મોટી સંખ્યામાં ભુજવાસીઓ ઉમટી પડયા હતા અને વધામણાં સમયની ક્ષણનો આનંદ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, સંભવિત્ રાજ્યમાં એક માત્ર શહેર ભુજમાં જ કોઈ તળાવ છલકાઈ જાય તો તેની સરકારી જાહેર રજા જાહેર કરવામાં આવે છે. આ પરંપરા 1970થી ચાલી આવે છે. આજે કચ્છ કલેકટરે આ પરંપરાને જાળવી ૨ાખી તળાવ છલકાઈ જતાં ભુજમાં આવેલી રાજ્ય સ૨કા૨ની જિલ્લા કક્ષાની તમામ કચેરીઓમાં, શાળા, કોલેજોમાં રજા જાહેર કરી હતી. અત્યાર સુધીમાં 28મી વખત હમીરસર છલ્લોછલ ભરાયું છે.