પાટણ : પાટણ જિલ્લામાં ધોરણ 10 ની પરીક્ષા બે જોનમાં યોજવામાં આવી હતી સવારથી જ શહેરના વિવિધ પરીક્ષા કેન્દ્રો ઉપર વિદ્યાર્થીઓ અને વાલીઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. પરીક્ષા આપવા આવેલા કેટલાક વિદ્યાર્થીઓના ચહેરા ઉપર આનંદ તો કેટલાક વિદ્યાર્થીઓના ચહેરા ઉપર ગંભીરતા જોવા મળી હતી.
પાટણમાં પરીક્ષા કેન્દ્રોનો માહોલ : પાટણની બી.એમ. હાઈસ્કૂલના પરીક્ષા કેન્દ્ર ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી એ.એન.ચૌધરી સહિત શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મો મીઠું કરાવી પરીક્ષા ખંડમાં પ્રવેશ કરાવ્યો હતો. બી એમ હાઇસ્કુલ ખાતે સવારે સમયસર પરીક્ષાર્થીઓને પ્રવેશ અપાયો હતો. પરંતુ ત્યારબાદ સાંસદ ભરતસિંહ ડાભી પરીક્ષા કેન્દ્ર ઉપર આવવાના હોય તેવો ફોન આવતા અન્ય વિદ્યાર્થીઓને તેમની રાહ જોઈને મેદાનમાં ઊભા રાખવામાં આવ્યા હતાં. 15 થી 20 મિનિટ સુધી વિદ્યાર્થીઓ તેમની રાહ જોઈને મેદાનમાં ઊભા રહ્યા હતાં જેને લઇ વાલીઓમાં ફેલાયો હતો.
સાંસદ પહોંચ્યા શુભેચ્છા આપવા : ટણ લોકસભા બેઠકના ઉમેદવાર ભરતસિંહ ડાભી પણ મોડે મોડે બીએમ હાઇસ્કુલના પરીક્ષા સેન્ટર ખાતે પહોંચ્યા હતા અને તેઓએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય અંગે શુભેચ્છાઓ પાઠવી હતી. વિદ્યાર્થીઓ નિર્ભય અને સુમેળભર્યા વાતાવરણમાં પરીક્ષા આપે તેવી જિલ્લા શિક્ષણધિકારીએ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી પરીક્ષા કેન્દ્રોમાં લગાવેલા સીસીટીવી કેમેરા દ્વારા વર્ગખંડોનું નિરીક્ષણ કર્યું હતું.
પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા શુભેચ્છાઓ : ધોરણ 10ની પરીક્ષાને લઈને પાટણ ઝોનના વિવિધ સેન્ટરો ઉપર રાજકીય અને સામાજિક આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવાના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. પાટણની વીકે ભૂલા હાઇસ્કુલ ખાતે પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનો કાર્યકરોએ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી ફૂલ આપી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.
14403 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી શરૂ થયેલી ધોરણ 10ની પરીક્ષામાં પ્રથમ દિવસે ધોરણ10માં ગુજરાતીનું પેપર હતું. પાટણ જિલ્લામાં બે ઝોનમાં પરીક્ષા યોજવામાં આવી હતી. પાટણના 12 પરીક્ષા કેન્દ્રોના 36 બિલ્ડિંગમાં 380 બ્લોકમાં ગુજરાતી વિષયમાં 8587 વિદ્યાર્થીઓ પૈકી 8381 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જ્યારે 206 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતાં. તો અંગ્રેજી વિષયના પેપરમાં કુલ 334 વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી. જ્યારે હારીજ ઝોનના10 પરીક્ષા કેન્દ્રોના 31 બિલ્ડિંગમાં 275 બ્લોકમાં ગુજરાતી વિષયમાં 6,282 વિદ્યાર્થીઓ પૈકી 5628 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જ્યારે 220 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. તો અંગ્રેજી વિષયના પેપરમાં હારીજ ઝોનમાં કુલ 29 વિદ્યાર્થીઓએ હાજર રહી પરીક્ષા આપી હતી. આમ પાટણ જિલ્લાના હારીજ અને પાટણ પરીક્ષા કેન્દ્રમાં ધોરણ 10ના પ્રથમ સેશનમાં કુલ 14833 વિદ્યાર્થીઓ પૈકી 14403 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં જ્યારે 430 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતાં.
બપોરના સેશનમાં 12માંની પરીક્ષા : જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા બપોરના સેશનમાં યોજાઇ હતી. જેમાં નામાના મૂળતત્વો વિષયમાં કુલ 1862 વિદ્યાર્થીઓ પૈકી 1853 વિદ્યાર્થીઓ હાજર રહી પરીક્ષા આપી હતી, જ્યારે 9 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. તો વિજ્ઞાન પ્રવાહના ફિઝિક્સ વિષયમાં કુલ 2040 વિદ્યાર્થીઓ પૈકી 2022 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 18 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતાં.
પોલીસ બંદોબસ્ત : વિદ્યાર્થીઓ શાંતિમય માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે દરેક કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. આમ પાટણ જિલ્લામાં ધોરણ-10ની પરીક્ષા શાંતિમય માહોલમાં યોજાઇ હતી. પ્રથમ દિવસે ધોરણ 10માં એક પણ કોપી કેસ નોંધાયો ન હતો.