ગાંધીનગર : સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ પેરેઝ-કાસ્ટેજોન ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. એક સત્તાવાર અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર વડોદરામાં ટાટા-એરબસ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીના ઉદ્ઘાટન માટે તેમની મુલાકાત, દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવાના ગુજરાતના પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.
સ્પેનના PM પેડ્રોનો ગુજરાત પ્રવાસ : ગુજરાત વ્યૂહાત્મક સ્થાન અને સુસ્થાપિત ઔદ્યોગિક માળખા સાથે ભારત અને સ્પેન વચ્ચેના વેપાર માટે અગ્રણી હબ તરીકે ઉભરી આવ્યું છે. મુન્દ્રા અને કંડલા જેવા રાજ્યના વિશ્વ કક્ષાના બંદરોએ વધતા વેપારને સુવિધા આપી છે. જેનાથી ઓટોમોટિવ, રિન્યુએબલ એનર્જી અને મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં સ્પેનિશ રોકાણ માટે ગુજરાત આકર્ષક સ્થળ બન્યું છે.
ગુજરાતમાં સ્પેનિશ કંપનીઓનું રોકાણ : વર્ષોથી ગુજરાતની વ્યવસાય તરફી નીતિઓ અને કુશળ કર્મચારીઓ દ્વારા આકર્ષિત ઘણી અગ્રણી સ્પેનિશ કંપનીઓએ ગુજરાતમાં મજબૂત હાજરી સ્થાપિત કરી છે. નોંધપાત્ર રોકાણોમાં ગ્રૂપો એન્ટોલિનનો સમાવેશ થાય છે, જેણે ફોર્ડ અને ટાટા જેવા અગ્રણી ઓટોમોબાઈલ ઉત્પાદકોને સેવા આપવા માટે 2015 માં સાણંદમાં ઉત્પાદન સુવિધા સ્થાપી હતી. રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં સિમેન્સ ગેમ્સા અને વિન્ડર રિનોવેબલ્સે હાલોલમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપ્યા છે, જે પવન ઉર્જા ઉત્પાદનમાં ગુજરાતના નેતૃત્વને મજબૂત બનાવે છે.
ટેકનિકલ ટેપ અને એડહેસિવ સોલ્યુશન્સમાં વિશેષતા ધરાવતી વેલેન્સિયા સ્થિત કંપની મિયાર્કો અને ભારતીય PPM ઈન્ડસ્ટ્રીઝ વચ્ચેનું સંયુક્ત સાહસ ટ્રસ્ટિન ટેપ 2018માં ગુજરાતના દહેજમાં તેનું ઉત્પાદન કેન્દ્ર ખોલ્યું, જે ભારતમાં માસ્કિંગ ટેપનું પ્રથમ અને એકમાત્ર ઉત્પાદક બન્યું. તેવી જ રીતે એક ફ્રેગરન્સ ઉત્પાદક ઈબરકેમ 2010 થી અમદાવાદના ચાંગોદરમાં એક પ્લાન્ટ ચલાવે છે. આ રોકાણોએ ભારતમાં વિસ્તરણ કરવા ઈચ્છતી સ્પેનિશ કંપનીઓ માટે પસંદગીના સ્થળ તરીકે ગુજરાતની સ્થિતિને નોંધપાત્ર રીતે મજબૂત બનાવી છે.
ટાટા-એરબસ પ્રોજેક્ટ : વડોદરામાં ટાટા-એરબસ પ્રોજેક્ટ ગુજરાત અને સ્પેન વચ્ચે વધતા વ્યૂહાત્મક સંરક્ષણ સહયોગને વધુ પ્રકાશિત કરે છે. ભારત માટે બનાવવામાં આવનાર 56 C295 લશ્કરી એરક્રાફ્ટમાંથી 40 ભારતમાં જ બનાવવામાં આવશે, જે બંને પ્રદેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરશે. સ્પેનમાં ગુજરાતની નિકાસમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે, જે 2023-24માં USD 0.94 બિલિયન સુધી પહોંચી છે. મુખ્ય નિકાસમાં કાર્બનિક રસાયણ, મશીનરી, ખનિજ ઇંધણ અને આયર્ન અને સ્ટીલ ઉત્પાદનોનો સમાવેશ થાય છે, જે રાજ્યના વૈવિધ્યસભર ઔદ્યોગિક આધારને પ્રતિબિંબિત કરે છે.
સાંસ્કૃતિક અને શૈક્ષણિક આદાનપ્રદાન : વેપાર ઉપરાંત ગુજરાત અને સ્પેને સાંસ્કૃતિક અને શૈક્ષણિક આદાનપ્રદાનને પ્રોત્સાહન આપ્યું છે. સ્પેનિશ વ્યવસાયોએ ગુજરાતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉર્જા ક્ષેત્રોમાં યોગદાન આપ્યું છે, જ્યારે ગુજરાતીઓમાં સ્પેનિશ કલા, સંગીત અને ભોજનમાં રસ સતત વધી રહ્યો છે. ખાસ કરીને બિઝનેસ મેનેજમેન્ટ, આર્ટસ અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં ઉચ્ચ શિક્ષણમાં સહયોગની સંભાવનાનો પણ વધારો થઈ રહ્યો છે.