જામનગરઃ જામનગરમાં વીજળીના બીલોને મામલે કોર્પોરેટર રચના નંદાણીયાએ વીજ તંત્રના અધિકારીઓને ડંડાથી મારવા જતા હોવાનું જાહેર કરી ગેરવર્તન કરવાને મામલે ફરિયાદ કરી હતી. મામલાને લઈને ફરિયાદ થતા ભારે ચકચાર મચી છે.
જામનગર વીજ તંત્રના નાયબ ઈજનેર અજય કરશનભાઈ પરમાર (40, રહેવાસી નાઘેડીગામ રોડ, જામનગર)એ દાખલ કરાવેલી આ ફરિયાદમાં જણાવ્યું છે કે, કોર્પોરેટર રચના નંદાણીયાએ ગુરૂવારે મીડિયા ગ્રૂપમાં સંદેશો મૂકી, પોતે વીજ તંત્રની કચેરીમાં ડંડો લઈ સાહેબોને મારવા જતાં હોય એવું જાહેર કરી, જેમને સાથે આવવું હોય તેઆવે એવી જાણ કરી હતી. પોતાના મોબાઈલ મારફતે ઓનલાઈન થઈ, મીડિયાકર્મીઓ તથા પોતાની સાથે કિશન નામના શખ્સને સાથે લઈ, પોતાના હાથમાં લાકડી લઈ, ફરિયાદી અધિકારી અનુસૂચિત જાતિના હોવાનું જાણતા હોવા છતાં, કચેરીની અંદર ફરિયાદીની ચેમ્બરમાં પ્રવેશ કરી, ફરિયાદી તથા ફરિયાદી સાથે કામકરતાં કર્મચારીઓ સાથે ગેરવર્તન કર્યું હતું. ઉપરાંત ફરિયાદી સામે લાકડી ઉગામી, માર મારવાની ધમકી આપી હતી. આ મામલે ફરિયાદીની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી, ફરિયાદી અધિકારીનો મોબાઈલ ઝૂંટવી લઈ લૂંટ ચલાવી અને ફરિયાદીના મોબાઈલનો ઘા કરી મોબાઈલમાં નુકસાન પહોંચાડયું હતું. એટલું જ નહીં ફરિયાદમાં જણાવ્યું છે કે, પોલીસમાં કોઈ ફરિયાદ કરશો તો હું તમને જોઈ લઈશ એવી ગર્ભિત ધમકી આપી હતી અને આ દરમિયાન ફેસબુક માધ્યમથી લાઈવ થઈ લોકોને દારૂ વેચવા, ડ્રગ્સ વેચવા તથા બે નંબરના કામ કરવા ગેરમાર્ગે દોરી તથા વીજતંત્ર દ્વારા સ્માર્ટ વીજ મીટર લગાડી વધારે બિલો આપવામાં આવે છે એમ કહી ફરિયાદીના સરકારી વિભાગ વિરુદ્ધ ઉશ્કેરણી કરી હતી. તેમણે પોતે આપઘાત કરી લેશે એવી ધમકી આપી તથા ફરિયાદી અને ફરિયાદીની સાથે કામ કરતાં કર્મચારીઓને કાયદેસરની ફરજો બજાવતા અટકાવી ગુનાહિત બળનો ઉપયોગ કરી ગનો આચર્યો છે.
આ બનાવ બાદ વીજ તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ અને ઈજનેરો સૌ પોલીસમથકે દોડી ગયા હતા અને કોર્પોરેટર વિરુદ્ધ આકરી કલમો સાથેની ફરિયાદ દાખલ કરાવી, તેમાં કિશન નામનો કોઈ વ્યક્તિ આ કામમાં કોર્પોરેટર સાથે હોવાનો પણ ઉલ્લેખ થતાં, કોર્પોરેટર અને આ શખ્સ વિરુદ્ધ આગામી સમયમાં આકરી પોલીસ કાર્યવાહીઓની સંભાવનાઓ છે. ઉપરાંત આ ફરિયાદમાં એટ્રોસિટીની કલમો પણ દાખલ થયેલી હોય, સમગ્ર ફરિયાદની તપાસ ડીવાયએસપીના માર્ગદર્શન મુજબ થનાર હોય, આ સમગ્ર પ્રકરણ આગામી દિવસોમાં પણ ચર્ચાસ્પદ રહેશે એવું દેખાઈ રહ્યું છે.
પોલીસે BNSની કલમ- 192, 353 (1), 224, 226, 132, 351(2), 324(2), 221, 309(4) - 3(1)(R) , 3(2)(5) , 3(2) (5a) મુજબ આ ફરિયાદ દાખલ કરી છે.