બારડોલી: સુરત જિલ્લાના બારડોલી તાલુકાનાં મઢી ગામના ગેરેજમાં મોટર સાઇકલ પર બેસતાની સાથે જ એક યુવક ઢળી પડ્યો હતો. યુવકને સારવાર મળે તે પહેલા જ મોત થયું હતું. મૃતક યુવક મઢીમાં જીઆરડી જવાન તરીકે કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે.
વધી રહ્યા છે હાર્ટ એટેકના બનાવો: કાળઝાળ ગરમીના કારણે રાજ્યમાં હાર્ટએટેક અને બ્રેન સ્ટ્રોકના બનાવો વધી રહ્યા છે. બારડોલી તાલુકાનાં મઢી ગામે મુખ્ય હાઈસ્કૂલ નજીક આવેલ ગેરેજ પાસે બાલદા ગામે ટેકરી ફળિયામાં રહેતો યુવક કમલેશ બચુભાઈ ચૌધરી(ઉ.વ. આશરે 38) બપોરના સમયે બાઇક રીપેર કરવા ગેરેજ પર લઈને આવ્યો હતો. જ્યાંથી પરત જતી વખતે બાઇક પર બેસતાં જ તે બેભાન થઈને ઢળી પડ્યો હતો.
સારવાર મળે તે પહેલા જ મોત: ત્વરિત બાજુમાં ઉભેલા એક ઇસમે તેને પકડી બૂમાબૂમ કરી હતી. જેથી સ્થાનિકો પણ દોડી આવ્યા હતા. તાત્કાલિક એક તબીબની પણ મદદ લેવાય હતી. પરંતુ સારવાર મળે એ પહેલાં જ યુવકનું મોત થઈ ગયું હતું.
બારડોલી ગ્રામ્ય પોલીસમાં GRD તરીકે કામ કરતો હતો: મૃતક મઢી નજીક આવેલ બાલદા ગામનો રહેવાસી અને જી.આર.ડી તરીકે નોકરી પણ કરતો હોવાનું સામે આવ્યું છે. જી.આર.ડી જવાન અને ચૌધરી સમાજના આશાસ્પદ યુવકનું અવસાન થતાં સમસ્ત બાલદા ગામ તેમજ ચૌધરી સમાજમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું.