જુનાગઢ: આકરી અને અકડાવનારી ગરમી સતત વધી રહી છે. આગામી દિવસો દરમિયાન ગરમીનું પ્રચંડ મોજું ફરી વળવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા પણ વ્યક્ત કરાઈ છે. ત્યારે આકરી અને અંગ દજાડતી ગરમીમાં માનવજાત હેરાન થઈ ગઈ છે. પરંતુ આ ગરમીને કારણે કબૂતર અને ચકલીની પ્રજાતિના પક્ષીઓ માટે ગરમી જાણે કે પ્રાણ ઘાતક બનીને આવી હોય તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. પાછલા બે દિવસ દરમિયાન ગરમીથી અસરગ્રસ્ત 35 જેટલા કબૂતરો હાલ જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટની અસ્થાઈ ક્લિનિકમાં સારવાર મેળવી રહ્યા છે.
પક્ષીઓને અપાય છે સારવાર: પ્રાણી અને પશુ-પક્ષીઓ માટે કામ કરતી જૂનાગઢની જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટની અસ્થાઈ હોસ્પિટલમાં ગરમીથી અસરગ્રસ્ત બનેલા 35 જેટલા કબૂતરો હાલ સારવાર લઈ રહ્યા છે. ચાર દિવસ પૂર્વે દિવસ દરમિયાન પશુ કે પક્ષીને ઘાયલ થવાના માત્ર બે થી પાંચ કોલ જ આવતા હતા. પરંતુ પાછલા બે દિવસથી દિવસ દરમિયાન 15 થી 20 જેટલા કોલ માત્ર પક્ષીઓ હીટ સ્ટોકથી જાહેર માર્ગ પર પડેલા છે તેને લઈને આવી રહ્યા છે.
અસ્થાઈ હોસ્પિટલમાં પક્ષીઓને ગ્લુકોઝ અને ઓઆરએસના પાણીની સાથે આઈ સી યુ સેન્ટરમાં પણ રાખવામાં આવે છે જ્યાં કુલર પાણી અને ફુવારાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પ્રભાવિત થયેલ પક્ષીને સાત દિવસ સુધી તબીબોની દેખરેખ નીચે અહીં રાખવામાં આવે છે, ત્યારબાદ તે સંપૂર્ણ સ્વસ્થ થતા ફરી તેને મુક્ત કરવામાં આવે છે.