અમદાવાદ: ગુજરાતના લોકોએ હવે બેવડી સિઝનનો અહેસાસ કરી રહ્યા છે, પરંતુ હવે હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે એક જ ઋતુમાં ત્રણેય સિઝનનો અહેસાસ કરવા તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિયના કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં માવઠાની અસર થઇ શકે છે. રાજ્યમાં હવામાન વિભાગે માવઠાની આગાહી કરી હતી તે પ્રમાણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે.
ક્યાં પડી શકે છે વરસાદ: કચ્છ અને સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, પોરબંદર સહિત ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, મોરબીમાં માવઠું થઈ શકે છે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં છાંટા પડી શકે છે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, દાહોદ, મહિસાગર, પાટણમાં હળવો વરસાદ નોંધાઈ શકે છે. હવામાન વિભાગે જણાવ્યું કે, રાજ્યમાં પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાવાને કારણે ગરમીમાં ઘટાડો નોંધાશે.
ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ: રાજ્યમાં ફરી કમોસમી વરસાદના કારણે રાયડો, જીરું, બટાકાના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. ખેડૂતોને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજ તેમજ ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજ પલળીને બગડી ન જાય તેની સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. ખેડૂતોને પોતાનો તૈયાર પાક સલામત સ્થળે ખસેડવાની જણાવ્યું છે.
માછીમારોને દરિયો ન ખેડવા સુચના: હવામાન વિભાગે રાજ્યના દરિયાકાંઠે પવનની ગતિ 45થી 55 પ્રતિકલાક સ્પીડ રહેશે તેવી આગાહી કરી છે. જેના કારણે માછીમારોને પણ દરિયો ન ખેડવા સુચના આપી દેવામાં આવી છે.