રાજકોટ : ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ લગાવવા બાદ ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવો હાલ નથી મળી રહ્યાં. એવામાં બીજી તરફ લસણના ભાવ આસમાને પહોંચ્યા છે. રાજકોટ સહિતના યાર્ડમાં એક કિલો લસણના ભાવ 400થી 500 રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે. જ્યારે સારી કવોલિટીનું લસણ રૂ.500 કરતા વધુ કિંમત સુધીમાં વહેંચાઈ રહ્યું છે. એવામાં છૂટક બજારમાં પણ લસણના ભાવ આસમાને પહોંચ્યા છે. યાર્ડમાં એક તરફ નવા લસણની આવક નથી તેના કારણે જુના લસણના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આગામી બે મહિના સુધી બજારમાં હજુ પણ નવું લસણ આવશે નહીં. તેના કારણે આ ભાવ વધારો યથાવત રહે તેવું પણ વેપારીઓ જણાવી રહ્યા છે.
ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં જ લસણ પૂર્ણ : રાજકોટ યાર્ડના વેપારી કિશોર વઘાસીયાએ ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે દેશના ગમે તે યાર્ડ જોવા જઈએ તો જૂનું લસણ હાલ પૂર્ણતાના આરે છે. જ્યારે વર્ષ દરમિયાન ફેબ્રુઆરી મહિનામાં જૂનું લસણ ખૂટે નહીં તેવો ઇતિહાસ પણ રહ્યો છે. પરંતુ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં જ જૂનું લસણ પૂર્ણ થઈ ગયું છે.
ગયા વર્ષે લસણનું પાક ખૂબ ઓછો થયો હતો અને સારું લસણ બજારમાં ઓછું આવ્યું હતું જેના કારણે આ લસણનો ખેડૂતોને સારો એવો ભાવ મળ્યો હતો અને ખેડૂતોએ સારો ભાવ મળતા મોટા ભાગના ખેડૂતોએ લસણ વેચી નાખ્યું હતું. જેના કારણે ફેબ્રુઆરી મહિના સુધીમાં સંપૂર્ણ લસણ પૂર્ણ થઈ ગયું છે. ત્યારે જૂનું લસણ પૂર્ણ થઈ જવાના કારણે હવે જે લસણ બચ્યું છે આ લસણના ભાવમાં વધારો જોવા મળ્યો છે. જ્યારે લસણના ભાવમાં કોઈ કૃત્રિમ મંદી કે તેજીની વાત નથી પરંતુ દર વર્ષે જૂનું લસણ માર્ચ અને એપ્રિલ મહિના સુધી ચાલતું હોય છે પરંતુ આ વર્ષે જૂનું લસણ પૂર્ણ થઈ ગયું છે જેના કારણે તેના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે...કિશોર વઘાસીયા (રાજકોટ યાર્ડના વેપારી )
50 વર્ષમાં પહેલીવાર લસણનો આ ભાવ જોયો : કિશોર વઘાસિયા નામના વેપારીએ વધુમાં જણાવ્યું હતું કે જૂના લસણમાં હાલ ઝીણા અને મધ્યમ કદના લસણના ભાવ 20 કિલો રૂ. 3,000 થી લઈને 4,000 સુધીમાં વેચાય છે. આ સાથે જ સારી ક્વોલિટીના લક્ષણ 4 હજારથી શરૂ થઈને રૂ. 7000 સુધીના વેચાઇ રહ્યા છે. રાજકોટ યાર્ડમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં થયેલા લસણ વેચાવા માટે આવે છે. આ સિવાય હાલમાં મધ્યપ્રદેશ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી મોટા પ્રમાણમાં લસણ વેચાવા માટે આવી રહ્યું છે. જેના પણ રૂ. 2500 થી લઈને 5,000 સુધીના ભાવ જોવા મળી રહ્યા છે. જ્યારે હાલમાં મારી ઉંમર 50 વર્ષની થઈ પરંતુ અત્યાર સુધીમાં મેં કોઈ દિવસ ધાર્યું નથી કે લસણના 20 કિલોના રૂપિયા 7000 ભાવ મળશે. આવું પ્રથમ વખત થયું છે કે લસણ પૂર્ણ થઈ ગયું છે અને તેના ભાવ રૂપિયા 7000 મળી રહ્યા છે.
બજારમાં લસણ નથી એટલે ભાવ મળે છે : રાજકોટ યાર્ડમાં લસણ વેચવા માટે આવેલા રવજીભાઈ પટેલે ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ લસણના ખૂબ સારા ભાવ મળી રહ્યા છે. 2,000 થી 4,000 સુધીના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે પરંતુ આ ભાવ ક્યાં સુધી મળશે તેનું હજુ નક્કી નથી. હાલમાં યાર્ડમાં લસણની આવક ન હોવાના કારણે આ ભાવ મળી રહ્યા છે. જેના કારણે ખેડૂતોમાં પણ ખુશી છવાઈ છે. જ્યારે આ મામલે રાજકોટ યાર્ડના ચેરમેન જયેશ બોઘરાએ ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટનું યાર્ડ સૌરાષ્ટ્રનું સૌથી મોટું યાર્ડ છે. ત્યારે અહીંયા 20 કિલો લસણના હાલ રૂ. 5000 થી 7000 સુધીના લસણના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. હાલમાં લસણની સિઝન પૂર્ણ થઈ છે અને નવું ઉત્પાદન હજુ યાર્ડમાં આવ્યું નથી જેના કારણે આ ભાવ મળી રહ્યા છે. જ્યારે રાજકોટ યાર્ડ ખાતે 15 થી 20 દિવસ પહેલા બે ત્રણ હજાર ગુણી લસણની આવતી હતી પરંતુ હવે માત્ર 200 થી 300 ગુણી જ જુના લસણની આવી રહી છે.
દેશના મોટાભાગના યાર્ડમાં લસણની આ સ્થિતિ : ઉલ્લેખનીય છે કે રાજકોટ યાર્ડમાં મુખ્યત્વે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાંથી મોટા પ્રમાણમાં લસણની આયાત થાય છે. એવામાં દેશભરમાં આ બંને રાજ્યોમાંથી વધુ પ્રમાણમાં લસણ વધુ પ્રમાણમાં જાય છે. એવામાં આ વર્ષે આ રાજ્યોમાં પણ લસણનું ઉત્પાદન ઓછું થયું છે. જેના કારણે ત્યાંથી લસણ જોઈએ એટલા પ્રમાણમાં રાજકોટ સહિતના યાર્ડમાં આવી રહ્યું નથી. બીજી તરફ લસણની માંગ વધી છે અને બજારમાં લસણનો પુરવઠો ઘટ્યો છે જેના કારણે લસણના ભાવ વધ્યા છે. રાજકોટ યાર્ડ સહિતના રાજ્યના અલગ અલગ યાર્ડમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે.