બનાસકાંઠા: થરાદ તાલુકાના પીલુડા ગામે બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોરનો ગોળ તુલા કાર્યક્રમ યોજાયો હતો. લોકસભાની ચૂંટણીમાં વિજય થતા માનતાં પુરી કરી હતી. ત્યાર બાદ થરાદના દુધવા ગામે ગેનીબેનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાંસદ ગેનીબેન ઠાકોરે સરકાર અને થરાદ પોલીસ પર આકરા પ્રહારો કર્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણી સમગ્ર ગુજરાતમાં રસાકસી ભરી ચૂંટણી બની ગઇ હતી અને ગેનીબેન જીત્યા.
ગ્રામજનો દ્વારા ગોળ તુલા કાર્યક્રમનું આયોજન: બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરનો વિજય થાય તો પીલુડા ગામે માતાજીના મંદિરે ગોળ તુલા કરીશું એવી તેમના સમર્થકોએ માનતા માની હતી. ત્યારે લોકસભાની ચૂંટણીમાં ગેનીબેનનો વિજય થતાં ઠાકોર શંખાબેન અને સમગ્ર ગ્રામજનો દ્વારા ગોળ તુલા કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું હતું. અને માતાજી ની માનતાં પૂર્ણ કરી હતી.
ગેનીબેનનો થરાદ પોલીસ પર આક્ષેપ: થરાદ તાલુકાના દુધવા ગામે કાર્યક્રમ દરમિયાન સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, અન્યાય સામે ડરો મત લડો આપણે ભગવાનની મહેરબાનીની જરૂર છે, મેહનતની જરૂર છે અને અન્યાય કરવા વાળા ગમે તેટલા હોય પણ કુદરત પણ મદદ કરતી નથી. પોલીસ પર આક્ષેપ કરતાં સાંસદે જણાવ્યું હતું કે, આ જોવો લોકસભાની ચૂંટણીમાં પોલીસ અને બધી આખી વળગી હતી. થરાદ પોલીસ પર આક્ષેપ કરતાં કહ્યું કે, ગામડે ગામડે ભાજપે મિટિંગો કરી હતી, પોલીસવાળા એમના એજન્ટ હોય એમ વર્તન કરતાં હતાં. આવા પોલીસ વાળાઓને રાજકારણનો બહુ જ શોખ હોય તો પ્રજાના પૈસે નોકરી કરીને પગાર ન લેવાય રાજીનામું આપી ને મેદાને અવાય એટલે કેટલા વીસે સો થાય એ ખબર પડે એમ જણાવ્યું હતું.
પોલીસ લોકોને ધાકધમકી આપે છે: સાંસદે કહ્યું કે,આવા અધિકારીઓ ક્યાંકને ક્યાંક આપણા હિસાબે નભતાં પ્રજાના પૈસે પગાર લેતાં હોય છે ત્યારે એમને ડિપાર્ટમેન્ટનું કામ કરવાનું હોય એના બદલે માત્રને માત્ર ભાજપના એજન્ટ બનીને લોકોને ધાકધમકી આપતા હોય છે. ધાકધમકી આપનારા લોકો પણ કાચના ઘરમાં રહેતા હોય છે. આવા અધિકારીઓએ પોતાની ફરજ સમજવાની જરુર હોય છે. અત્ચારે જે પક્ષ કે સતા છે તે પૂરી જિંદગી સતા પર નથી રહેવાની પરિવર્તન થતું રહે છે એ આપણી લોકશાહીનો જ એક ભાગ છે. પોલીસે પોતાની મર્યાદામાં રહેવા જોઇએ. જનતાને કોઈ પણ ડર વગર કોઈ પણ પ્રકારનું કામ હોય ત્યાં મારુ ધ્યાન દોરજો એવી ગ્રામજનોને અપીલ કરી હતી.