રાજકોટ: આજકાલ સાધુ-સંતના નામ અને વેશ ધારણ કરી લોકોને લૂંટતા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગોંડલના મોવીયા ગામે રહેતા કાન્તી ભાલાળાને રસ્તામાં એક સાધુના વેશમાં ચોર મળ્યા જે સોના ચાંદીના દાગીના ચોરી ફરાર થયા હતા. જેની તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી અને આખરે આ ધુતારા ચોરોને રાજકોટ રૂરલ LCB અને તાલુકા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.
મદદના બહાને વેપારીને લૂંટ્યા
વિગતો મુજબ, 63 વર્ષના વેપારી અને ખેડૂત કાંતી ભાલાળા 2 નવેમ્બરના રોજ સવારે દશેક વાગ્યાની આસપાસ માંડણકુંડલા રોડ ઉપર માંડણઆશ્રમ પાસે કુંડલાવાડી વાડીએ આટો મારવા ગયા હતા. વાડીએથી ઘરે આવતા સમયે ગોવિંદનગર બસ સ્ટેન્ડથી શ્રીનાથગઢના દરવાજા તરીકે ઓળખાતા વિસ્તારમાં પહોંચતા પાછળથી એક સફેદ કલરની ફોરવ્હીલ ગાડીએ હોર્ન મારતા તેમણે બાઈક ઊભું રાખ્યું. બાદમાં ગાડીના ડ્રાઇવરે પૂછ્યું કે, "આગળ કોઈ જગ્યા છે ? સાધુને નાવા ધોવામાં માટે જગ્યા જોઈએ છે."
દક્ષિણા આપવાનું કહીને વિંટી-ચેન ઉતરાવી
ત્યારે વેપારીએ કહ્યું કે, સદાવ્રત મંદિરની જગ્યા બતાવી હતી. બાદમાં સાધુઓએ આગળ વધતા ફરી ફોરવ્હીલ ગાડી બાઈક સામે ઊભી રાખીને કહ્યું કે, દક્ષિણા આપો. આથી વેપારીએ પાકીટમાંથી 20 રૂપિયાની નોટ કાઢીને આપી. એટલે સાધુએ એક રૂદ્રાક્ષનો પારો કાઢી મોઢા પાસે લઇ આવી કહ્યું કે, આ પ્રસાદી છે તમે તમારી તેજોરીમાં રાખી મુકજો. આમ કહીને વેપારીની આંગળીમાં પહેરલી વીંટી તથા ચેન અને પાકીટમાંથી જે રૂપીયા હતા તે બધું કઢાવ્યા હતા. વેપારી કંઈ સમજે એ પહેલા તો સાધુ સોનાની ચેન તથા વિટી અને રૂપીયા લઇ ફરાર થઈ ગયા હતા.
આથી વેપારી કાંતિભાઈએ સમગ્ર મામલે કાર્યવાહી કરવા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી અને હ્યુમન સોર્સિંસ તથા ટેકનિકલ બાતમીના આધારે સુરેન્દ્રનગરના નેનુનાથ ઉર્ફે મુન્નાનાથ જવરનાથ સોલંકી અને વાંકાનેરના સુરજનાથ જવરનાથ સોલંકીને ગુનામાં વાપરેલી ફોર વ્હીલ કાર અને મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: