સુરત: સુરત પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. જેથી છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવી જશે. શનિવારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં તેઓ સરદાર મીની બજાર માનગઢ ચોક ખાતે આવેલા સરદાર પ્રતિમા વિસ્તારમાં સાંજે 8:00 કલાકે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. 18મી એપ્રિલના રોજ તેઓએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું જેથી અટકળો ચાલી રહી હતી કે, તેઓ ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે પરંતુ તેઓ ભાજપમાં ક્યારેય જોડાશે તે અંગે જણાવ્યું નહોતું.
આમંત્રણ પત્રિકા પણ છપાઈ: જો કે લોકસભા ચૂંટણી પહેલા પાટીદાર સમાજના યુવા ચહેરા ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. શનિવારે વિધિવત તેઓ ભારતીય જનતા પાર્ટીમાં એ જ વિસ્તારમાં જોડાશે જ્યાં તેઓએ પાટીદાર આંદોલનની શરૂઆત કરી હતી. આ માટે ખાસ આમંત્રણ પત્રિકા પણ છપાઈ ગઈ છે. જેમાં કાર્યક્રમના અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે સુરત ભાજપ શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયા, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, સાંસદ મુકેશ દલાલ, મેયર દક્ષેશ માવાણી સહિત ભાજપના આગેવાનો હાજર રહેશે.
300 લોકો ભાજપમાં જોડાશે: અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિંયા સાથે તેમના કાર્યકારી સમિતિમાં રહી ચૂકેલા કેટલાક આગેવાનો તેમની સાથે જોડાવા જઈ રહ્યા છે. ધાર્મિક માલવિયાએ આ અંગે જણાવ્યું હતું કે, આશરે 300થી પણ વધુ લોકો તેમની સાથે ભાજપમાં જોડાશે. આ સાથે સુરતના સામાજિક સંસ્થા સાથે સંકળાયેલા કેટલાક લોકો પણ ભાજપમાં જોડાઈ શકે છે.
પીએમ મોદી વન મેન આર્મી: ભાજપમાં જોડાવા પાછળનું કારણ ધાર્મિક માલવિયાએ જણાવ્યું હતું કે, આજ દિન સુધી અમે આમે સામે લડ્યા છીએ. હવે સાથે મળીને સમાજ, રાજ્ય અને દેશ માટે કામ કરીશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વન મેન આર્મી છે તેમની સામે કોઈ લડી શકે નહીં. તેઓ દેશના વિકાસ માટે કામ કરી રહ્યા છે જેથી અમને લાગ્યું કે, અમે પણ તેમની સાથે જોડાઈએ.