સુરત : સતત વધી રહેલા હૃદય રોગ અને હૃદય અટેકના કિસ્સાઓ વચ્ચે સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18 ના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર ગેમર દેસાઈનું હૃદય રોગના હુમલાથી કરુણ મોત નીપજ્યું છે. ગેમર દેસાઈ વહેલી સવારે તૈયાર થઈને પોતાના ઘરેથી નીકળી રહ્યા હતા તે દરમિયાન અચાનક જ છાતીમાં દુખાવો ઉપડતા તેઓ ઢળી પડ્યા હતા. તેઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.
ગેમર દેસાઈ પશુપાલન સમાજના અગ્રણી હતા : છેલ્લા ત્રણ ટર્મથી સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18 માં નગરસેવક તરીકે લોકોને સેવા આપી રહેલા ભારતીય જનતા પાર્ટીના નગરસેવક ગેમર દેસાઈનું આજે હૃદય રોગના હુમલાથી મોત નીપજ્યું છે. તેઓ પશુપાલન સમાજથી આવે છે અને સમાજના અગ્રણી તરીકે છેલ્લા ઘણા વર્ષોથી અનેક કાર્યક્રમોમાં ભાગ પણ લઈ રહ્યા હતા. તેઓ સવારે પોતાના ઘરેથી તૈયાર થઈને નીકળી રહ્યા હતા તે દરમિયાન અચાનક જ તેમને છાતીમાં દુખાવો થતાં તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. પરિવારના લોકોએ તેમની સ્થિતિ જોઈ તાત્કાલિક તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા પરંતુ ત્યાં ફરજ પરના ડોક્ટરોએ ગેમર દેસાઈને મૃત જાહેર કર્યા હતા. ગેમર દેસાઈ મૂળ મહેસાણાના સિદ્ધપુરના રહેવાસી હતા. તેમના પાર્થિવ મૃતદેહને પરિવારના લોકો તેમના પૈતૃક ગામ લઈને જશે જ્યાં તેમનું અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
ભાજપના કોર્પોરેટર ગેમર દેસાઈના નિધનની ખબર મળતા જ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, મેયર દક્ષેશ માવાણી તેમજ સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજન પટેલ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં તેમણેે શ્રદ્ધાંજલિ આપી પરિવારના સભ્યોને સાંત્વના આપી હતી.