જુનાગઢ: વૈશાખ સુદ દશમ આજના દિવસે આજથી 2580 વર્ષ પૂર્વે આદિનાથ ભગવાન દ્વારા સૂચવેલા માર્ગ પર મહાવીર સ્વામી દ્વારા 11 પ્રકાંડ પંડિતો અને 4400 શિષ્યોની સાથે જૈન ધર્મની સ્થાપના કરી હતી. જેને આજે 2580 વર્ષ પૂરા થયા છે. જીવો અને જીવવા દો ના ઉદ્દેશ્ય સાથે આદિનાથ ભગવાને દર્શાવેલા માર્ગ પર મહાવીર સ્વામી એ જૈન ધર્મની સ્થાપના કરી હતી. આજે જૈન ધર્મ ન માત્ર ભારત પરંતુ સમગ્ર વિશ્વમાં ધર્મ તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યો છે, જેના કરોડોની સંખ્યામાં અનુયાયીઓ આજે સમગ્ર વિશ્વમાં જૈન ધર્મના સ્થાપના દિવસની ધાર્મિક ઉજવણી પણ કરી રહ્યા છે.
મહાવીર સ્વામીએ 30 વર્ષે લીધી દીક્ષા: સમગ્ર વિશ્વને જૈન ધર્મની ભેટ આપનાર મહાવીર સ્વામીએ 30 વર્ષે દીક્ષા ગ્રહણ કરી હતી. મહાવીર સ્વામી રાજાના દીકરા એટલે રાજકુમાર હતા. પરંતુ ધર્મને લઈને ચુસ્ત એવા મહાવીર સ્વામીએ 12.5 વર્ષ સુધી ઘોર સાધના કરીને પરમ તત્વની પ્રાપ્તિ કર્યા બાદ જૈન ધર્મની સ્થાપના કરી હતી. ભગવાન મહાવીર સ્વામીએ ભરૂચ અને વઢવાણ સહિત અનેક વિસ્તારોમાં ચતુર્માસ દરમિયાન વિચરણ પણ કરેલું છે. ભગવાન મહાવીર સ્વામી જ્યારે ઘોર સાધના અને તપસ્યા કરતા હતા, ત્યારે વૈશાખ સુદ દશમના દિવસે તેમને પરમ તત્વ અને જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. તે આજનો દિવસ છે. જેથી સમગ્ર વિશ્વના જૈન અનુયાયીઓ દ્વારા આજે ભગવાન આદિનાથ દ્વારા દર્શાવવામાં આવેલા માર્ગ પર ચાલીને મહાવીર સ્વામી દ્વારા સ્થાપવામાં આવેલા જૈન ધર્મના સ્થાપના દિવસની ધાર્મિક ઉજવણી કરી રહ્યો છે.
24 તીર્થંકર ભગવાન બને: જૈન ધર્મમાં 24 તીર્થંકર ભગવાન બને છે, પરંતુ જૈન ધર્મમાં ભગવાન મહાવીર સ્વામીના તપસ્ચર્યાને ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. મહાવીર સ્વામીને હસ્ત કમળ પર ત્રણેય લોકના દર્શન થયા ત્યારથી તે જૈન ધર્મના તીર્થંકર ભગવાન તરીકે પૂજાવા લાગ્યા. વૈશાખ સુદ દશમના દિવસે મહાવીર સ્વામી સમક્ષ 11 પ્રકાંડ પંડિતો અને તેમના 4400 શિષ્યો દ્વારા વાદ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકાના પંથ એટલે કે જૈન ધર્મ અસ્તિત્વમાં આવ્યો. જૈન ધર્મની પરંપરા અને ધાર્મિક માન્યતા અનુસાર 21હજાર વર્ષ સુધી સમગ્ર પૃથ્વીલોકમાં જૈન ધર્મનું શાસન સ્થપાયેલું રહેશે. જૈન ધર્મની બીજી એક ધાર્મિક માન્યતા અનુસાર મહાપુરુષો કે જેને જૈન ધર્મમાં તીર્થંકર અને ભગવાન તરીકે પૂજવામાં આવે છે તેવા મહાપુરુષો મધ્યમ આયુષ્ય ભોગવે છે.