અમદાવાદ : રાજ્યમાં લઘુત્તમ તાપમાનનો પારો પણ ઉંચો ગયો છે. દિવસ તો ગરમ હોય જ છે, પરંતુ સૂર્યાસ્ત થયા પછી પણ ગરમ પવન કહેર વર્તાવી રહ્યા છે. જેને લઇને સાંજના સમયે પણ બહાર નીકળવાનું ટાળવું પડે તેવી સ્થિતિ બની છે.
ગુજરાતનું તાપમાન વધ્યું : હવામાન વિભાગની આગાહી અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, આણંદ, સુરત, સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, પોરબંદર સહિત અમદાવાદમાં હીટવેવની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બે દિવસ ગુજરાતમાં ગરમ રાત રહેશે. આજે પણ કેટલાક જિલ્લાઓમાં યલો તો કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
જાહેર જનતા જોગ સૂચન : અમદાવાદમાં પાંચ દિવસ રેડ એલર્ટના પગલે તંત્ર દ્વારા કન્સ્ટ્રકશન સાઈટ પર બપોરે 12 થી 4 વાગ્યા સુધી કામ બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત નાના બાળકો, સગર્ભા મહિલાઓ અને વૃદ્ધો ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી છે. જો વધુ પડતું માથું દુખે અથવા તાવ આવવાની સ્થિતિ લાગે તો તબીબનો સંપર્ક સાધવા જણાવ્યું છે. બપોરના સમય દરમિયાન પાણી, છાશનો વધુ ઉપયોગ કરવા, અચાનક એસીમાંથી ગરમીમાં ન જવાની સલાહ પણ આપી છે.
વહીવટી તંત્ર દ્વારા રાહત કામગીરી : આરોગ્ય વિભાગે તમામ અર્બન હેલ્થ સેન્ટર સાંજે સાત વાગ્યા સુધી ખુલ્લા રાખવા સૂચના આપી છે. શ્રમિક અન્નપૂર્ણા યોજના, દિનદયાળ કેન્દ્ર તથા નક્કી કરેલ બગીચાઓમાં બપોરના સમયે છાશનું વિતરણ કરવા કહેવાયું છે. વોર્ડ વાઈઝ પ્રચાર રીક્ષા રાખી સ્લમ વિસ્તાર તેમજ ભીડભાડવાળી જગ્યાએ એલર્ટ અંગેની જાણકારી આપવા સાથે જ સોશિયલ મીડિયામાં એલર્ટ મેસેજ ઇશ્યૂ કરવા સૂચન આપ્યું છે.
હિટ સ્ટ્રોકના કેસ વધ્યા : રાજ્યમાં હીટવેવના કારણે હિટ રીલેટેડ કેસોમાં વધારો થયો છે. તાપમાનનું પ્રમાણ વધારે હોવાના કારણે કેસમાં વધારો થાય છે. અત્યાર સુધી હિટ સ્ટ્રોકના કુલ 72 કેસ નોંધાયા છે. 2375 સેન્ટર પરથી રોજ માહિતી એકત્ર કરવામાં આવે છે. જેમાં 17 એપ્રિલ બાદ રોજના 70-80 કેસ નોંધાતા હતા. તેમાં ગઈકાલે સૌથી વધુ 100 ઉપર કેસ નોંધાયા છે.
- અમદાવાદ મનપા vs હવામાન વિભાગ :
અમદાવાદમાં ગરમીનો પ્રકોપ પાંચમા દિવસે પણ યથાવત છે. શહેરમાં પારો 44 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. ત્યારે શહેરમાં ગરમી મામલે આપવામાં આવતા એલર્ટને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન અને હવામાન વિભાગ વચ્ચે વિવાદ સામે આવ્યો છે.
રેડ એલર્ટ કે ઓરેન્જ એલર્ટ ? ગુજરાતમાં અમદાવાદ સહિત અનેક શહેરોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. અમદાવાદમાં છેલ્લા પાંચ દિવસથી આકરા તાપ અને લૂને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 24 તારીખ સુધી શહેરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જોકે હવામાન વિભાગે આ રેડ એલર્ટને સમર્થન ન આપતા વિવાદ ઉભો થયો છે. હવામાન વિભાગે ફક્ત ઓરેન્જ એલર્ટ આપ્યું હોવાનું જાણવામાં આવ્યું હતું.
કોણે શું કહ્યું ? અમદાવાદમાં સ્થાનિક તંત્ર અને હવામાન વિભાગ વચ્ચે સંકલન ન થતા એલર્ટને મામલે શહેરીજનો ચિંતામાં મુકાયા છે. એક તરફ હવામાન વિભાગ રેડ એલર્ટ નથી આપ્યું અને ફક્ત ઓરેન્જ એલર્ટ આપ્યું હોવાના નિવેદન પર મક્કમ છે. તો બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીએ સત્તાવાર રીતે મીડિયા સમક્ષ રેડ એલર્ટ આપ્યું હોવાનું સ્વીકાર્યું છે.