સુરત: હાલ સમગ્ર રાજ્ય સહિત સુરત જિલ્લામાં નકલીની બોલબાલા વધી ગઈ છે. લોકો પણ સસ્તું જોઈને અસલી છે કે નકલી એ જાણ્યા વગર ખરીદવા પડાપડી કરી રહ્યા છે. જેનો લાભ સીધો ભેજાબાજો ઉઠાવી રહ્યાં છે. જાણીને નવાઈ લાગશે કે ગુજરાતનું આર્થિક શહેર તરીકે જાણીતા સુરતના ઓલપાડ તાલુકામાં છેલ્લા 10 મહિનાની અંદર અસલીના નામે નકલી પ્રોડક્ટનો કાળા કારોબાર કરી પાંચ જેટલી ફેકટરીઓ ઝડપાઇ ચૂકી છે. જેમાં નકલી નોટ, નકલી ઘી, નકલી શેમ્પૂ, નકલી વિમલ અને નકલી આયુર્વેદિક દવાની ફેકટરીનો સમાવેશ થાય છે. આ પાંચ ફેકટરીમાંથી કુલ 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ત્યારે રાજ્યમાં વધી ગયેલ નકલી વેપલા લઇને સરકારની સંબધિત વિભાગની એજન્સીઓ કડક હાથે કામ લે એ હાલ જરૂરી બન્યું છે.
જીઆઈડીસીમાંથી ઝડપાયું નકલી ઘી બનાવતી ફેકટરી: પહેલા કેસની વાત કરીએ તો ગત 7-10-2023 ના રોજ સુરતના ઓલપાડ તાલુકામાં આવેલા બોલાવ ગામની GIDCમાં કીમ પોલિસે બાતમી આધારે રેડ કરી હતી. જી.આઈ.ડી.સી ની એક ફેકટરીમાં છાપો મારતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. સ્થળ પર મોટા પ્રમાણમાં મુદ્દમાલ મળી આવ્યો હતો. ફેક્ટરીની અંદરથી મસમોટી બે ટાંકીઓ મળી આવી હતી. એક ટાંકીમાં ઘી તેમજ બીજી ટાંકીમાં પામોલિયન ઘી મળી આવ્યું હતું. જેમાં દાલડા ઘી, વનસ્પતિ ઓઇલ, સોયાબિન ઓઇલ અને કલરનું મિશ્રણ કરી ઘી બનાવવામાં આવતું હતું.
ફેકટરી વિવિધ મિશ્રણ સાથે રિફાઇન કર્યા બાદ એ ઘીને નાને થી લઈને મોટા ડબ્બામાં પેકિંગ કરવામાં આવતા હતા. જે બોટલો પર સારાંશ ગાયનું શુદ્ધ ઘી, અનમોલ રતન શુદ્ધ ઘી જેવા સ્ટીકરો લગાડવાથી આવતા હતા. મહત્વનું છે કે ના માત્ર નાની મોટી બોટલો નહિ પરંતુ નાના પાઉંચમાં પણ ઘીનું વેચાણ કરાતું હતું. કીમ પોલીસે ઘટના સ્થળ ઉપરથી હજારોની સંખ્યામાં નાના મોટા ઘીના ડબ્બાઓ સિઝ કર્યા હતા. તેમજ 700 જેટલા પાઉંચ, તેલના ડબ્બાઓ, ઓઈલના ડબ્બાઓ, મશીનરી, સિલ સહિત 6 લાખથી વધુનો મુદ્દમાલ ઝપ્ત કર્યો હતો.
માસમાં ગામેથી સુરત એલસીબીએ નકલી ઘીની ફેકટરી ઝડપી: ગત 26-10-2023 ના રોજ સુરત જિલ્લા એલસીબી ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ઓલપાડ તાલુકાના માસમાં ગામની GIDC વિસ્તારમાં આવેલ હની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના એક ગોડાઉનમાં શંકાસ્પદ ઘી નો જથ્થો ભર્યો છે.જે બાતમીના આધારે એલસીબી ટીમે રેડ કરતા હાજર કોઈ વ્યક્તિ મળી આવ્યું ન હતું. એલસીબીની ટીમે તાત્કાલિક FSL અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગને બોલાવી શંકાસ્પદ ઘી ના સેમ્પલ લીધા હતા. એલસીબીની ટીમે 50 લાખની કિંમતનું 8000 કિલો ઘી જપ્ત કર્યું હતું.અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
ઓલપાડ પોલીસે નકલી વિમલની ફેકટરી ઝડપી: ગત 8 -4-2024 ના રોજ ઓલપાડ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ઓલપાડ તાલુકાના માસમાં ગામની સીમમાં આવેલ GIDC વિસ્તારમાં એક કંપનીમાં ગેર કાયદેસર વિમલ અને ડવ શેમ્પૂ બનતું હોવાની માહિતી મળતાં પોલીસે મોડી રાત્રે છાપો માર્યો હતો. જેમાં વિમલ અને ડવ શેમ્પૂનો જથ્થો જોઈ પોલીસ પણ ચોંકી ગઈ હતી. અને હાજર ઈસમો પાસેથી લાયસન્સ મળી ન આવ્યું હતું. જેથી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
આ કંપનીમાં અલગ અલગ મશીનરીથી વિમલ, પાન મસાલા તેમજ તમાકુ બનાવટનું પેકિંગ કરી બોક્ષ ભરવામાં આવતા હતા. તેમજ અલગ અલગ ડ્રામમાં બનાવટી લિકવિડ ભરી મશીનની મદદથી પેકિંગ કરી દેવાતું હતું, પોલીસે 21.85 લાખની કિંમતનો વિમલનો જથ્થો, 28.31 લાખનો ડવ શેમ્પૂનો જથ્થો તેમજ અલગ અલગ મશીનો મળી કુલ 50.16 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો હતો. અને ગોડાઉન ભાડે રાખનાર અબ્દુલ હફીઝ, તેમજ ગોડાઉનમાં મજૂરી કરનાર મનોજ કુમાર યાદવ, ઇન્તેખાબ અહેમદ, સંદીપ યાદવ, રાહુલ સોનકર , સુનીલ નિશાદ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. ભાડે ગોડાઉન રાખી નકલી પ્રોડક્ટ બનાવનાર ઇસમની પોલીસે પૂછપરછ કરતાં આ તમામ પ્રોડક્ટ બિહાર રાજ્યમાં સપ્લાય કરતો હોવાનું પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું.
નકલી નોટો ઝડપાઈ: ગત 16-7-2024 ના રોજ ઓલપાડ પોલીસની મહિલા ટીમને બાતમી મળી હતી કે ઓલપાડના પરા વિસ્તારથી ઓલપાડ તરફ આવતા મેઈન રોડ ઉપર સેના ખાડીના બ્રિજ પાસે અલ્તાફ દીવાન નામનો ઇસમ જેણે વાદળી કલરનો શર્ટ અને ભૂરા ક્લરનું પેન્ટ પહેરેલ છે. તે કથ્થઈ કલરના લેધર બેગમાં નકલી ચલણી નોટો લઇને આવી રહ્યો છે. અને ઓલપાડ બજારમાં નકલી નોટો વટાવવાની ફિરાકમાં છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી દીધી હતી, બાતમીના આધારે વોચમાં રહેલ ઓલપાડ પોલીસે બાતમી વર્ણન મુજબનો ઇસમ આવતા જ તેને દબોચી લીધો હતો અને તેઓનું નામ ઠામ પૂછતા તેણે પોતાનું નામ અલ્તાફઅહેમદ દીવાન હોવાનું જણાવ્યું હતું.
100 ના દરની 97 નકલી નોટો મળી આવી: તેની પાસે રહેલ બેગ ચેક કરવામાં આવતા બેગમાંથી 100 ના દરની 97 નોટો મળી આવી હતી જે નોટો સાચી છે કે ખોટી એ તપાસ કરવા સાયન્ટીફિક ઓફિસરની મદદ લેવાઇ હતી. જેમાં આ તમામ 97 નોટો નકલી હોવાનું બહાર આવ્યું હતું. ત્યાર બાદ પોલીસે નકલી નોટો, મોબાઈલ, બેગ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આરોપી અલ્તાફ દિવાનની પૂછપરછ કરતાં આરોપીએ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. આરોપી થોડા સમય પહેલા જ જામનગરથી કામ અર્થે સુરતના ઓલપાડ ખાતે રહેવા માટે આવ્યો હતો. અલ્તાફ દીવાન પરિવાર સાથે ઓલપાડ વિસ્તારમાં રહે છે અને તે દરજી કામ સાથે જોડાયેલો છે. અલ્તાફ દીવાનને દેવું થઈ ગયું હતું, બેંકમાં હપ્તા ભરવા માટે અલ્તાફ પાસે પૈસા ન હતા આવા સમયે અલ્તાફને નકલી નોટો છાપવાનો આઈડિયા આવ્યો અને તે ઘરમાં જ પ્રિન્ટરમાં 100 ના દરની નકલી નોટો છાપવા લાગ્યો હતો.
નકલી આયુર્વેદિક દવાઓ બનાવતી ફેકટરી ઝડપાઇ: ગત 2-8-2024 ના રોજ સુરતના ઓલપાડ ખાતે પરવાના વગર આયુર્વેદિક બનાવટોનું ગેરકાયદેસર રીતે ઉત્પાદન કરતી ફેક્ટરી પર રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં મળી આવેલા શંકાસ્પદ જથ્થાના આશરે 15 જેટલા નમૂના લઇ, બાકીનો રૂ. 11.60 લાખનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, તેમ ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું.
કમિશનરએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, સુરત ખાતે આયુર્વેદિક બનાવટોનું ઉત્પાદન અને વેચાણ કરતી ફેક્ટરી ખાતે ડ્રગ ઓફીસરોની ટીમ દ્વારા દરોડો પાડતા સ્થળ પર કવાથ, ચૂર્ણ તથા જોઇન્ટ રીલિફ ઓઈલ નામની અલગ-અલગ પ્રકારની આયુર્વેદિક દવાનું ઉત્પાદન થતું જોવા મળ્યું હતું. પૂછપરછ કરતા જોગી હર્બાસ્યૂટીકલ પ્રા.લી. દ્વારા પરવાના કે લાયસન્સ મેળવ્યા વગર આ દવાઓનું ઉત્પાદન કરતા હોવાનું જણાઈ આવતા, તાત્કાલિક ઉત્પાદન બંધ કરાવીને ફેક્ટરી સીલ કરવામાં આવી હતી.
આ પેઢીના ડિરેક્ટર નિલેશભાઈ જોગલ તેમજ ડૉ. દેવાંગી જોગલ સામે કાયદેસરની કાર્યવાહીને ધ્યાને રાખી ફેક્ટરી ખાતેથી આશરે રૂ. 2 લાખની કિંમતનું રો-મટેરિયલ, રૂ. 70 હજારની કિંમતનું પેકીંગ મટેરીયલ, રૂ. 2.90 લાખની કિંમતની ફીનીશ્ડ પ્રોડક્ટ તેમજ રૂ. ૬ લાખની કિંમતની કવાથ, ચૂર્ણ તથા ઓઈલ બનાવવાની મશીનરી મળીને આશરે રૂ. 11.60 લાખ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, તેમ કમિશનરએ ઉમેર્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા ફેક્ટરી ખાતે ઉત્પાદિત શંકાસ્પદ આયુર્વેદિક દવાના પાંચ નમૂના તથા રો-મટીરીયલના દસ નમૂનાઓ મળી કુલ 15 નમૂનાઓ લઈ, પૃથક્કરણ માટે સરકારી પ્રયોગશાળા-વડોદરા ખાતે મોકલી આપવામાં આવ્યા છે, જેનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. દવાના નમૂનાઓનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે તેમજ ગેરકાયદેસર રીતે બનાવટી એલોપેથીક, આયુર્વેદિક અને કોસ્મેટીક્સ દવા બનાવતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે તંત્ર કટિબદ્ધ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.