અમદાવાદ: એક વ્યક્તિએ ગૂગલ ડ્રાઇવ પર બાળપણના ફોટા અપલોડ કર્યા હતા. જેના કારણે ગૂગલે તેના એકાઉન્ટને બ્લોક કરી દીધુ હતું. જેથી યુવક ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યો હતો. આ મામલે ગુજરાત હાઈકોર્ટે ગૂગલને નોટિસ ફટકારી છે.
શું છે સમગ્ર કેસ: અરજદાર નીલ શુક્લાએ જ્યારે તે બે વર્ષનો હતો અને તેના દાદી નવડાવી રહ્યા હતા તે સમયનો ફોટો યાદગીરીના ભાગરૂપે Google ડ્રાઇવ પર અપલોડ કર્યો હતો. પરંતુ ગૂગલે આ ફોટોને અશ્લીલ માનીને એપ્રિલમાં નીલ શુક્લાના એકાઉન્ડને બ્લોક કરી તમામ સર્વિસ બંધ કરી દીધી હતી.
અરજદારના વકીલ દીપેન દેસાઈએ કોર્ટને જણાવ્યું હતું ગૂગલે ગયા વર્ષે એપ્રિલમાં શુક્લાના એકાઉન્ટને "બાળ શોષણ" દર્શાવતી સામગ્રી સંબંધિત નીતિનું ઉલ્લંઘન કરવા બદલ બ્લોક કરી દીધું હતું. કંપની તેની ફરિયાદ નિવારણ પદ્ધતિ દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવામાં નિષ્ફળ ગઈ, જેના પગલે શુક્લાએ 12 માર્ચે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી. દેસાઈએ કોર્ટને માહિતી આપી હતી કે ગૂગલે ઈમેલ એકાઉન્ટ બ્લોક કર્યું હોવાથી અરજદાર તેમનું ઈમેલ એક્સેસ કરી શકતા નથી અને તેના કારણે તેમના બિઝનેસને નુકસાન થઈ રહ્યું છે.
અરજદારના બિઝનેસને નુકસાન: અરજદારે તેની અરજીમાં જણાવ્યું હતું કે, "ગૂગલ કહે છે કે આ 'બાળકનું શોષણ' છે, અને તેઓએ બધું જ બ્લોક કરી દીધું છે. હું મારા ઈમેલને એક્સેસ કરી શકતો નથી અને મારા વ્યવસાયને અસર થઈ રહી છે." શુક્લાએ ભારતમાં આવા કેસો માટે નોડલ એજન્સી ગુજરાત પોલીસ અને કેન્દ્રના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેઓ પણ પગલાં લેવામાં નિષ્ફળ રહ્યા હતા અને તેમને ન્યાયિક પગલાં લેવાની ફરજ પડી હતી.
અરજદારે તાત્કાલિક સુનાવણીની પણ વિનંતી કરી હતી, કારણ કે તેને Google તરફથી એક નોટિસ મળી હતી જેમાં જણાવ્યું હતું કે તેના એકાઉન્ટ સાથે સંકળાયેલ ડેટા એક વર્ષ નિષ્ક્રિય કર્યા પછી એપ્રિલમાં કાઢી નાખવામાં આવશે. જસ્ટિસ વૈભવી ડી નાણાવટીની કોર્ટે 15 માર્ચે ગૂગલ, કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ પાઠવી હતી અને 26 માર્ચ સુધીમાં જવાબ માંગ્યો છે.