નવસારી : આજથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. જેને લઈને નવસારી જિલ્લાના પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાર્થીઓને ફૂલ અને ચોકલેટ આપી આવકારવામાં આવ્યા હતા. પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો હતો.
ગુજરાત બોર્ડની પરીક્ષા : નવસારી જિલ્લામાં આજથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. નવસારી અને ચીખલી બે ઝોનમાં ધોરણ 10 ના 20,580 વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપશે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 5,887 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 9,376 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓનું સ્વાગત : નવસારી જિલ્લાના પરીક્ષા કેન્દ્રો પર ધોરણ 10 ની પરીક્ષાને લઈને વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા હતા. પરીક્ષાના પ્રથમ દિવસે નવસારી જિલ્લા કલેકટર ક્ષિપ્રા અગ્રે વિદ્યાર્થીઓને પરીક્ષાની શુભકામના આપી પરીક્ષા કેન્દ્ર પર ફૂલ અને ચોકલેટ આપી આવકાર્યા હતા. વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેના માટે શિક્ષણ વિભાગે પણ તમામ તૈયારી અને આયોજન કર્યા છે.
શિક્ષણ વિભાગનું સુચારુ આયોજન : પરીક્ષા કેન્દ્ર પર બાળકોને શુભેચ્છા આપવા માટે આવેલા ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર જયેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે, તેને લઈને શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. બાળકો શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપે તેવી તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. બાળકો કોઈ પણ ડર રાખ્યા વિના પરીક્ષા આપે તેવી અમારી શુભકામનાઓ છે.