કામરેજ: કામરેજના હલધરૂ ગામમાં હિન્દુ- મુસ્લીમ કોમી એક્તા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. હલધરૂ ગામમાં મુસ્લીમ વસ્તી ધરાવતા જુનું કુંભારવાડ ફળીયામાં વર્ષોથી એકમાત્ર મૈસુરીયા હિન્દુ પરીવારના ૭૫ વર્ષીય વિધવા ઇન્દુબેન ભીખુભાઈ મૈસુરીયા અને તેમનો ૫૦ વર્ષીય પુત્ર રાજુભાઈ મૈસુરીયા રહે છે. રાજુભાઈ લકવાગ્રસ્ત છે. લાંબા સમયથી બિમાર ઈન્દુબેનનું મૃત્યુ થતા લકવાગ્રસ્ત પુત્ર માટે માતાની અંતિમક્રિયા કરવી મુશ્કેલ હતી. જેથી રાજુએ પાડોશી મુસ્લીમ પરીવારજનોને આ બાબતે વાત કરતા આખા મહોલ્લાનાં મુસ્લીમ યુવકોએ વિધવા મૃતક ઈન્દુબેનની અંતિમ વિધિની જવાબદારી ઉઠાવી હતી અને ઇન્દુબેનનીઅંતિમ યાત્રા કાઢી બારડોલી ખાતે આવેલા સ્મશાન ગૃહમાં મુસ્લીમ યુવકોએ હિન્દુ શાસ્ત્રો વિધિ મુજબ અંતિમ સંસ્કાર કર્યા હતા. ગામના મુસ્લીમ સમાજનાં લોકોએ ઇન્દુબેનને અંતિમ વિદાય આપી હતી. આ ઘટના ટોક ઓફ ધી ટાઉન બની હતી.
ગામના આગેવાન સાફિક શેખે જણાવ્યુ હતું કે, વૃદ્ધાનું અવસાન થતાં તેની અંતિમ વિધિ કરવા માટે ફળિયાના લોકોએ એકત્રિત થઈ હિન્દુ ધર્મમાં થતી વિધિ પ્રમાણે મરણની વિધિ કરી હતી. વિધિ યોગ્ય રીતે થાય તે માટે ગામના બે હિન્દુ આગેવાનોને સાથે રાખી વિધિ પૂર્ણ કર્યા બાદ બારડોલી સ્મશાન ભૂમિ ખાતે પુત્રને લાવી ત્યાં અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. તેઓનું કહેવું છે કે, ફળિયામાં તમામ મુસ્લિમોની વસ્તી વચ્ચે વર્ષોથી આ મૈસુરિયા પરિવાર રહેતો આવ્યો છે. જો કે માતા અને પુત્ર બે વ્યક્તિ જ હોય અને પુત્ર પણ પથારીવશ માતાની અંતિમ વિધિ કરવાની પાડોશીના નાતે અમારી પણ એક ફરજ બને છે અને તે જ ફરજ અમે નિભાવી છે.