ખેડા: ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે પવિત્ર ગોમતી તળાવમાં અનેક માછલીઓના મૃત્યુ થયા છે. કોઈ કારણોસર તળાવમાં એકાએક આ માછલીઓના મોત થયા હતા. ડાકોરના ગોમતી તળાવમાં જંગલી વેલનું સામ્રાજ્ય ફેલાયેલું છે. તેમજ પારાવાર ગંદકી છે. ત્યારે ગંદકીને કારણે પાણી પ્રદુષિત થતાં માછલીઓનાં મોત થયા હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.
ગોમતી તળાવમાં જંગલી વેલ અને ગંદકીનું સામ્રાજ્ય: યાત્રાધામ ડાકોર ખાતે રણછોડરાયજી મંદિર સામે આવેલું પવિત્ર ગોમતી તળાવ ગંદકીથી ખદબદી રહ્યું છે. બેફામ રીતે કચરો તળાવમાં ઠલવાતા તળાવ દુષિત થયું છે. તેમજ વર્ષોથી તળાવમાં જંગલી વેલ ફેલાતા આખા તળાવ પર વેલનું સામ્રાજ્ય ફેલાયું છે. પવિત્ર તળાવની દુર્દશા પ્રત્યે નગરપાલિકા દુર્લક્ષ સેવતી હોવાનો રોષ પણ નગરજનો અવારનવાર વ્યક્ત કરી ચુક્યા છે. તેમજ નગરજનો અને સ્વંયસેવી સંસ્થાઓ દ્વારા કેટલીય વાર સાફ સફાઈ કરવામાં આવી છે. પરંતુ જેમ તેમ કચરો ઠલવાતા સ્થિતિ એની એ જ રહે છે. ત્યારે નગરપાલિકા દ્વારા નિયમિત રીતે સાફ સફાઈ કરવામાં આવે તેવી નગરજનો માંગ કરી રહ્યા છે.
જંગલી વેલ અને પ્રદૂષિત પાણીને કારણે માછલીઓના મોત થયા: ગોમતી તળાવમાં માછલીઓના મોત થવા બાબતે સ્થાનિક કૃણાલ શર્માએ જણાવ્યું હતું કે, 'ગોમતી તળાવમાં પારાવાર ગંદકી છે તેમજ આખા તળાવમાં વેલ ફેલાઈ ગઈ છે. જેમાં ફસાઈ જવાથી અને દૂષિત પાણીના કારણે માછલીઓના મોત થયા છે. પવિત્ર ગોમતી તળાવ સહિત આખા ડાકોરમાં ગંદકી ખદબદી રહી છે પરંતુ સ્થાનિક તંત્રને તે દેખાતુ નથી.'
આ પણ વાંચો: